Saturday, 18 April 2015

આકાશવાણી યુગ : મારા બાળપણનાં રેડિયો સાથેના સંસ્મરણો.

નાનપણમાં આકાશવાણી સાથે જોડાયેલાં કેટલાંક સ્મરણો કે જે ક્યારેય પણ ભૂલી શકાશે નહિં, રેડિયોએ ભજવેલી માહિતી અને મનોરંજનની બેવડી ભૂમિકાની કેટલીક યાદગાર વાતો. 


આકાશવાણીનું નામ સાંભળતા જે રોમાંચ થાય છે, તે હવે એફ. એમ. રેડિયો કે ટેલિવિઝનનું નામ સાંભળતા નથી થતો. આકાશવાણી શબ્દ હજી પણ ક્યાંક નાનપણનાં સ્મરણોમાં ખેંચી જાય છે. સામે જાણે સરકી ગયેલો સમય આવીને ફરીથી ઊભો રહે તેવો અહેસાસ થાય છે. ટેલિવિઝન, ઈન્ટરનેટ અને સ્માર્ટફોનના યુગમાં જન્મેલી પેઢીને કદાચ આકાશવાણીની જાહોજલાલી અને લોકો સાથેનો તેનો કેવો નાતો હતો તે નહીં સમજાય. મેં રેડિયોનો મધ્યાંતર તો નહીં પરંતું તેનો ઉતરાર્ધ યુગ જીવ્યો છે. દરજીની દુકાનથી લઈને ગૃહિણીના કિચન સુધી, શાળામાં શિક્ષક પાસે મેચની કોમેન્ટ્રીથી લઈને ખેતરના શેઢે ભજન સાંભળતા ખેડુત સુધી આકાશવાણી પહોંચેલું હતું. બાળકોના કાર્યક્મો, સમાચાર, ખેતી વિશેની માહિતી હોય કે બોલિવૂડના ગીતો, યુવાનો હોય કે વડીલો દરેક માટેના કાર્યક્રમો આકાશવાણી પ્રસારિત કરતું. હવે સ્માર્ટફોનના યુગમાં રેડિયોનો એ યુગ ફરી જોવા મળવાનો નથી.

સૌરાષ્ટ્રનાં ગામડાંમાંથી આવતો હોવાથી મે આકાશવાણી રાજકોટ, આકાશવાણી ભૂજ અને વિવિધ ભારતી રેડિયો સ્ટેશનોનાં કાર્યક્રમોને ભરપૂર માણ્યાં છે. સવારે આકાશવાણી રાજકોટ પર આવતા ભજનોથી અમારા ગામડાંની સવાર પડતી. હેમંત ચૌહાણ, દિવાળીબેન ભીલ હોય કે પ્રફુલ્લ દવેને (બીજા પણ ઘણાં કલાકારો)માત્ર તેમના અવાજથી અમે ઓળખી લેતા. આ બધા કલાકારોને જોવાનો મોકો તો તે બાદ ઘણા સમયે જુદી જુદી જગ્યાઓએ યોજાયેલા ડાયરાઓમાં મળ્યો. જો કે પહેલા જ આકાશવાણીએ અમને તેમના ચાહકો બનાવી દીધેલાં. રેડિયોની સભા શરૂ થાય તે પહેલા ટુંટુંટું.... ના અવાજ બાદ વાગતી ઓપનિંગ મ્યુઝિક ટ્રેક પણ સાંભળવાની મજા હતી. સવારે નવ વાગ્યે વિવિધ ભારતી પર આવતાં નવા ફિલ્મી ગીતો વેકેશનની સવાર જાણે સુમધુર કરી દેતાં. મારો એ મનપસંદ કાર્યક્રમ હતો. સાથે સાથે જ આકાશવાણી ભૂજ પર સૌપ્રથમ શરૂ થયેલો કાર્યક્રમ 'ફોનઈન આપની પસંદ' સુપરહિટ સાબિત થયો. અનેક લોકોનો આ મનપસંદ કાર્યક્રમ હતો. રવિવારે પ્રસારિત થતા આ કાર્યક્મમાં ગુરૂવારે નિર્ધારીત થયેલા સમયે ફોન કરીને આપણે સાંભળવું હોય એ ગીતનું નામ કહેવાનું અને આપણા નામના સાથે મિત્રોના નામ પણ કહેવાનાં. મહિનાઓ સુધી ફોન લાગવાની રાહ જોઈ છે આ કાર્યક્રમ માટે, રવિવારે આ કાર્યક્રમ ફોન પર રેડિયો ઉદઘોષક સાથે થયેલી વાતચીત સાથે પ્રસારીત કરવામાં આવતો. જેમાં આપણે કરેલી વાતચીત અને આપણું મનગમતું ગીત સાંભળવા મળતું. હાલ સ્માર્ટફોન કે ટેલિવિઝન પર વાગતાં ગીતોમાં મને આકાશવાણી પર આવતાં ગીતો જેટલી મધુરતાનો અહેસાસ થતો નથી. વિવિધ ભારતીનો 'સખી સહેલી' કાર્યક્રમ હોય કે આકાશવાણી રાજકોટ પરથી પ્રસારીત થતો રવિવાર અથવા ગુરૂવારનો મહિલાઓ માટેનો કાર્યકર્મ હોય, મે ગામડાંઓમાં અનેક અભણ મહિલાઓને આ સાંભળતી જોઈ છે. આ કાર્યક્રમોએ ગામડા્ની મહિલાઓને પત્ર લખતી કરી, તેના દ્વારા તેની વાત કે સમસ્યાઓ અંગે બોલતી કર્યાના દાખલા પણ જોયા છે. એટલે કે ખરા અર્થમાં મહિલા સશક્તિકરણ.

