સૌજન્ય : panoramio.com |
હાલ સ્કૂલો-કોલેજોમાં દિવાળીનું વેકેશન શરૂ થઈ રહ્યું છે. પરિવાર કે મિત્રો સાથે આ વખતે વેકેશનમાં ક્યાં જવું તેના આયોજનમાં લોકો લાગી ગયા હશે. કેટલાક લોકોએ તો આ આયોજન અગાઉ જ કરી લીધું હશે.
પ્રવાસ, પર્યટન,
સહેલ, સહેલગાહ, મુસાફરી, સફર, વિહાર, યાત્રા, જાત્રા, ખેપ, મજલ, અટણ, ભ્રમણ અને
દેશાટન જેવા શબ્દો ગુજરાતીમાં આપણી પાસે છે. આ દરેક શબ્દનો સાદો અર્થ ફરવું એવો કરી
શકાય. (ફરવું પણ આ જ હરોળનો શબ્દ છે.) આ ઉપરાંત કામ વગરનું ફરવું તે માટે આપણી
પાસે રખડપાટ જેવો શબ્દ છે. ગામમાં ઘણા છોકરાઓ પર લાગેલા ‘રખડું’ના લેબલ પાછળ આ શબ્દ છે.
પ્રવાસ અને જાત્રા આ
બે શબ્દોનો પરિચય મને નાનપણથી થયો. કયો શબ્દ પહેલાં જાણવા મળ્યો તે શોધવું અઘરું
છે પરંતુ પ્રવાસ શબ્દ પ્રાથમિક શાળામાં જાણવા મળ્યો. શાળા તરફથી બાજુંના ગામના
મહાદેવના મંદિર લઈ જવામાં આવે તો પણ અમે તેને પ્રવાસ કહેતા અને ઘરે આવીને અમે આ
પ્રવાસની વાતો કરતા.
અત્યારના જેવી
આયોજનપૂર્વક દેશ-વિદેશમાં થતી ટૂરનો ખ્યાલ તો કોલેજ સુધી ન હતો. ટુર, ટુરિઝમ, ટ્રિપ,
ટ્રાવેલ, પિકનિક, જર્ની, સાઇટિંગ, વિઝિટીંગ, એક્પ્લોરિંગ જેવા અંગ્રેજી શબ્દો અને
તે સાથે થતી ભવ્ય ટુર તો હજી પણ મારા ભાગે આવી નથી.
હાઇસ્કૂલમાંથી 10
કિલોમીટર દૂર આવેલી નર્સરી અને ડેમની મુલાકાત પણ અમારા માટે પ્રવાસ હતો. જો કે આજે
વાત જાત્રાની કરવાની છે.
સૌજન્ય : panoramio.com |
જાત્રા એટલે ધાર્મિક
સ્થળોએ કરવામાં આવતો પ્રવાસ. ગામડામાં દિવાળી અને હોળીના આસપાસના સમયને જાત્રા માટે
અનુકૂળ ગણવામાં આવે છે.
જાત્રામાં મોટેભાગે
વડીલોએ જવાનું હોય છે. યુવાનોનો તેમાં ભાગ્યે જ સમાવેશ થાય છે. પહેલાંના સમયથી
ચાલી આવતી પરંપરા મુજબ વડીલો જાત્રા કરવા જાય છે. આ પાછળ એવો ઉદ્દેશ હશે કે જિંદગી
આખી તનતોડ મહેનત કરી હોય, ગામની બહાર ભાગ્યે જ પગ મૂક્યો હોય, છોકરાંઓને મોટાં
કરવામાં અને તેમને પરણાવવામાં જીવન પસાર કર્યું હોય, ત્યારબાદ પ્રૌઢાવસ્થામાં
નિવૃતીના ગાળે એક વખતે તો જાત્રાએ જવું જોઈએ. એટલે કે જિંદગી આખી મહેનત કર્યા બાદ
એક વખત શાંતિથી દેશ ફરવો જોઈએ.
આ જાત્રા નાની અને
મોટી એમ બે પ્રકારની હોય છે. મોટી જાત્રા એટલે અમારા માટે ચારધામની જાત્રા. આ ચાર
ધામ એટલે જગન્નાથપુરી, રામેશ્વર, દ્વારકા અને બદરી-કેદાર. નાની જાત્રા એટલે
અંબાજી, બહુચરાજી, ચોટીલા કે પાવાગઢ જેવા ધાર્મિક સ્થાળોની મુલાકાત. (નાની મોટી
જાત્રા અમારા પ્રદેશમાં થતી ગણના પ્રમાણે વર્ણવી છે. અન્ય પ્રદેશમાં તેના અર્થ
જુદા સ્થળોને સાંકળીને થતા હોઈ શકે.)
