Showing posts with label Gandhi. Show all posts
Showing posts with label Gandhi. Show all posts

Tuesday, 15 September 2015

લુપ્ત થતું ગામ-3: પરાવલંબી ગામડાઓ, અંતના આરે આવીને ઊભું રહેલું ગામડાઓનું સહજીવન.

ગાંધીજીના સ્વાવલંબી ગામડાની પરિકલ્પાનાથી આપણે સાવ જૂદી દીશામાં જઈ રહ્યાં છીએ. આઝાદી બાદ ગામડાંઓ ખરેખર સ્વાવલંબી બનીને સમૃદ્ધ બનવા જોઈતા હતા. તેના બદલે અત્યારે અવળી ગંગા વહી રહી છે.


ગામડું શબ્દ સાંભળતાની સાથે જ આપણા વિચારોમાં વાર્તાઓમાં આવતું ગામ તરી આવે છે. લોકો એકબીજા જોડે હળીમળીને રહેતા હોય. ગામમાં દરેક જ્ઞાતિના લોકો હોય, એકબીજા સાથે સહજીવન વિતાવતા હોય, દરેક પોતાનો વ્યવસાય કરતો હોય, લુહાર, સુથાર, બ્રાહ્મણ, ખેડૂત, કુંભાર દરેક લોકો પોતાના વ્યવસાયમાં વ્યસ્ત હોય. વાર્તાઓ પણ આપણા માનવજીવન પરથી કે લોકોને બોધપાઠ આપવાના ઉદ્દેશથી જ બની હશે. પરંતું અત્યારે ગામડાઓની વાસ્તવિકતા કંઈક જૂદી છે.

ગાંધીજીના સ્વાવલંબી ગામડાની પરિકલ્પાનાથી આપણે સાવ જૂદી દીશામાં જઈ રહ્યાં છીએ. આઝાદી બાદ ગામડાંઓ ખરેખર સ્વાવલંબી બનીને સમૃદ્ધ બનવા જોઈતા હતા. તેના બદલે અત્યારે અવળી ગંગા વહી રહી છે.  ગામડામાં રહેતા લોકો એક સમયે એકબીજા પર અવલંબીત હતા તેના બદલે હાલ ગામડાંઓ શહેરો પર આધારીત બનતા જાય છે. દેશના અવિકસીત રાજ્યોના ગામડાંઓ કદાચ હજી પણ પોતાની જરુરીયાતો આપમેળે મેળવી લેતા હશે, પરંતુ વાઈબ્રન્ટ અને હવે ગતિશીલ ગુજરાતના ગામડાંઓએ પોતાનું સ્વાવલંબીપણું ગુમાવી દીધું છે. 

એક સમય એવો હતો કે ગામમાં ખેડૂત અનાજ પકવે. પોતાના પૂરતું પોતે રાખે બાકી ગામમાં વસતા અન્ય લોકોને આપે. એ પણ બાર્ટર સિસ્ટમથી જેમાં નાણાંનું મહત્વ નહિવત્ હતું. લુહાર ખેડૂતો માટે ઓજારો બનાવી આપે, દરજી કપડાં સીવે, કુંભાર જરુરી બધા માટીના વાસણો પૂરાં પાડે, બ્રાહ્મણ ધાર્મિક ક્રિયાઓ કરી આપે, વાણંદ પણ વર્ષ માટે બાંધેલો જ હોય. જેમને દિવાળી પર પાક થયા બાદ નક્કી કરેલું અનાજ આપવામાં આવતું. ગામનો દરેક ખેડૂત થોડું થોડું અનાજ આપે જેથી ખેડૂત પર પણ બોજ ન વધે. બીજી બાજુ ગામના દરેક ખેડૂત પાસેથી અનાજ મળતું હોવાના કારણે સામેવાળાને લગભગ સમગ્ર વર્ષનું પૂરતા પ્રમાણમાં અનાજ મળી રહે. બીજી તરફ ખેડૂતો એકબીજાને ત્યાં કામ પર જાય. એક ખેડૂતને જરુર હોય ત્યારે તેના પાડોશી ત્યાં ખેતીમાં મદદ કરવા આવે અને એ જ પ્રમાણે તેમને જરુર હોય ત્યારે આ ખેડૂત તેને ત્યાં મદદ કરવા જાય. આમ વગર નાણાંએ અથવા તો બહું નજીવા ખર્ચે ખેતી થતી અને સમગ્ર ગામડાંનું અર્થતંત્ર ધબકતું. જે હવે માત્ર કમાવાના ઉદ્દેશથી અને સરકારની ગામડાંઓ પ્રત્યેની ઉદાસીન નીતિને કારણે પડી ભાગ્યું છે.