રેડિયો સાથે ખાસ લગાવ છે એટલે કે કેમ, તે તો ખબર નહિ પરંતુ રેડિયો પર પ્રસારીત થતી ખાસ વ્યક્તિ સાથેની મુલાકાતો (ઇન્ટરવ્યૂ)માં જે ડેપ્થ હતી એ હાલના ટી.વી. પર આવાતા ઇન્ટરવ્યૂમાં જોવા મળતી નથી. જૂના ફિલ્મો અને તેના ગીતોનો પહેલો પરિચય મને બપોરે જવાનો માટે પ્રસારિત થતા કાર્યક્રમ 'જયભારતી'એ કરાવ્યો. હાલ પણ એ સમયે રેડિયો પર સાંભળેલું અને મારી કલ્પનાશક્તિ મુજબ કોરિયોગ્રાફ કરેલું કોઈ 50 કે 60ના દશકાનું ગીત ટીવી પર જોવા મળે છે ત્યારે ક્યારેક નિરાશા થાય છે. રેડિયો પર એ સમયે સાંભળતી વખતે સંગીતની સુમધુરતા માણવા મળતી એ જ ગીત ટીવી પર ફિક્કુ પડી જતું લાગે છે. રેડિયોએ લોકોની કલ્પનાશક્તિ ખિલવવામાં બહુમુલ્ય ફાળો આપ્યો છે. યુવાનો માટેનો કાર્યક્રમ યુવવાણી હોય કે મોટેરા માટેનો કાર્યક્રમ ઝાલરટાણું હોય ઘરના દરેક સભ્યો માણી શકે તેવી તેની રૂપરેખા હતી. આકાશવાણીના કેટલાક કાર્યક્રમનાં ઓપનિંગ્સ હજી પણ યાદ છે. જેમ કે આકાશવાણી રાજકોટ પરથી પ્રસારીત થતા કાર્યક્રમ ઝાલરટાણાની શરૂઆતમાં બોલવામાં આવતું કે 'પ્રોઢાવસ્થા વટાવીને પાકટતાની વયે પગ મુકનારા મુરબ્બીઓ માટેનો કાર્યક્રમ એટલે ઝાલરટાણું ' અને ત્યારબાદ તેની ઝીંગલ વાગતી 'થઈ ગયું ઝાલરટાણું રે મનવા ઝાલર ટાણું'. ગામનો ચોરો કાર્યક્રમ અમારે ત્યાં ગામડામાં ખુબ જ લોકપ્રિય હતો. તેમાં ખેતી અંગેની ઋતુ અનુસાર અગત્યની માહિતી આપવામાં આવતી હતી. ગામમાં મોટાભાગના ઘરે આ કાર્યક્રમ સાંભળવામાં આવતો. આ કાર્યક્રમનું સંચાલન કરનાર વ્યક્તિનું નામ ભુલી ગયો છું, પરંતું તેની શરૂઆત હજી યાદ છે. આપણે જાણે ગામના ચોરા પર બેઠા હોઈએ અને કોઈ આવીને આપણે કહે એવી રીતે રેડિયો ઉદઘોષક બોલતા 'એ રામ....રામ.... ગીગા,નાજા,હરખા અને સૌ ખેડૂતભાઈઓને મારા રામરામ....રામરામ..' આ લખતી વખતે પણ હજી એ અવાજ અને લહેકો મારા કાનમાં ગૂંજી રહ્યાં છે. ક્યો પાક વાવવાથી લઈને પાકના રક્ષણ અંગેના ઉપાયો, ખેતી નિષ્ણાંતોના ઇન્ટરવ્યુ કે વાર્તાલાપો, ખાતર અને દવા તેમજ પિયત અંગેની સંપૂર્ણ માહિતી ગામના ચોરા કાર્યક્રમમાં આપવામાં આવતી. ગુજરાતના હજારો ખેડૂતો માટે આ કાર્યક્રમ આશિર્વાદરૂપ સાબિત થયો છે. 

