સેલ્ફી ક્રેઝીઓ માટે ભવિષ્યમાં સેલ્ફી ડોક્ટર્સ, સેલ્ફી લેખકો, સેલ્ફી નિષ્ણાંતો, સેલ્ફી વિવેચકો, સેલ્ફી કાર્ટુનિસ કે સેલ્ફી પેઈન્ટર્સ આવે એ જમાનો હવે દુર નથી.
પ્રવાસ એટલે મુસાફરી, યાત્રા, પંથ કરવો, રટણ, ભ્રમણ, સહેલગાહ, દેશાટન, સફર. નવું નવું જાણવા, અભ્યાસ કરવા, વણજોયેલા સ્થળો જોવા માટે પ્રવાસ થતો. ત્યારબાદ લોકો વેકેશનની મજા માણવા કે મનોરંજન ખાતર પ્રવાસ કરતા થયાં. રજાના દિવસોમાં ઘરથી બહાર એવા સ્થળે જ્યાં જઈ માત્ર આનંદ કરી શકાય, મિત્રો કે પરિવારજનો સાથે સમય ગાળી શકાય તે માટે પ્રવાસનું આપણે ખાસ આયોજન કરતા થયાં. જો કે હવે પ્રવાસની વ્યાખ્યા બદલાવા લાગી છે. માત્ર અભ્યાસ મનોરંજન ખાતર લોકો પ્રવાસ કરે છે એવું નથી, હવે એવું લાગે છે કે લોકો માત્ર સેલ્ફી માટે પ્રવાસ કરી રહ્યાં છે.
વિશ્વમાં હાલ સેલ્ફી ક્રેઝ ચાલી રહ્યો છે, પરંતું ભારતીયોમાં એ જરા સવિશેષ છે એવું અમુક પ્રવાસો દરમિયાન જાણવા મળ્યું. વિશ્વના અન્યદેશોમાંથી આવતા પ્રવાસીઓમાં અભ્યાસ પ્રથમ હોવાનું જોવા મળ્યું છે, જ્યારે આપણે માત્રને માત્ર સેલ્ફી ખેંચવા માટે પ્રવાસે જઈએ છીએ તેવું લાગી રહ્યું છે. પ્રવાસનો મુળ હેતુ હવે મૃતઃપ્રાય પ્રાણીઓની કેટેગેરીમાં મુકાઈ ગયો છે અને સેલ્ફી સ્ટિકે પ્રવાસના મુળ હેતુને મારવામાં જંતુનાશક દવા જેવું કામ કર્યું છે. સાવ અજાણ્યા સ્થળે ગયા બાદ પણ આપણે ત્યાં જોવામાં કે એક્પ્લોર કરવામાં કાર્યરત રહેવાને બદલે સેલ્ફી લેવામાં વ્યસ્ત રહીએ છીએ. દરિયા વચ્ચે બોટમાં બેસીને બોટિંગનો આનંદ લેવાને બદલે લોકો સેલ્ફી લેવામાં રત રહે છે. જંગલમાં જઈને કુદરતના સાનિધ્યમાં રહેવા કરતા સેલ્ફી સાનિધ્ય પહેલા હોય છે. વહેતી નદીઓને બદલે પડતી સેલ્ફીઓ, મંદમંદ વાતા ઠંડા પવનના અહેસાસને બદલે સેલ્ફી સહેવાસ, પહાડોના ચઢાણને બદલે સેલ્ફીઓના કમઠાણ, વર્લ્ડ હેરિટેજ સાઈટ્સ જોવાને બદલે વર્લ્ડ હેઝિટેઇટ સેલ્ફીને પ્રાધાન્ય મળી રહ્યું છે.
પ્રવાસ પૂર્ણ થયા બાદ આપણે પરત શું લઈને ફરીએ છીએ.. ઢગલો બધી સેલ્ફી, ઘરે આવીને પણ પ્રવાસ વર્ણન કરવા કે લખવાને બદલે સેલ્ફી સંપાદન અને વિવેચન ચાલતું હોય છે. દુઃખ અને ચિંતાની વાત એ છે કે આપણે આવનારી પેઢીઓને કેવા પ્રવાસો અંગેનું જ્ઞાન આપીશું? કાકાસાહેબ કાલેલકર જેવું પ્રવાસ વર્ણન લખવાને બદલે હવે માત્ર સેલ્ફી વર્ણનો લખાશે. કાકા સાહેબે સેલ્ફીનો આનંદ અને જવાહરલાલ નહેરુએ કદાચ હિંદનું સેલ્ફી દર્શન લખ્યું હોત ? આપણે પર્યટન સ્થળોએ સતત સેલ્ફીની ઘેલછામાં દોડ્યાં કરીએ છીએ. મોબાઈલ કંપનીઓએ પણ બિઝનેસ જોઈને આ પ્રક્રિયામાં મોટો ફાળો આપ્યો છે. મોબાઈલની જાહેરાતોમાં તેના ફિચર્સમાં સૌથી મોખરે હવે સેલ્ફી કેમરા આવી ગયા છે. વેઇટ હજી તો ડ્યુલ સેલ્ફી કેમેરાનો જમાનો આવી રહ્યો છે.
મોબાઈલ કંપનીઓની જેમ ભવિષ્યમાં ટ્રાવેલ કંપનીઓ પણ સેલ્ફી પ્રવાસનું આયોજન કરશે. માત્ર સેલ્ફી ખેંચવા ઈચ્છુક લોકો માટે પ્રવાસ, બેસ્ટ સેલ્ફી ઓફ યોર્સ ઈન વર્લ્ડઝ બેસ્ટ લોકેશન, તમારા પાસે સારો સેલ્ફી કેમેરા નથી? કંપની પોતાનો સેલ્ફી કેમરા આપશે, પ્રવાસમાં 10 વ્યક્તિ દીઠ એક સેલ્ફી નિષ્ણાંત પણ સાથે રહેશે, કયા લોકેશન પર કેવી સેલ્ફી લેવી, કેવી રીતે લેવી તેનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે. આ પ્રવાસ માત્ર સેલ્ફી લવર્સ માટે છે, અભ્યાસુઓએ અરજી કરવી નહીં. જો કે હાલ કેવી રીતે સારી સેલ્ફી લઈ શકાય, વિશ્વમાં બેસ્ટ કયા સ્થળો છે જ્યાં તમે સરસ સેલ્ફી લઈ શકો, કેવા કેમેરા, સેલ્ફી લેતી વખતે ધ્યાનમાં લેવાની બાબતો વગેરે વગેરેની માહિતી ગૂગલ આપી જ રહ્યું છે.
હવે સેલ્ફી પારાયણને વિરામ આપતા અંતમાં સેલ્ફીની મજામાં ક્યાંક સમગ્ર પ્રવાસની મજા ખોવાય ન જાય તે ધ્યાનમાં રાખવું જરૂરી છે. મુળ ઉત્પાદનને બદલે આડપેદાશ મહત્વની બને ત્યારે આપણા બિઝનેસ વિશે વિચારવું જરૂરી બની જાય છે.
(તસવીરો ગૂગલ પરથી લીધી છે.)