કેટલીક ભ્રમણાઓ અને તારીખ બદલવાની સાથે કંઈક બદલાવાની ખાલી ધારણાઓ લઈને આવે છે નવું વર્ષ.
2015ને સમગ્ર વિશ્વએ અલવિદા કહી દીધું, 2016ને વેલકમ પણ કરી દીધું. હવે શું ? વર્ષ બદલાવાથી શું બદલાવાનું છે ? આપણી રોજીંદી જિંદગીમાં શું પરિવર્તન આવવાનું છે ?
દર વર્ષે ડિસેમ્બર મહિનો આવતાની સાથે જ ત્રણ પ્રશ્નો લોકો બહુ પૂછે છે. કેવું રહ્યું તમારું આ વર્ષ ? શું લાગે છે કેવું રહેશે આવતું વર્ષ ? નવા વર્ષમાં શું સંકલ્પ કર્યો અથવા શું કરવાના ? શું કહેશો હવે તમે ? બસ તમારી જેમ મોટાભાગના લોકો પાસે આ પ્રશ્નોના જવાબ હોતા નથી. આપવા જરૂરી પણ નથી. પ્રશ્નો જ વાહિયાત છે. તો જવાબ આપવાનો પ્રયત્ન પણ કરશો તો તે પણ અર્થહિન જ હશે.
વર્ષ બદલાવાથી ખરેખર આપણા જેવા સામાન્ય માણસોના જીવનમાં શું બદલાય છે ? વિચારો ખરેખર કશું બદલાય છે ખરું ? કદાચ કેલેન્ડર અને ચોક્કસ રીતે તારીખ માત્ર બદલાય છે. મોટાભાગના લોકોના ઘરમાં કેલેન્ડર તો વિક્રમ સંવત અનુસાર આવી ગયું હોય છે. એટલે બહુ ઓછા ઘરોમાં આપણે ત્યાં કેલેન્ડર પણ બદલાતું હશે. હા માલ્યાનું હોય તો અલગ વાત છે. બાકી કશું બદલાતું નથી. માત્ર બદલાવના આભાસ કે ભ્રમમાં આપણે હોઈએ છીએ. નોકરી, પગાર, જીવનશૈલી, આહાર, વ્યવહાર, સંબંધોથી લઈને બધું જ વર્ષોથી ચાલતું આવે એ જ છે અને એ જ રહેવાનું છે.
જાન્યુઆરીથી શરૂ થતુ નવું વર્ષ આપણા અર્થતંત્રમાં પણ બદલાવ નથી લાવતું. કેમ કે નાણાંકિય વર્ષ તો અલગ છે. તો નોકરી કરતા લોકોને પગાર વધારો પણ જાન્યુઆરીની પહેલી તારીખે નથી મળતો. એના માટે પણ માર્ચના અંત સુધી રાહ જોવી પડે છે. આપણા ત્યાં તો 31st કે 1st જાન્યુ.ની રજા પણ નથી. 31 ડિસમ્બરના જેમ તમે નોકરી પર જાવ છો તેમ જ 1 જાન્યુ.ના જવાનું. પાર્ટીમાં ગયા હોવ અને હેંગઓવર થઈ જાય તો અલગ છે. હા, સરકારી નોકરીયાતો માટે નવા વર્ષ કરતા પુરા થતા વર્ષનો ડિસેમ્બર મહત્વનો હોય છે, વણવપરાયેલી રજાઓ ડિસેમ્બરમાં વાપરી શકાય. પણ નવું વર્ષ તો તેમના માટે પણ એ જ છે.
યંગસ્ટર્સમાં પાર્ટીનો ક્રેઝ, વાર તહેવારે પીવાના શોખીનો માટે મદીરા, પાર્ટી પ્લોટ્સ, કલ્બ અને હોટેલ્સ માટે
કમાણી, સોશિયલ સાઈટ્સ પર રદ્દી થઈ ગયેલી શુભકામનાઓ, વોટ્સઅપ અને ફેસબુકના યુગમાં વાંચ્યા વગરના ફોરવર્ડેડ મેસેજીસ, કેટલીક ભ્રમણાઓ અને તારીખ બદલવાની સાથે કંઈક બદલાવાની ખાલી ધારણાઓ લઈને આવે છે નવું વર્ષ.
માત્ર અને માત્ર કંઈ પણ વિચાર્યા વિના હાહા અને હોહામાં દર વખતે ભાગ લેનારા હે પામર મનુષ્ય, જરા વિચાર, માત્ર બદલાશે બદલાશે અને નવા નવાના રટણમાં રાચનારા, કુદરતે આપેલા મગજને જરા પણ કષ્ટ આપ્યા વિના મગજના બંધ બારણે અષાઢી મેઘ જોનારા હે માનવ 60 વર્ષોમાં દેશમાં હજી કંઈ નથી બદલાયું તો તારીખ બદલાવાથી તારા કે મારા જીવનમાં શું બદલાવાનું છે ?
કંઈ ભલે ના બદલાય તો પણ તમને રદ્દી થઈ ગયેલી શુભકામના, હેપ્પી ન્યૂયર
No comments:
Post a Comment