બાળકો માટેનો 'અડકો દડકો' કાર્યક્રમનાં સંચાલક રેણુ આંટી જાણે અમારી બાજુમાં જ રહેતા હોય અને જાણે અમને વાર્તા કહેવા કે બાળગીત સંભળાવવા આવવાના હોય એ રીતે અમે તેની રાહ જોતાં. કાર્યક્રમના બીજા દિવસે શાળામાં આ કાર્યક્રમનું ઝીણવટભર્યું વિશ્લેષણ અમે કરતાંસૌથી વધારે ચર્ચા અમે આકાશવાણી રાજકોટ પરથી પ્રસારીત થતી 'જીથરાભાભા'ની વાર્તાની કરી છે. વાર્તા જે દિવસે આવવાની હોય ત્યારે દિવસમાં અનેકવાર તેની વાતો અનાયાસે થઈ જતી. વાર્તા ઘણી વાર સાંભળી હોવા છતાં ક્યારેય કંટાળો આવ્યો ન હતો. ખબર નથી કે એ વાર્તામાં શું હતું પણ વડિલોને પણ મે એ વાર્તા સાંભળતા અનેકવાર જોયા છે. જીથરોભાભો અમારી વચ્ચે રહેતી કોઈ વ્યક્તિ હોય એવી રીતે તેની સાથે લગાવ થઈ ગયો હતો. આ હતો આકાશવાણીના અવાજનો જાદુ.
કેવી રીતે રેડિયોએ સૌરાષ્ટ્ર તથા કચ્છની સંસ્કૃતિ જોડે પરિચય કરાવ્યો તથા સમાચારો અને્ ક્રિકેટ કોમેન્ટ્રી અંગેની વાતો હવે પછીની બ્લોગ પોસ્ટમાં.

No comments:

Post a Comment

15. તમે શું રે કરશો મોલ : લૉક-ડાઉનનાં પ્રણયગીતો

અધુરી આશમાં ઊઘડેલી આંખો ને એમાંથી મંડાતી મીટ વર્ષોની અતૃપ્ત જાગેલી ઝંખનામાં બચેલાં સપનાંના  તમે શું રે કરશો મોલ? ઉંબરની વચ્ચ...