હવે વાત ગામમાં જે સૌથી અગત્યનું કામ કરે કરે છે, તેમને આજીવિકાતો આપી પણ સાથે ન રાખ્યા તેમની વાત,  આ વાત પણ અહીં સ્પષ્ટ અને ખુલ્લા મને કરી લેવી જ જોઈએ. ગામના દલીતોને પણ વર્ષ આખું ચાલે એટલું અનાજ મળી રહેતું, પરંતુ તેમને સામાજીક સ્થાન તો હજીપણ નથી મળ્યું.  દલીતોનું મુખ્ય કાર્ય ખેડૂતો કે પશુપાલકોને ત્યાં મરી ગયેલા ઢોરનો નિકાલ કરવો, ગામમાં ખુલ્લા જાજરુનો નિકાલ કરવો, લગ્ન પ્રસંગે ઢોલ વગાડવા, ક્યાંય અતિશય ગંદકી હોય તો પણ તેઓ સાફ કરે. આ કાર્યો જો આપણાં ગામડાંઓમાં વર્ષોથી આ લોકો ન કરતા હોત તો આપણાં ગંદા ગામડાંઓ ક્યારનાએ રોગચાળામાં સપડાઈ પડ્યાં હોત. આટલા મહત્વના કાર્યો બદલ તેમને અનાજ તો મળી રહેતુ (કદાચ દરેક ગામડાંઓમાં તેમને ન પણ મળતું હોય, અનેક ગામડાંઓમાં તેમના પર મફતમાં કામ કરાવી લેવાની ઘટનાઓ, અત્યાચારોની ઘટનાઓ પણ સામે આવી છે, પરંતુ આપણે આ આદર્શ સહજીવનની વાત કરીએ છીએ.) પરંતુ તેમને સામાજીક સમાનતા આપવામાં આવી ન હતી. જે ગામડાના સહજીવનની મહત્વની ખામી હતી.

બીજી તરફ ગામડાંઓ એકબીજા ગામ પાસેથી વધારાની જરુરીયાતો પૂરી કરી લેતાં. જો કે આ સહજીવનમાં સાવ નાણાંનું મહત્વ ન હતું એવું નથી. ચલણ તો હતું પણ તેની અગત્યતા આજના જેટલી ન હતી. વિકાસની ઉલટી અસરો ગામડાંઓ પર પડી, પશ્વિમના ઔદ્યોગીકરણના રસ્તે આપણે ઝડપી વિકાસની લાયમાં દોટ મુકી. જેમાં ગામડાંઓ રહી ગયાં, આઝાદી બાદ આવેલી સરકારોએ ઉદ્યોગો પર ધ્યાન કેન્દ્રીત કર્યું, ખેતી અને ગામડાંઓમાં ચાલતા ઉદ્યોગો તેમના મને વિકાસના સાધનો ન હતાં. ખેતી અને ગામડાંના નાના ઉદ્યોગો એક સમયે ભારતની 60 ટકા પ્રજાને રોજગારી પૂરી પાડતા જે હાલની આ ઔદ્યોગીક વસાહતોની તાકાત નથી.
કઈ રીતે ગામડાંઓ ધીમે ધીમે પરાવલંબી થયા તેની વાત પછી ક્યારેક. 


Wednesday, 4 February 2015

ગાંધીજીનો અક્ષર દેહઃ 60 વર્ષના ગાંધીજીના જીવનને સમાવતું એક ભગીરથ કાર્ય.

COLLECTED WORK OF MAHATMA GANDHIના નામે ગાંધીજીના સમગ્ર જીવનને સંકલિત કરી પ્રકાશિત કરવાનો શ્રેય શ્રી પી. એમ. લાડને જાય છે. મોરારજી દેસાઈના અધ્યક્ષપણા હેઠળ આ ભગીરથ કાર્ય થયું હતું.