અમારે ત્યાં ચારધામની
યાત્રા બહુ ઓછા લોકોએ કરી હશે. મોટાભાગના લોકો હરિદ્વાર, મથુરા, કાશી, પ્રયાગ,
અયોધ્યા પશુપતિનાથ(કાઠમંડુ) જેવા સ્થળો એટલે કે ઉત્તર ભારતમાં જતા. જેમાં રામેશ્વર
બાકી રહી જતું.
સૌજન્ય : panoramio.com |
દ્વારકા અમારે માત્રા જાત્રા માટેનું સ્થળ નથી કેમ કે તે ખૂબ જ નજીક છે. પરંતુ જાત્રાએથી પરત આવ્યા બાદ ગોમતીમાં એક વખત સ્નાન કરવા જવાની પરંપરા છે. ગોમતી નદી છે અને તે દ્વારકામાં દરિયાને મળે છે. આ નદીના કાંઠે ભગવાન કૃષ્ણનું મંદિર આવેલું છે. જો કે એવા પણ ઘણા વડીલો હતા જેમણે પોતાના જીવનકાળ દરમિયાન દ્વારકા પણ જોયું ન હતું.
જાત્રાનો માહોલ કોઈ
પ્રસંગ જેવો બની જાય છે. જાત્રાએ જનાર માટે તો હશે જ પરંતુ અમારા માટે પણ મજાનો માહોલ
હતો. ગામમાંથી જે વડીલો જાત્રાએ જવાના હોય તેમના ઘરે જાત્રાના જવાના થોડા દિવસો
પહેલાં જ લોકો આવવાના શરૂ થઈ જાય.
જાત્રા જનારના ઘરે
ગામમાંથી લોકો પળા આપવા આવે છે. પળા એટલે એક પ્રકારનું પડીકું જેની અંદર સાકર હોય
છે. આ પળા આપવાની શરૂઆત ક્યારથી થઈ અને લોકો શા માટે પળા આપવા આવે છે તે અંગે
નક્કર કશું જાણવા મળતું નથી. પરંતુ બહાર જનારા લોકોનું મોં મીઠું કરાવવામાં આવે છે
એવો ઉદ્દેશ આ પળા પાછળ રહેલો હોવો જોઈએ.
મોટે ભાગે અમારે
ત્યાંથી જાત્રા માટે બસ જતી હોય છે. જેમાં મોટે ભાગે 60 કે 65 લોકો જઈ શકે. એક જ
ગામમાંથી આટલા લોકો જઈ ના શકે એટલે એક બસમાં વિવિધ ગામના લોકો સાથે જાય છે. પરત ફરે
ત્યાં સુધીમાં તેમાંના ઘણાં લોકો વચ્ચે પરિવાર જેવા સંબંધો બંધાઈ જતા મેં જોયા છે.
સૌજન્ય : panoramio.com |
જાત્રા જવાના દિવસે ગ્રામજનો
પણ જાત્રા જનારા વડીલોને વળાવવા માટે એકઠાં થાય છે. રંગેચંગે તેમને વળાવવામાં આવે
છે. તેમના ગયા બાદ પાછળથી ઘરનો માહોલ પણ ધાર્મિક બની જાય છે.
જે ઘરેથી વડીલો
જાત્રાએ ગયા હોય ત્યાં કિર્તનનો માહોલ હોય છે. જાત્રાથી પરત ના ફરે ત્યાં સુધી
તેમનાં ઘરે લોકો સાંજે એકઠાં થાય અને કિર્તન કરે. માન્યતા એવી છે કે જાત્રાએ ન
જનાર લોકો પણ આવી રીતે કિર્તન કરીને પુણ્ય મેળવી શકે છે.
ઘર કેવું ખમે એવું
છે તે પ્રમાણે પાછળથી કિર્તનનું આયોજન કરાય છે. ખમે એવું એટલે કે ઘરની-પરિવારની આર્થિક
સ્થિતિ કેવી છે. જો પૈસાદાર હોય તો કિર્તન મંડળી બોલાવીને પણ કિર્તન કરવામાં આવે
છે.
ગામનાં દરેક લોકો
આવી જાત્રાએ જઈ શકતા ન હતા. કેમ કે જાત્રા ખર્ચાળ હોય છે. બે વ્યક્તિની જાત્રામાં
આશરે 50 થી 60 હજાર રૂપિયાનો ખર્ચ કેટલાંક વર્ષો પહેલાં થઈ જતો. ત્યારબાદ
જાત્રાએથી પરત આવ્યા બાદ પણ ઘણો ખર્ચ થતો હોય છે.
જાત્રાથી વડીલો જે
દિવસે પરત આવવાના હોય તે દિવસે પરિવારજનો માટે ઉત્સવ જેવો માહોલ હોય છે. જાત્રાથી
પરત આવનાર લોકોના સામૈંયા કરવામાં આવે છે. ગ્રામજનો ગામના પાદરથી કિર્તન ગાતાં
ગાતાં ઘર સુધી લઈ જાય છે. અબીલ ગુલાલ પણ ઉડાડવામાં આવે, સાથે ઢોલ કે તબલાં હોય છે.
