અંધારે આપી છે અમને અણઆથમી રાતો
ઉજાશે ક્યાં કંઈ આપ્યું?
પનિહારીઓ સાથે કેવાં હેલે ચડ્યાં તાં તમે
જાણે ઇંઢોણીએ છલકતું બેડલું
જોઈને સ્નેહેથી એવા ઝાંપા ઉઘાડ્યા તા તમે
જાણે અમથું આવ્યું હોય સોણલું
રાતે આપ્યાં છે અમને અણમોલ સપનાં
ખુલ્લી આંખે તે ક્યાં કંઈ આપ્યું?
અંધારે આપી છે...
ખેતરના શેઢે કેવાં મહેકતાં તાં તમે
જાણે સ્મિતે મલકતું તું મુખડું
મંદમંદ વાતા વાયરામાં એવાં ગૂંજતાં તાં તમે
જાણે સાંજીમાં ગવાતું કોઈ ગીતડું
સપનાંએ આપ્યાં છે અમને અણમોલ ગીતો
ઊજાગરાએ ક્યાં કંઈ આપ્યું?
અંધારે આપી છે…
ઢળતી સાંજમાં કેવાં છુપાતાં તમે
જાણે લપાતું હોય કોઈ આભલું
માઝમ રાતે એવાં ડોકાતાં તાં તમે
જાણે યાદોનું કોઈ સંભારણું
ગીતોએ આપ્યાં છે અમને અણલખ સંભારણાં
બાકી સંગાથે ક્યાં કંઈ આપ્યું?
***********************************
No comments:
Post a Comment