Sunday, 16 December 2018

વરસાદ : ગામડામાં વરસાદ આવ્યા બાદ શું થાય છે?



હવે આપણે વાત કરવાની છે આજે કે વરસાદ આવે પછી શું થાય? પહેલા ભાગમાં જરા વરસાદ પહેલાની મજા માણી. 

તો તમે તૈયાર છો ને... તો આપણે વરસાદને હવે મન મૂકીને વરસાવીએ જરા...

ઠંડા અને જોરથી સૂસવાટાભર્યા વાતા પવન સાથે વરસાદ આવતો નથી પણ ત્રાટકે છે. પહેલો વરસાદ હંમેશાં ત્રાટકે તો જ મજા હોય છે, આવે તો ના મજા પડે. (કારણ કે વરસાદ આવવો એ ધીમો ધીમો વરસાદ પડવું એવો અર્થ થાય)

વરસાદ જેવો જ નળીયાં (આ પ્રજાતિનો પણ હવે વાઇલ્ડ લાઇફ એક્ટ 1972માં સમાવેશ કરવો જોઈએ.) સાથે અથડાતાં તડતડાતી થાય છે.. આને તમે જરા પણ હળવાશમાં ના લેશો. કેમ કે આ પહેલા વરસાદનું નળીયા સાથે અથડાવું એટલે એક મધુર સંગીતની ધૂનથી જરા ઉતરતું નથી.

ફળિયાની ધૂળ સાથે અથડાતા વરસાદનો અવાજ જુદો હોય છે, ખેતરની ધૂળમાં પડતો વરસાદનો અવાજ પણ જુદો અને સીમમાં પડતા વરસાદનો અવાજ પણ જુદો, બોલો ભીંતમાં અથડાતા વરસાદાનાં છાંટાનો અવાજ પણ જુદો હોય છે.

આને મહેસૂસ કરવા માટે જરા ધીરજ અને કાન દઈને સાભળવાની ટેવ જોઈએ. અનુભવ્યા વિના કદાચ વાંચવાથી નહીં સમજાય.

અરે આપણે વરસાદથી ક્યાં ચડી ગયા,,, હા વરસાદ ત્રાટકે છે, સાથે ગાજવીજ, કડાકા-ભડાકા અને વીજળીના ચમકારા શરૂ થાય છે. જાણે કે હમણાં જ આભ આખું નીચે તૂટીને પડશે. આખું ઘર જાણે થરથરી જાય એવો ગડગડાટ.

નાનાં છોકરાંઓ ડરનાં માર્યાં બોકાસાં દેવા મંડે છે અને દોડીને કોઈના ખોળામાં કે બાથમાં ભરાઈ જાય છે. કેટલાક મોટેરાંઓ પણ ડરનાં માર્યાં સૂનમૂન થઈ જાય છે.

કોઈ વસ્તુ બહાર રહી ગઈ હોય તો લેવા માટે દોટાદોટ થઈ જાય છે. રસોડાંના બારણાંઓ બંધ થવા લાગે છે. જરૂર પડે ત્યાં આડશો દેવાવા લાગે છે. આ બાજુ કેવોક 'મે'(વરસાદ) પડે છે એ જોવા માટે લોકો ઘરનાં ગોખલા કે ઓસરીના ઉંબરેથી ડોકાં કાઢે છે.


એટલામાંજ નેવાંએથી(આ પણ હવે નાશ પામતી પ્રજાતિમાંની એક છે.) પાણીની શરૂ થઈ જાય છે. નેવાંના પાણી ભરવા માટે નીચે ઠાંમણાં રાખવા માટે કયું ઠામ રાખવું તે માટે ગોતાગોત શરૂ થઈ જાય છે.

છોકરાંઓ નેવાંમાંથી પડતાં પાણીની નીચે હાથ રાખીને પ્રકૃતિને જાણે પોતાના હાથમાં ભરતાં હોય એ રીતે મલકાવા લાગે છે. વડેરાં તેમને પાણીથી આઘા રહેવા માટે વારંવાર ટોકવા લાગે પરંતુ માને એ છોકરાં છાનાં.