ભારતના રાષ્ટ્રપિતા અને દેશની આઝાદીમાં અનન્ય ફાળો આપનારા તેમજ સમગ્ર જીવન દરમિયાન અનેક કાર્યોમાં યોગદાન આપનારા બાપુને આપણે બહુ જ મર્યાદીત ક્ષેત્રમાં જાણીએ છીએ. ગાંધીજીના જીવન વિશે ઊંડાણ પુર્વક અભ્યાસ કરનારા લોકો માટે ગાંધીજી જેટલા આત્મીય અને રસપ્રદ છે એટલા આપણા જેવા સામાન્ય લોકો માટે કદાચ નહિ હોય. અત્યાર સુધી ગાંધીજી પર અનેક પુસ્તકો લખાયા છે અને હજી પણ લખાતા રહેશે. ભારતની મોટાભાગની ભાષાઓ ઉપરાંત વિશ્વની અનેક ભાષાઓમાં ગાંધીજી અંગે પુસ્તકો જોવા મળે છે. જો કે આ બધામાં પુસ્તકોની સાથે સાથે ગાંધીજીના સમગ્ર જીવનને આવરી લેતો એક અનેરો ગ્રંથ તૈયાર કરાયો છે. આ ગ્રંથ એટલે “ગાંધીજીનો અક્ષર દેહ”. મુળ આ ગ્રંથને અંગ્રેજીમાં COLLECTED WORK OF MAHATMA GANDHI નામે સંકલિત કરવામાં આવ્યો હતો. જેને ગુજરાતીમાં “ગાંધીજીનો અક્ષર દેહ”ના નામથી પ્રકાશિત કરવામાં આવ્યો છે. સ્વભાવિક છે કે ગાંધીજીના સમગ્ર જીવનને આવરી લેવાનું હોય તો ગ્રંથ દળદાર જ બને, તેમ આ ગ્રંથ લગભગ 100 જેટલા ભાગમાં પુસ્તક શ્રેણીરૂપે પ્રકાશિત કરાયો છે.

“ગાંધીજીના અક્ષર દેહ”માં બાપુના લખાણો, પત્રો, અને ભાષણોને સમાવવામાં આવ્યાં છે. ઉપરાંત તેમણે કરેલા કાર્યો અંગે અન્ય દ્વારા લખાયેલા પ્રમાણભૂત લખાણોને પણ સમાવી લેવાયાં છે. તેમના જાહેર જીવનના 1884 થી 1948 સુધીના ગાળાને આ ગ્રંથમાં આવરી લેવાયો છે. ગાંધીજીની આત્મકથા બાદ સૌથી વધારે રસપ્રદ ગાંધીજીનો અક્ષર દેહ છે. ગાંધીજીએ તેમના જાહેર જીવનમાં લખેલા અનેક પત્રો, લખાણો અને ભાષણો વિશ્વમાં અનેક જગ્યાએ અને ખાસ કરીને ભારત, આફ્રિકા અને ઈંગ્લેન્ડમાં વિખરાયેલા પડ્યાં હતાં. આ બધાને એકઠા કરી, તેમને સંકલિત કરીને ગ્રંથ બનાવાનું ભગીરથ કાર્ય ભારત સરકારના તે સમયના માહિતી અને રેડિયો ખાતાએ કર્યું હતું. આ અદભૂત કાર્યનું શ્રેય તે સમયના માહિતી અને રેડિયો ખાતાના મંત્રી શ્રી પી. એમ. લાડને જાય છે.

