તમે કહો તો શબ્દો લાવું, તમે કહો તો સૂર
પુરાવાઓ ક્યાંથી લાવું?
લાગણીઓ કોરી ધાકોર હોય છે
એને પલાળવા મહેરામણ ક્યાંથી લાવું.?
શબ્દથી હું શણગારી આપું સંબંધોની સાળ
પરંતુ એને ગૂંથવા માટે સ્પર્શ ક્યાંથી લાવું?
તમે કહો તો….
લાવો હું ચીતરી આપું ચરિત્ર વર્ણનોથી
પણ એને જીવવા ધબકતું હૃદય ક્યાંથી લાવું?
અલંકૃતિક સહારો પણ હું સર્જી આપું અક્ષરોથી
પણ પળવારનો સહવાસ આપે એવું અંતર ક્યાંથી લાવું?
તમે કહો તો…
આમ તો વર્ણનોથી વાતને સવાર સુધી લંબાવી દઉં
પરંતુ એના અર્થને પામનારું મન ક્યાંથી લાવું?
તમને લાગે છે રમત આ શબ્દોની છે
તમે કહો તો સજાવટ કરી આપું, સમજાવટ ક્યાંથી લાવું?
તમે કહો તો શબ્દો લાવું, તમે કહો તો સૂર
પુરાવાઓ ક્યાંથી લાવું?
No comments:
Post a Comment