Saturday, 23 July 2016

'માઝી' ભાષાના છેલ્લા જાણકારના નિધન સાથે આપણે વધુ એક ભાષા ગુમાવી

દેશનાં સમાચાર માધ્યમોમાં કારણ વગરના મુદ્દે કાગારોળ મચી છે, ગ્રાઉન્ડ ઝીરોની બોલબાલા છે, સૌથી પહેલાં અને એક્સક્લુઝિવનો મારો ચાલી રહ્યો છે, સમાચારની દોડમાં આગળ રહેવાની હોડ જામી છે, ત્યારે દેશની એક આખી ભાષા લુપ્ત થઈ જવાના સમાચાર એક મહિના બાદ મળે છે. વાંચો લુપ્ત થયેલી ભાષા અને તેના છેલ્લા જાણકાર વિશે. 

થાક બહાદુર માજી, પુત્રી દેવમાયા અને દૌહિત્રી રેજિના સાથે, ફોટો સૌજન્ય. independent.co.uk

ભારત જેમ સાંસ્કૃતિક વૈવિધ્ય ધરાવે છે, તેમ ભાષાઓનું વૈવિધ્ય ધરાવતો દેશ પણ છે. દેશમાં એક સમયે 900 જેટલી ભાષાઓ બોલાતી હતી. ધીમે ધીમે કેટલીક ભાષાઓ લુપ્ત થતી ગઈ. 2013માં આવેલા 'પીપલ લિંગ્વિસ્ટિક સર્વે ઓફ ઈન્ડિયા'એ ફરી દેશનું ધ્યાન ભાષાના વૈવિધ્ય તરફ ખેંચ્યું હતું. આ પહેલા 2001ની વસ્તી ગણતરીમાં સરકારે ભાષાઓ અંગેના આંકડા જાહેર કર્યા હતાં. 2013માં ઠીક ઠીક પ્રમાણમાં કહી શકાય એ રીતે માધ્યમોએ ભાષા અંગેના સર્વેની નોંધ લીધી. ભાષા રિસર્ચ અને પબ્લિકેશન સેન્ટરે 3000 કાર્યકર્તાઓને સાંકળીને 35000 પેજનો જમ્બો સર્વે કર્યો હતો. સર્વે મુજબ ભારત દેશ 780 ભાષા બોલે છે અને છેલ્લાં 50 વર્ષમાં 220 ભાષા લુપ્ત થઈ ગઈ છે. 

હાલ ચાલી રહેલા દેશના અન્ય મહત્ત્વના મુદ્દાઓમાં માધ્યમોએ જેની નોંધ નથી લીધી તેવી 'માઝી' ભાષાનો સૂર્ય ભારતમાંથી અસ્ત થઈ ગયો છે. દુઃખના સમાચાર એ છે કે સિક્કિમ અને નેપાળની સરહદે આવેલા જોરથોંગ જિલ્લાના માઝી નામના ગામમાં રહેતા થાક બહાદુર માઝીનું નિધન થયું છે. જેની સાથે 'માઝી' ભાષા બોલનાર કે જાણનાર હવે કોઈ રહ્યું નથી. 80 વર્ષીય થાકબહાદુર માઝી એકલા જ 'માઝી' ભાષાના છેલ્લા જાણકાર હતા. જેમના નિધન સાથે ભારતમાંથી એક ભાષાની વિદાય થઈ છે. નેપાળમાં હજી ગણ્યા ગાંઠ્યા લોકો 'માઝી' ભાષાના જાણકાર છે. જોકે ભારતે તેની છેલ્લી આશ ગુમાવી દીધી છે. થાક બહાદુરનો પરિવાર નેપાળમાંથી સિક્કિમમાં વર્ષો પહેલાં રહેવા આવ્યો હતો. ભાષા રિસર્ચ અને પબ્લિકેશન સેન્ટરે જ્યારે ભારતમાં બોલાતી ભાષાઓનો સર્વે હાથ ધર્યો ત્યારે થાક બહાદુર માઝીની અને લુપ્તતાના આરે આવીને ઊભેલી 'માઝી' ભાષાની દેશને જાણ થઈ. ત્યારે જોરથોંગમાં 'માઝી' ભાષાના 4 જાણકારો હતા. ત્યાર બાદ સમય વિતતા ત્રણનાં મોત થયાં અને થાક બહાદુર એકલા રહ્યા. 
થાક બહાદુર માઝી જ્યાં રહેતા તે જોરથોંગ વેલી અને રંગીત નદી, ફોટો સૌજન્ય. independent.co.uk