વર્ષો સુધી ચાલનારા તેમજ આટલા વિશાળ કામને સરળ રીતે પાર પાડી શકાય તે માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. તેના અધ્યક્ષ પદે મોરારજી દેસાઈ હતા. ઉપરાંત કાકાસાહેબ કાલેલકર, દેવદાસ ગાંધી, પ્યારેલાલ નય્યર, મગનભાઈ પ્ર. દેસાઈ, જી. રામચંદ્રન, શ્રીમન્નારાયણ, જીવણજી ડા. દેસાઈ અને પી. એમ. લાડને આ સમિતિના સભ્યો તરીકે નિમવામા આવ્યા હતાં. ગાંધીજીના જીવન તેમ જ કાર્યની સાથે ગાઢ રીતે સંકળાયેલા લોકોની સલાહ અને તેમના અનુભવોનો લાભ મળે તે હેતુથી આ પ્રતિનિધિમંડળની રચના કરવામાં આવી હતી. ભારત સરકારે આ વિશાળ કાર્યને યોજનાનું સ્વરૂપ જ આપી દીધું હતું. તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુના શાસનકાળ દરમિયાન આ યોજના ફેબ્રુઆરી 1956માં શરૂ કરવામાં આવી હતી.

વાંચવામાં સહેલું લાગે એટલું આ કાર્ય સરળ ન હતું. ગાંધીજીના લખાણો ત્રણ ભાષામાં હતા ગુજરાતી, હિંદી અને અંગ્રેજી. આ ત્રણેય ભાષાઓમાંથી અનુવાદ કરવાનો હતો તેમજ લખાણમાં એકધારાપણું જાળવવાનું હતું. આ બાબતને ધ્યાન પર રાખીને અનુવાદ કરવા માટે અનુભવી અનુવાદકોને પસંદ કરવામાં આવ્યા હતાં. લખાણો લેખો, ભાષણો, નોંધો, પત્રો, અરજીઓ, મુસદ્દા સ્વરૂપે હતાં તેમને પુસ્તકના રૂપમાં ઢાળતાં અસલને જાળવી રાખવાનું પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું, બીજી તરફ આ પુસ્તક શ્રેણીને વિશિષ્ટ રીતે તૈયાર કરવામાં આવી છે. ગાંધીજી કોઈ વિષય કે મુદ્દાની ચર્ચા એક જ સમયગાળામાં ક્યાંક કોઈ લેખ કે ભાષણમાં કરતા. ઉપરાંત તેમણે લખેલા પત્રમાં પણ આ વિષયની ચર્ચા જોવા મળતી. તેથી પુસ્તક શ્રેણીમાં કૃત્રિમતા ન આવે એટલે બધી સામગ્રીની ગોઠવણી કાળક્રમને ધ્યાનમાં રાખીને એકસાથે જ કરવામાં આવી છે. કોઈપણ એક તારીખના લેખ, ભાષણ તથા પત્રને એકસાથે રાખવામાં આવ્યાં છે. જુદાજુદા વર્ગની સામગ્રીને અલગ અલગ રીતે ગોઠવીને શ્રેણીબદ્ધ રીતે પ્રગટ કરવામાં આવી નથી. દા.ત. ગાંધીજીએ આપેલા ભાષણોનું એક પુસ્તક કે તેમણે લખેલા લેખોનું એક પુસ્તક. આ પ્રકારની રીતને અવગણવામાં આવી હતી. જો આ રીતને અનુસરી હોત તો કદાચ ગાંધીજીના જીવનના એક જ સમયગાળાને સમજવો મુશ્કેલ થઈ પડ્યો હોત.

“ગાંધીજીનો અક્ષર દેહ” ગાંધીજીના 60 વર્ષના જાહેર જીવનને સમાવી લેતો ગ્રંથ છે. વાંચવામાં સમય અને ધીરજ માગી લેતો હોવાછતાં આ ગ્રંથ રસપ્રદ છે. કોઈપણ ભાગથી વાંચવાનું શરૂ કરો તો પણ કંટાળાજનક કે સાતત્ય તૂટતું હોય તેવું લાગતું નથી. ગાંધીજીના જીવનનો સરળ અને ઊંડાણપૂર્વકનો ખ્યાલ મેળવવા માટે આ ગ્રંથ વાંચવો જ રહ્યો. 

15. તમે શું રે કરશો મોલ : લૉક-ડાઉનનાં પ્રણયગીતો

અધુરી આશમાં ઊઘડેલી આંખો ને એમાંથી મંડાતી મીટ વર્ષોની અતૃપ્ત જાગેલી ઝંખનામાં બચેલાં સપનાંના  તમે શું રે કરશો મોલ? ઉંબરની વચ્ચ...