ત્યાં જ જ્યાં જૂઓ ત્યાં પાણી-પાણી થઈ જાય છે. સીમ આખી પાણીથી તરબોળ, ઘર જાણે કે પાણીને વચ્ચે ઘેરાય જાય અને ખેતર પાણીથી ડૂબાડૂબ થવા લાગે છે. ખેતરના ચાસમાંથી દોડતું આવતું પાણી ખેડૂતની રગે રગમાં જાણે લોહી ઉછાળા મારીને દોડી રહ્યું હોય એવો અનુભવ કરાવે છે.

વરસાદની સાથે આવતા પવનને કારણે ઘરમાં વાછટ આવવા લાગે છે અને વાછટથી બચવા માટે જુદા જુદા ઉપાયો શરૂ થઈ જાય છે. પલળતાં ઢોર પોતાનાં શરીરને સંકોરવા લાગે છે, નીચું જોઈને ધીમે ધીમે વધતી ઠંડીનો સામનો કરવા તૈયાર થઈ જાય છે.

ત્યાં જ ઘરમાંથી કોઈ રાડ પાડે છે કે અહીંથી પાણી પડે છે. જે નળીયામાંથી પાણી પડતું હોય તેને સરખું કરવાની મથામણ શરૂ થાય છે. ધીમે ધીમે લોકો વરસાદ મગ્ન થઈ જાય છે.


છોકરાંઓ નહાવા માટે બહાર નીકળી પડે છે, કોઈ છત્રી લઈને નીકળી છે તો કોઈ કૂપલી લઈને વરસાદની મજા માણવા નીકળી પડે છે.

વરસાદમાં દોડતા છોકરાંના પગ જ્યારે પાણી પણ ધબ દઈને પડે છે અને પાણી જ્યારે નાનાં પગ સામે જ્યારે હારીને માગ કરતાં ઉપર ઉછળે ત્યારે કોઈ કવિએ કરેલા વરસાદના કાલ્પનિક વર્ણન કે કોઈ ચિત્રકારે દોરેલાં ચિત્રથી જરા પણ ઉતરતું નથી હોતું.. હા એ વાસ્તવિક દૃશ્ય તમારા મનમાં સતત ઘોળાયા કરે છે. કોઈ લોટા દો મેરે બચપન કે દિન..ની જેમ જ.

બસ હવે કેટલું પછી.. આટલું ઘણું બાકી ગામમાં જઈને માણી લેવું.. હવે હરીન્દ્ર દવે ની કવિતાની આ પંક્તિઓ સાથે પુરું કરીએ...

વરસાદની મોસમ છે

ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ,
ઝાંઝવાં હો કે હો દરિયાવ, તરસતાં જઈએ.





Thursday, 6 September 2018

વરસાદ : આવી રીતે આવતો વરસાદ તમે ક્યારેય જોયો છે?

વરસાદની શરૂઆત કેવી રીતે થાય છે? આ પ્રશ્નના જવાબમાં આપણે એવું કહી શકીએ કે મોઢાં એટલી વાતો. 


તમને એવું લાગે છે કે તમે હવે વરસાદ માણી શકતા નથી? તમારો જવાબ જે હોય તે પણ તમે આવી રીતે વરસાદ માણ્યો કે નહીં તે જરા આ વાંચીને કહેજો.

આજે આપણે વાત કરવાની છે કે વરસાદ કેવી રીતે આવે છે. હા, પણ ડરશો નહીં ભણવામાં આવતા વિજ્ઞાન જેવું આ નથી... આ વાત છે ગામડામાં આવતા વરસાદની.. તો તૈયાર છો ને.. તો લ્યો તારે કરીએ ચાલુ...ના આક્રમણ કરીએ.. મન જરા મક્કમ કરીને વાંચજો..

તમે જરા અષાઢ મહિનાના પહેલા વરસાદની કલ્પના કરી લો... અને બપોર બાદનો સમય છે એમ સમજી લો...

ઉગમણી (પૂર્વ) દિશામાં ધીરે ધીરે કાળાં ડિબાંગ વાદળો ચડવા લાગે છે. આથમણી (દક્ષિણ) દિશામાં રહેલા સૂરજને જાણે કહેતાં હોય કે તારાં તેજ તે અમારી પાસે લ્યા શું. હમણાં જ તને દાટીને તને પણ અંધકારમાં ના ફેરવી દઈએ તો કહેજે.