મહત્ત્વની વાત એમ છે કે દેશને આ લુપ્ત થયેલી ભાષાની જાણ પણ તેના લુપ્ત થયાના મહિના બાદ મળી. 'પીપલ લિંગ્વિસ્ટિક સર્વે ઓફ ઈન્ડિયા'નું સિક્કિમનું વોલ્યૂમ તૈયાર કરનાર ટીમના બલરામ પાંડે જ્યારે થાક બહાદુર માઝીને ફરી મળવા ગયા ત્યારે તેમના નિધનની જાણ દેશને થઈ. આ પહેલા બલરામ થાક બહાદુર માઝીને 2013માં સર્વે દરમિયાન મળ્યા હતા. માઝી જાતિ નેપાળ અને સિક્કિમમાં જુદી જુદી જગ્યાએ વિસ્તરેલી છે. પરંતુ અલગઅલગ જગ્યાએ વસવાટ કરતા હોવાથી ધીમે ધીમે 'માઝી' ભાષા બોલવાનું બંધ થયું. માઝી જાતિના લોકો પર નેપાળી ભાષાએ પ્રભુત્વ જમાવ્યું. 'માઝી' ભાષાનો ઉદય ક્યારે થયો તે અંગે ખાસ કોઈ પુરાવા મળતા નથી. પરંતુ ભાષા હજારો વર્ષ જૂની હોવાનું મનાય છે. માઝી જાતિના લોકોનો ઘનિષ્ટ સંબંધ નદી સાથે રહેલો છે. વર્ષો પહેલાં માઝી લોકોને નદી પાર કરાવવાનું કામ કરતા. વર્ષો થયે ધીમે ધીમે સ્થળાંતર થયેલાં અનેક માઝીઓ ખેતી સાથે સંકળાયા. 

'માઝી' ભાષાની વાત તો જવા દો પણ માઝી જાતિ અંગે પણ બહુ ઓછા લોકો જાણે છે. થાક બહાદુરની પુત્રી દેવમાયા કહે છે કે ભારતમાં લોકો અમને પૂછે કે માઝી એટલે શું? તો તેમને સમજાવવા જતાં એટલી બધી મહેનત કરવી પડે છે કે અંતે અમારે નેપાળી છીએ એવો સાદો જવાબ આપવાનું શરૂ કરવું પડ્યું. નેપાળી ભાષાનું પ્રભુત્વ વધતા 'માઝી' ભાષા જન્મ, લગ્ન અને મરણ જેવી વિધિઓ પૂરતી જ સીમિત રહી ગઈ. છેલ્લે તો મરણના પ્રસંગમાં જ તેના કેટલાક શબ્દોનો ઉપયોગ થતો. આ જાતિના કેટલાક લોકો 'માઝી' ભાષાના અમુક શબ્દો જાણે છે. પરંતુ તે શબ્દો માત્ર છે, તેનાથી એક વાક્ય પણ બની શકતું નથી. 

જ્યારે વિશ્વ લુપ્ત થતી ભાષાઓ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યું છે, ત્યારે આપણે લુપ્ત થઈ ગયેલી ભાષા અંગે મહિના બાદ જાણ થાય છે. જાણકારોના મતે પ્રાદેશિક ભાષાઓ અને અંગ્રેજીના વધતા પ્રભુત્વને કારણે ઘણી ભાષાઓ પર ખતરો ઊભો થઈ રહ્યો છે. અનેક એવી ભાષાઓ છે જેના 10 હજાર કરતાં પણ ઓછા બોલનાર લોકો રહ્યાં છે. આપણે આપણા વારસા વિશે કેટલાં જાગરૂક છીએ તેનું પ્રમાણ થાક બહાદુરનો ફોટો શોધતા મળ્યું. યુ.કે.ના એક અખબારમાંથી માંડ તેમનો ફોટો મળ્યો. ત્યારે આપણે આવા મહત્ત્વના મામલે ધ્યાન આપવાને બદલે તથ્ય વગરના મુદ્દાઓ પર ચર્ચાઓ કરી રહ્યા છીએ.

No comments:

Post a Comment

15. તમે શું રે કરશો મોલ : લૉક-ડાઉનનાં પ્રણયગીતો

અધુરી આશમાં ઊઘડેલી આંખો ને એમાંથી મંડાતી મીટ વર્ષોની અતૃપ્ત જાગેલી ઝંખનામાં બચેલાં સપનાંના  તમે શું રે કરશો મોલ? ઉંબરની વચ્ચ...