Showing posts with label બ્લોગ. Show all posts
Showing posts with label બ્લોગ. Show all posts

Sunday, 16 December 2018

વરસાદ : ગામડામાં વરસાદ આવ્યા બાદ શું થાય છે?



હવે આપણે વાત કરવાની છે આજે કે વરસાદ આવે પછી શું થાય? પહેલા ભાગમાં જરા વરસાદ પહેલાની મજા માણી. 

તો તમે તૈયાર છો ને... તો આપણે વરસાદને હવે મન મૂકીને વરસાવીએ જરા...

ઠંડા અને જોરથી સૂસવાટાભર્યા વાતા પવન સાથે વરસાદ આવતો નથી પણ ત્રાટકે છે. પહેલો વરસાદ હંમેશાં ત્રાટકે તો જ મજા હોય છે, આવે તો ના મજા પડે. (કારણ કે વરસાદ આવવો એ ધીમો ધીમો વરસાદ પડવું એવો અર્થ થાય)

વરસાદ જેવો જ નળીયાં (આ પ્રજાતિનો પણ હવે વાઇલ્ડ લાઇફ એક્ટ 1972માં સમાવેશ કરવો જોઈએ.) સાથે અથડાતાં તડતડાતી થાય છે.. આને તમે જરા પણ હળવાશમાં ના લેશો. કેમ કે આ પહેલા વરસાદનું નળીયા સાથે અથડાવું એટલે એક મધુર સંગીતની ધૂનથી જરા ઉતરતું નથી.

ફળિયાની ધૂળ સાથે અથડાતા વરસાદનો અવાજ જુદો હોય છે, ખેતરની ધૂળમાં પડતો વરસાદનો અવાજ પણ જુદો અને સીમમાં પડતા વરસાદનો અવાજ પણ જુદો, બોલો ભીંતમાં અથડાતા વરસાદાનાં છાંટાનો અવાજ પણ જુદો હોય છે.

આને મહેસૂસ કરવા માટે જરા ધીરજ અને કાન દઈને સાભળવાની ટેવ જોઈએ. અનુભવ્યા વિના કદાચ વાંચવાથી નહીં સમજાય.

અરે આપણે વરસાદથી ક્યાં ચડી ગયા,,, હા વરસાદ ત્રાટકે છે, સાથે ગાજવીજ, કડાકા-ભડાકા અને વીજળીના ચમકારા શરૂ થાય છે. જાણે કે હમણાં જ આભ આખું નીચે તૂટીને પડશે. આખું ઘર જાણે થરથરી જાય એવો ગડગડાટ.

નાનાં છોકરાંઓ ડરનાં માર્યાં બોકાસાં દેવા મંડે છે અને દોડીને કોઈના ખોળામાં કે બાથમાં ભરાઈ જાય છે. કેટલાક મોટેરાંઓ પણ ડરનાં માર્યાં સૂનમૂન થઈ જાય છે.

કોઈ વસ્તુ બહાર રહી ગઈ હોય તો લેવા માટે દોટાદોટ થઈ જાય છે. રસોડાંના બારણાંઓ બંધ થવા લાગે છે. જરૂર પડે ત્યાં આડશો દેવાવા લાગે છે. આ બાજુ કેવોક 'મે'(વરસાદ) પડે છે એ જોવા માટે લોકો ઘરનાં ગોખલા કે ઓસરીના ઉંબરેથી ડોકાં કાઢે છે.


એટલામાંજ નેવાંએથી(આ પણ હવે નાશ પામતી પ્રજાતિમાંની એક છે.) પાણીની શરૂ થઈ જાય છે. નેવાંના પાણી ભરવા માટે નીચે ઠાંમણાં રાખવા માટે કયું ઠામ રાખવું તે માટે ગોતાગોત શરૂ થઈ જાય છે.

છોકરાંઓ નેવાંમાંથી પડતાં પાણીની નીચે હાથ રાખીને પ્રકૃતિને જાણે પોતાના હાથમાં ભરતાં હોય એ રીતે મલકાવા લાગે છે. વડેરાં તેમને પાણીથી આઘા રહેવા માટે વારંવાર ટોકવા લાગે પરંતુ માને એ છોકરાં છાનાં.