વાદ્યો સાથે જાણે ઉત્સવ જેવા માહોલ સર્જાય છે. ગામમાં નાનો પ્રસંગ હોય તેવું લાગે.
ત્યારબાદના શરૂ થાય
છે મળવા આવવાના દિવસો. ગામના લોકો અને સંબંધીઓ જાત્રા કરી આવેલા જાત્રાળુઓને મળવા
આવે છે. મળવા આવનારને કંઠીથી લઈને ગંગાજળ ભરેલી પાણીની લોટીઓ આપવામાં આવે છે.
ગંગાજળ ભરેલી લોટીઓ અંગત સંબંધીઓને જ મળે છે. કારણ કે મોટેભાગે ગંગાજળ ભરેલી લોટીઓ
ઓછી સંખ્યામાં લાવવામાં આવી હોય છે. આ ત્રાંબાની લોટીઓ પ્રમાણમાં મોંઘી હોય છે.
સૌજન્ય : panoramio.com |
મળવા આવવાની પ્રથા
પાછળનું એક કારણ એવું પણ હોઈ શકે કે દરેક લોકો પહેલાંના સમયમાં જાત્રા પર જઈ શકતા
ન હતાં. જેથી જાત્રા પર ગયેલા લોકો પાસેથી તે પ્રદેશ, લોકો, ધાર્મિક સ્થળો,
રિતરિવાજો, ખાણીપીણી વગેરે અંગેની જાણકારી મેળવી શકાય. જો કે તેમાં મુખ્ય હોય છે
ધાર્મિક સ્થળોની વાતો. દરેક ધાર્મિક સ્થળ વિશે વિસ્તૃત વાતો થાય છે.
જાત્રા બાદ મનોરથ
અને લોટી ઉત્સવ જેવા કાર્યક્રમ પણ થાય છે. જે આર્થિક સ્થિતિ પર આધારિત છે. આવા
કાર્યક્રમ અતિ ખર્ચાળ હોય છે. અહીં તેનો લંબાણપૂર્વકનો ઉલ્લેખ ટાળું છું.
જો કે હવે આ જાત્રાનું
મહત્વ ધીમે ધીમે ઘટી રહ્યું છે. ઝડપી પરિવહન, વાહન વ્યવહારની ઉત્તમ સગવડો, ટેલિવિઝન
દ્વારા દરેક સ્થળોની જાણકારી, મોબાઇલ અને ઇન્ટરનેટ ક્રાંતિ આ માટે જવાબદાર છે.
નાનપણમાં જોયેલું જાત્રાનું
મહત્વ અને ત્યારે થતો આનંદ તો હવે નથી રહ્યો. પરંતુ જાત્રા અંગેના સ્મરણો પણ મારા
માટે રોમાંચક બની રહે છે.
સૌજન્ય : panoramio.com |
જાત્રા સાથે જોડાયેલા
બીજા બે શબ્દો પણ છે એક છે જાત્રાવેરો અને બીજો છે જાત્રારેખા. જાત્રાવેરો એટલે કે
જાત્રાએ જનારા પાસેથી ધાર્મિક સ્થળો પર ઉઘરાવવામાં આવતો કર. હાલ આવો કોઈ કર નથી
પરંતુ અનેક ધાર્મિક સ્થળોએ પરોક્ષ રીતે ફરજીયાત રૂપિયા ઉઘરાવાય છે.
બીજો શબ્દ છે
જાત્રારેખા એટલે કે હાથમાં રહેલી જાત્રા જવાની રેખા. વર્ષો પહેલાં જાત્રા એ
સ્વપ્નવત હશે. એટલે લોકો જ્યોતિષ પાસે જીવનમાં જાત્રાનો જોગ છે કે નહીં તે બતાવવા
જતા હશે. જેના પરથી આ શબ્દ આવ્યો હોવો જોઈએ તેવું મારું માનવું છે.
જાત્રાની મજા હવે તો
પહેલાં જેવી ક્યારેય આવવાની નથી. શહેર અને તેમાં પણ ખાસ કરીને મેટ્રો સિટીમાં આવ્યા
બાદ સ્ટ્રેસ ફૂલ જીવનમાં જાત્રાનું સ્થાન વિક એન્ડે લઈ લીધું છે. બદલાતા સમય સાથે
ઘણું બધું વહી જતું હોય છે અને ઘણું નવું ઉમેરાતું હોય છે. આધુનિક થવાની ઉતાવળમાં
ગામડાંઓ કેટલુંક મેળવવાની સાથે ઘણું ગુમાવી રહ્યાં છે.