Friday, 10 October 2014

AFSPA અને કાશ્મિર

 

એક એવો કાયદો જેના કારણે ભારતીય સૈન્ય વિરુદ્ધ કાશ્મિરના લોકોમાં રોષની લાગણી પેદા થઈ.

જમ્મુ-કાશ્મિર અને પૂર્વોત્તરના રાજ્યો વિશે જ્યારે વાત કરવાની આવે ત્યારે સૌથી પહેલા બે બાબતો સામે આવે. ત્યાંનું કુદરતી સૌંદર્ય અને આર્મી. આ રાજ્યોમાં સૌથી વધારે આર્મી સામે રોષ ફેલાયેલો છે. આપણે જેમ સૈન્યના જવાનને માનથી જોઈએ તેમ કદાચ આ રાજ્યોમાં લોકો જવાનોને નફરતથી જોતા તમને જોવા મળે. આર્મી અને પેરામિલિટરી ફોર્સીસ સામેનો તેમનો રોષ છે એક અમાનવિય કાયદાના કારણે.

ભારતને આઝાદી મળી ત્યારથી જ કાશ્મિર હંમેશા સળગતો મુદ્દો રહ્યું છે. કાશ્મિરના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધોની નોબત પણ આવી. 1988ની ચુંટણીનો અલગતાવાદી સંગઠનો દ્વારા બહિષ્કાર કર્યા બાદ કાશ્મિરમાં આતંકી હુમલાઓમાં વધારો થયો અને આઝાદ કાશ્મિરની માગ પ્રબળ બની. કાશ્મિરના ઘણા સંગઠનોએ ભારતથી આઝાદ થવા માટે આ ગાળામાં રીતસરનો મોરચો માંડ્યો. સતત વધી રહેલા આતંકી હુમલાઓ અને ભારત સામેના દેખાવોને ડામવા માટે ભારત સરકારે ભારતીય સૈન્ય કાર્યક્ષમ રીતે કાર્ય કરી શકે તે માટે 1990માં Armed Forces Special Power Act (AFSPA) જમ્મુ-કાશ્મિરમાં લાગુ કરી દીધો. આ કાયદો આર્મી અને પેરામિલિટરી ફોર્સને કેટલાક ખાસ અધિકારો આપે છે.

Photo courtesy: www.hrw.org
AFSPA એક એવો કાયદો છે જેમાં માનવઅધિકારોને કોઈ સ્થાન નથી. આ કાયદા અંતર્ગત આર્મી અને પેરામિલિટરીના જવાનો કોઈપણ વ્યક્તિને માત્ર શંકાના આધારે વૉરંટ વિના ધરપકડ કરી શકે અને જરૂર પડે તો તેને ગોળી મારી હત્યા પણ કરી શકે, કોઈપણ સ્થળે શંકાના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરી શકે, વાહનનાં હથિયારો કે દારૂગોળો લઈ જવાની શંકાના આધારે તેની તપાસ કરી શકે,  આ કાયદા દ્વારા આર્મીને કાયદાકીય સંરક્ષણ મળે છે. સૈન્યના અધિકારી પર કોઈપણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી કેન્દ્ર સરકારની મંજૂરી વિના કરી શકાતી નથી. આ પ્રકારની અમર્યાદીત સત્તાના કારણે જમ્મુ-કાશ્મિરમાં કથિત રીતે આર્મી અને પેરામિલિટરીના જવાનોએ તેનો દુર ઉપયોગ કર્યો. કાશ્મિરમાં જ્યારે હિંસા તેની ચરમસિમા પર હતી ત્યારે આર્મીની કાર્યવાહીમાં નિર્દોષ લોકોના કથિત રીતે મોત થયા તથા આર્મીના જવાનો પર મહિલાઓ પર રેપના પણ આરોપો લાગવાના શરૂ થયા. 1990 થી 2009 સુધીમાં 8000 લોકો ગુમ થયાં, આર્મી દ્વારા પ્રદર્શન કરી રહેલા લોકો પર ગોળીબાર કર્યાના કિસ્સાઓ, આશરે 2700 જેટલી સામૂહિક કબરો મળી આવી કે જેમાં દફનાવાયેવા લોકો કોન છે તેની કોઈ માહિતી ન હતી. આવી કબરોમાં કથિત રીતે આર્મી દ્વારા મારવામાં આવેલા આતંકવાદીઓને દફનાવાયા હોવાનું કહેવામાં આવ્યું, કથિત રીતે ફેક એન્કાઉન્ચરના કેસ સામે આવ્યા, આર્મી દ્વારા સતત ચાલતા સર્ચ ઓપરેશનો અને છાશવારે લાદવામાં આવતા કર્ફ્યુ તથા લોકો પર સતત વધતા ટોર્ચરને કારણે સામાન્ય લોકોની લાગણીઓ આર્મી સામે નફરતમાં પરીણમી. આ બધી જ કાર્યવાહીને AFSPAનું સંરક્ષણ મળી રહેતું હતું.

Photo courtesy: www.kashmirgloble.com
રેપ અને નિર્દોષ લોકોની કથિત રીતે આર્મી દ્વારા કરાયેલી હત્યાઓ સામે કાર્યવાહીની માગ જોર પકડવા લાગી, મહિલાઓ પણ વિરોધમાં શેરીઓમાં ઉતરી આવી, આર્મી સામે આશરે 900 જેટલા કેસ થયા. તપાસ થઈ પરંતુ આર્મી દ્વારા 95 ટકા કેસને ખોટા ગણાવી રદ્દ કરવામાં આવ્યા. જમ્મુ-કાશ્મિરમાં આર્મીના અધિકારીઓ દ્વારા થયેલા જાતિય સતામણીના માત્ર ત્રણ કેસ જ પેપર છે. Amnesty Internationalના જણાવ્યા પ્રમાણે જાતિય સતામણીના કિસ્સાઓની સંખ્યા ઘણી વધારે છે. દેશમાં જાતિય સતામણીના બનાવોની તપાસ કરવા નિમાયેલી જસ્ટીસ વર્માની કમિટીએ સુચન કર્યું કે AFSPA અંગે ફેરવિચારણા થવી જોઈએ. સતત આર્મી દ્વારા કથિત ટોર્ચર અને હેરાનગતિ તથા હિંસામાં થઈ રહેલા વધારાને કારણે આ વિસ્તારોમાંથી ભારતીય આર્મી હટાવી લેવાની માગણી શરૂ થઈ. જે હાલમાં પણ પ્રવર્તે છે. 
 
લોકોમાં શા માટે ભારતીય આર્મી અને પેરામિલિટરી ફોર્સીસ સામે નફરતની લાગણી પેદા થઈ? કયા એવા મહત્વના બનાવો હતા જેના કારણે આર્મીને કાશ્મિરમાંથી દુર કરવા અને AFSPAને હટાવવા માટે લોકોમાં માગણી પ્રબળ બની તેમજ માનવ અધિકાર સંગઠનોએ પણ તેમાં સાથ પૂરાવ્યો. એ આગળના બ્લોગમાં.




No comments:

Post a Comment

15. તમે શું રે કરશો મોલ : લૉક-ડાઉનનાં પ્રણયગીતો

અધુરી આશમાં ઊઘડેલી આંખો ને એમાંથી મંડાતી મીટ વર્ષોની અતૃપ્ત જાગેલી ઝંખનામાં બચેલાં સપનાંના  તમે શું રે કરશો મોલ? ઉંબરની વચ્ચ...