ત્યાં જ જ્યાં જૂઓ ત્યાં પાણી-પાણી થઈ જાય છે. સીમ આખી પાણીથી તરબોળ, ઘર જાણે કે પાણીને વચ્ચે ઘેરાય જાય અને ખેતર પાણીથી ડૂબાડૂબ થવા લાગે છે. ખેતરના ચાસમાંથી દોડતું આવતું પાણી ખેડૂતની રગે રગમાં જાણે લોહી ઉછાળા મારીને દોડી રહ્યું હોય એવો અનુભવ કરાવે છે.

વરસાદની સાથે આવતા પવનને કારણે ઘરમાં વાછટ આવવા લાગે છે અને વાછટથી બચવા માટે જુદા જુદા ઉપાયો શરૂ થઈ જાય છે. પલળતાં ઢોર પોતાનાં શરીરને સંકોરવા લાગે છે, નીચું જોઈને ધીમે ધીમે વધતી ઠંડીનો સામનો કરવા તૈયાર થઈ જાય છે.

ત્યાં જ ઘરમાંથી કોઈ રાડ પાડે છે કે અહીંથી પાણી પડે છે. જે નળીયામાંથી પાણી પડતું હોય તેને સરખું કરવાની મથામણ શરૂ થાય છે. ધીમે ધીમે લોકો વરસાદ મગ્ન થઈ જાય છે.


છોકરાંઓ નહાવા માટે બહાર નીકળી પડે છે, કોઈ છત્રી લઈને નીકળી છે તો કોઈ કૂપલી લઈને વરસાદની મજા માણવા નીકળી પડે છે.

વરસાદમાં દોડતા છોકરાંના પગ જ્યારે પાણી પણ ધબ દઈને પડે છે અને પાણી જ્યારે નાનાં પગ સામે જ્યારે હારીને માગ કરતાં ઉપર ઉછળે ત્યારે કોઈ કવિએ કરેલા વરસાદના કાલ્પનિક વર્ણન કે કોઈ ચિત્રકારે દોરેલાં ચિત્રથી જરા પણ ઉતરતું નથી હોતું.. હા એ વાસ્તવિક દૃશ્ય તમારા મનમાં સતત ઘોળાયા કરે છે. કોઈ લોટા દો મેરે બચપન કે દિન..ની જેમ જ.

બસ હવે કેટલું પછી.. આટલું ઘણું બાકી ગામમાં જઈને માણી લેવું.. હવે હરીન્દ્ર દવે ની કવિતાની આ પંક્તિઓ સાથે પુરું કરીએ...

વરસાદની મોસમ છે

ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ,
ઝાંઝવાં હો કે હો દરિયાવ, તરસતાં જઈએ.





Friday, 1 January 2016

નવું વર્ષઃ કેલેન્ડર અને તારીખ સિવાય કશું બદલાતું નથી

કેટલીક ભ્રમણાઓ અને તારીખ બદલવાની સાથે કંઈક બદલાવાની ખાલી ધારણાઓ લઈને આવે છે નવું વર્ષ. 



2015ને સમગ્ર વિશ્વએ અલવિદા કહી દીધું, 2016ને વેલકમ પણ કરી દીધું. હવે શું ? વર્ષ બદલાવાથી શું બદલાવાનું છે ? આપણી રોજીંદી જિંદગીમાં શું પરિવર્તન આવવાનું છે ?



દર વર્ષે ડિસેમ્બર મહિનો આવતાની સાથે જ ત્રણ પ્રશ્નો લોકો બહુ પૂછે છે. કેવું રહ્યું તમારું આ વર્ષ ? શું લાગે છે કેવું રહેશે આવતું વર્ષ ? નવા વર્ષમાં શું સંકલ્પ કર્યો અથવા શું કરવાના ?  શું કહેશો હવે તમે ? બસ તમારી જેમ મોટાભાગના લોકો પાસે આ પ્રશ્નોના જવાબ હોતા નથી. આપવા જરૂરી પણ નથી. પ્રશ્નો જ વાહિયાત છે. તો જવાબ આપવાનો પ્રયત્ન પણ કરશો તો તે પણ અર્થહિન જ હશે. 


