ગાંધીજીના સ્વાવલંબી ગામડાની પરિકલ્પાનાથી આપણે સાવ જૂદી દીશામાં જઈ રહ્યાં છીએ. આઝાદી બાદ ગામડાંઓ ખરેખર સ્વાવલંબી બનીને સમૃદ્ધ બનવા જોઈતા હતા. તેના બદલે અત્યારે અવળી ગંગા વહી રહી છે.
ગામડું શબ્દ સાંભળતાની સાથે જ આપણા વિચારોમાં વાર્તાઓમાં આવતું ગામ
તરી આવે છે. લોકો એકબીજા જોડે હળીમળીને રહેતા હોય. ગામમાં દરેક જ્ઞાતિના લોકો હોય,
એકબીજા સાથે સહજીવન વિતાવતા હોય, દરેક પોતાનો વ્યવસાય કરતો હોય, લુહાર, સુથાર, બ્રાહ્મણ, ખેડૂત, કુંભાર દરેક લોકો પોતાના વ્યવસાયમાં વ્યસ્ત હોય. વાર્તાઓ પણ આપણા
માનવજીવન પરથી કે લોકોને બોધપાઠ આપવાના ઉદ્દેશથી જ બની હશે. પરંતું અત્યારે
ગામડાઓની વાસ્તવિકતા કંઈક જૂદી છે.
ગાંધીજીના સ્વાવલંબી ગામડાની પરિકલ્પાનાથી આપણે સાવ જૂદી દીશામાં જઈ
રહ્યાં છીએ. આઝાદી બાદ ગામડાંઓ ખરેખર સ્વાવલંબી બનીને સમૃદ્ધ બનવા જોઈતા હતા. તેના
બદલે અત્યારે અવળી ગંગા વહી રહી છે.
ગામડામાં રહેતા લોકો એક સમયે એકબીજા પર અવલંબીત હતા તેના બદલે હાલ ગામડાંઓ
શહેરો પર આધારીત બનતા જાય છે. દેશના અવિકસીત રાજ્યોના ગામડાંઓ કદાચ હજી પણ પોતાની
જરુરીયાતો આપમેળે મેળવી લેતા હશે, પરંતુ વાઈબ્રન્ટ અને હવે ગતિશીલ
ગુજરાતના ગામડાંઓએ પોતાનું સ્વાવલંબીપણું ગુમાવી દીધું છે.
એક સમય એવો હતો કે ગામમાં ખેડૂત અનાજ પકવે. પોતાના પૂરતું પોતે રાખે
બાકી ગામમાં વસતા અન્ય લોકોને આપે. એ પણ
બાર્ટર સિસ્ટમથી જેમાં નાણાંનું મહત્વ નહિવત્ હતું. લુહાર ખેડૂતો માટે ઓજારો બનાવી
આપે, દરજી કપડાં સીવે, કુંભાર જરુરી બધા માટીના વાસણો પૂરાં પાડે, બ્રાહ્મણ ધાર્મિક ક્રિયાઓ કરી આપે, વાણંદ પણ વર્ષ માટે બાંધેલો જ હોય. જેમને દિવાળી પર પાક થયા બાદ
નક્કી કરેલું અનાજ આપવામાં આવતું. ગામનો દરેક ખેડૂત થોડું થોડું અનાજ આપે જેથી
ખેડૂત પર પણ બોજ ન વધે. બીજી બાજુ ગામના દરેક ખેડૂત પાસેથી અનાજ મળતું હોવાના
કારણે સામેવાળાને લગભગ સમગ્ર વર્ષનું પૂરતા પ્રમાણમાં અનાજ મળી રહે. બીજી તરફ
ખેડૂતો એકબીજાને ત્યાં કામ પર જાય. એક ખેડૂતને જરુર હોય ત્યારે તેના પાડોશી ત્યાં
ખેતીમાં મદદ કરવા આવે અને એ જ પ્રમાણે તેમને જરુર હોય ત્યારે આ ખેડૂત તેને ત્યાં
મદદ કરવા જાય. આમ વગર નાણાંએ અથવા તો બહું નજીવા ખર્ચે ખેતી થતી અને સમગ્ર
ગામડાંનું અર્થતંત્ર ધબકતું. જે હવે માત્ર કમાવાના ઉદ્દેશથી અને સરકારની ગામડાંઓ પ્રત્યેની
ઉદાસીન નીતિને કારણે પડી ભાગ્યું છે.
હવે વાત ગામમાં જે સૌથી અગત્યનું કામ કરે કરે છે, તેમને આજીવિકાતો આપી પણ સાથે ન રાખ્યા તેમની વાત, આ વાત પણ અહીં સ્પષ્ટ અને ખુલ્લા મને
કરી લેવી જ જોઈએ. ગામના દલીતોને પણ વર્ષ આખું ચાલે એટલું અનાજ મળી રહેતું, પરંતુ તેમને સામાજીક સ્થાન તો હજીપણ નથી મળ્યું. દલીતોનું મુખ્ય કાર્ય ખેડૂતો કે પશુપાલકોને
ત્યાં મરી ગયેલા ઢોરનો નિકાલ કરવો, ગામમાં ખુલ્લા જાજરુનો નિકાલ કરવો, લગ્ન પ્રસંગે ઢોલ વગાડવા, ક્યાંય અતિશય ગંદકી હોય તો પણ તેઓ સાફ કરે. આ કાર્યો જો આપણાં
ગામડાંઓમાં વર્ષોથી આ લોકો ન કરતા હોત તો આપણાં ગંદા ગામડાંઓ ક્યારનાએ રોગચાળામાં
સપડાઈ પડ્યાં હોત. આટલા મહત્વના કાર્યો બદલ તેમને અનાજ તો મળી રહેતુ (કદાચ દરેક
ગામડાંઓમાં તેમને ન પણ મળતું હોય, અનેક ગામડાંઓમાં તેમના પર મફતમાં કામ
કરાવી લેવાની ઘટનાઓ, અત્યાચારોની ઘટનાઓ પણ સામે આવી છે,
પરંતુ આપણે આ આદર્શ સહજીવનની વાત કરીએ છીએ.)
પરંતુ તેમને સામાજીક સમાનતા આપવામાં આવી ન હતી. જે ગામડાના સહજીવનની મહત્વની ખામી
હતી.
બીજી તરફ ગામડાંઓ એકબીજા ગામ પાસેથી વધારાની જરુરીયાતો પૂરી કરી
લેતાં. જો કે આ સહજીવનમાં સાવ નાણાંનું મહત્વ ન હતું એવું નથી. ચલણ તો હતું પણ
તેની અગત્યતા આજના જેટલી ન હતી. વિકાસની ઉલટી અસરો ગામડાંઓ પર પડી, પશ્વિમના ઔદ્યોગીકરણના રસ્તે આપણે ઝડપી વિકાસની લાયમાં દોટ મુકી.
જેમાં ગામડાંઓ રહી ગયાં, આઝાદી બાદ આવેલી સરકારોએ ઉદ્યોગો પર
ધ્યાન કેન્દ્રીત કર્યું, ખેતી અને ગામડાંઓમાં ચાલતા ઉદ્યોગો
તેમના મને વિકાસના સાધનો ન હતાં. ખેતી અને ગામડાંના નાના ઉદ્યોગો એક સમયે ભારતની 60 ટકા પ્રજાને રોજગારી પૂરી પાડતા જે હાલની આ ઔદ્યોગીક વસાહતોની તાકાત
નથી.
કઈ રીતે ગામડાંઓ ધીમે ધીમે પરાવલંબી થયા તેની વાત પછી ક્યારેક.