વર્ષ બદલાવાથી ખરેખર આપણા જેવા સામાન્ય માણસોના જીવનમાં શું બદલાય છે ? વિચારો ખરેખર કશું બદલાય છે ખરું ?  કદાચ કેલેન્ડર અને ચોક્કસ રીતે તારીખ માત્ર બદલાય છે. મોટાભાગના લોકોના ઘરમાં કેલેન્ડર તો વિક્રમ સંવત અનુસાર આવી ગયું હોય છે. એટલે બહુ ઓછા ઘરોમાં આપણે ત્યાં કેલેન્ડર પણ બદલાતું હશે. હા માલ્યાનું હોય તો અલગ વાત છે. બાકી કશું બદલાતું નથી. માત્ર બદલાવના આભાસ કે ભ્રમમાં આપણે હોઈએ છીએ. નોકરી, પગાર, જીવનશૈલી, આહાર, વ્યવહાર, સંબંધોથી લઈને બધું જ વર્ષોથી ચાલતું આવે એ જ છે અને એ જ રહેવાનું છે. 

જાન્યુઆરીથી શરૂ થતુ નવું વર્ષ આપણા અર્થતંત્રમાં પણ બદલાવ નથી લાવતું. કેમ કે નાણાંકિય વર્ષ તો અલગ છે. તો નોકરી કરતા લોકોને પગાર વધારો પણ જાન્યુઆરીની પહેલી તારીખે નથી મળતો. એના માટે પણ માર્ચના અંત સુધી રાહ જોવી પડે છે. આપણા ત્યાં તો 31st કે 1st જાન્યુ.ની રજા પણ નથી. 31 ડિસમ્બરના જેમ તમે નોકરી પર જાવ છો તેમ જ 1 જાન્યુ.ના જવાનું. પાર્ટીમાં ગયા હોવ અને હેંગઓવર થઈ જાય તો અલગ છે. હા, સરકારી નોકરીયાતો માટે નવા વર્ષ કરતા પુરા થતા વર્ષનો ડિસેમ્બર મહત્વનો હોય છે, વણવપરાયેલી રજાઓ ડિસેમ્બરમાં વાપરી શકાય. પણ નવું વર્ષ તો તેમના માટે પણ એ જ છે. 


યંગસ્ટર્સમાં પાર્ટીનો ક્રેઝ, વાર તહેવારે પીવાના શોખીનો માટે મદીરા, પાર્ટી પ્લોટ્સ, કલ્બ અને હોટેલ્સ માટે 

કમાણી, સોશિયલ સાઈટ્સ પર રદ્દી થઈ ગયેલી શુભકામનાઓ, વોટ્સઅપ અને ફેસબુકના યુગમાં વાંચ્યા વગરના ફોરવર્ડેડ મેસેજીસ, કેટલીક ભ્રમણાઓ અને તારીખ બદલવાની સાથે કંઈક બદલાવાની ખાલી ધારણાઓ લઈને આવે છે નવું વર્ષ. 

માત્ર અને માત્ર કંઈ પણ વિચાર્યા વિના હાહા અને હોહામાં દર વખતે ભાગ લેનારા હે પામર મનુષ્ય, જરા વિચાર, માત્ર બદલાશે બદલાશે અને નવા નવાના રટણમાં રાચનારા, કુદરતે આપેલા મગજને જરા પણ કષ્ટ આપ્યા વિના મગજના બંધ બારણે અષાઢી મેઘ જોનારા હે માનવ 60 વર્ષોમાં દેશમાં હજી કંઈ નથી બદલાયું તો તારીખ બદલાવાથી તારા કે મારા જીવનમાં શું બદલાવાનું છે ? 

કંઈ ભલે ના બદલાય તો પણ તમને રદ્દી થઈ ગયેલી શુભકામના, હેપ્પી ન્યૂયર


15. તમે શું રે કરશો મોલ : લૉક-ડાઉનનાં પ્રણયગીતો

અધુરી આશમાં ઊઘડેલી આંખો ને એમાંથી મંડાતી મીટ વર્ષોની અતૃપ્ત જાગેલી ઝંખનામાં બચેલાં સપનાંના  તમે શું રે કરશો મોલ? ઉંબરની વચ્ચ...