વાદળો ધીરે ધીરે ઊચાં ચડે છે, તેમ તેમ આકાશ ગોરંભાતું જાય છે. ખેતર અને ઘરોમાં ચહલપહલ શરૂ થઈ જાય છે. ત્યાં જ દૂરથી વીજળીના ચમકારા દેખાય છે.

ખેતર અને ઘરમાં નજીક આવતા વરસાદને જોઈને દોડાદોડ થઈ જાય છે. ગામના પાદરે બેઠેલા ઘરડાઓ ઘરે જવા ઉપડે છે. ગોવાળ ગાયોને ગામ તરફ લાવવા ઉતાવળ કરવા લાગે છે.

પાદરના કૂવે પાણી ભરવા આવેલી પનીહારીઓ ઘરે જવાની ઉતાળમાં બેડાં એકબીજાને ચડાવવા લાગે છે અને ઘર તરફ જાણે વીજળી વેગે હાલતી થાય છે.

ઘરની વહૂઓ દોડાદોડી કરી મૂકે છે. સૌથી પહેલાં ઉતાવળ બહાર પડેલાં છાણાં ઠેકાણે પાડવાની હોય છે. છાણાંના સૂંડલાને જલદી જ લઈને રસોડામાં મૂકી દેવાય છે.

ઘરની મહિલાઓનો જીવ પહેલાં છાણાંમાં એટલા માટે ચોટેલો હોય છે કારણે કે જો છાણાં પલળી જાય તો ચૂલામાં સાંજે રાંધવાના ફાંફાં પડે.

ત્યાં જ ઠંડો ઠંડો પવન ફૂંકાવા લાગે, પવન જોરથી આવે છે, જાણે વંટોળ ફૂંકાતો હોય એ રીતે, પરંતુ આ સીધા પવનો હોય છે. પવન સાથે સૂકાં પાદડાં અને રજ ઉડતી આવે છે.

વરંગણી પર ટીંગાતા કપડાંને લેવા કોઈ દોડે છે, કોઈ ઓસરીમાં પાણિયારા પાસે પડેલી હેલને વાછટથી બચાવવા માટે દોડે છે. કોઈ તગારાં શોધવા લાગે છે, કોઈ ફળિયામાં સુકાતાં ઠામણાંને ઝટ ભેગાં કરવા લાગે છે.

ફળિયામાં પડેલા ખાટલાઓને ઘરમાં કે ઓસરીમાં લેતાં નાના છોકરાથી જરા ખાટલાનો પાયો બારસાખને અડી જાય તો દાદીમાં બૂમ મારીને કહે છે ભાંગી નાખજે ખાટલો તું, એક ખાટલો સરખો ઓસરીમાં લેતા આવડતો નથી.

ઉગમણી બાજુ રહેલા ગોખલાઓમાં (જે હવે નાશંવત પ્રજાતિમાંની એક છે.) કોથળા ભરાવવા દોડે છે. નાનાં છોકરાંઓ રડારડ કરી મૂકે છે. ઘરનાં ઘરડાંઓ ઓસરીના ખૂણે છોકરાંઓને રાખતાં રાખતાં વહુઓ અને દીકરાઓને જરા ટપારતાં સૂચનાઓ આપવા લાગે છે.

આ બાજુ ઘરધણીને બળદ અને નીરણની ચિંતા સતાવવા લાગે છે, ઢોરને  ઝટ એકઢાળિયા કે ઓથમાં બાંધવાની મથામણ શરૂ થાય છે.


આમ તો નીરણ એટલે પરાળ, ડૂચો, ડાંડર આ બધું જ વરસાદ પહેલાં ભરાઈ ગયું હોય કે ઢંકાઈ ગયું હોય છે. પરંતુ થોડું દરરોજ નીરવા માટે રાખેલું હોય તેને પણ સગેવગે(હકારાત્મક અર્થમાં વાંચવું) કરવા માટે હડતબડીયો થાય છે.

એટલામાં કોક વળી પવન સાથે ઉડી જતા કોથળીયાને કે ખોભાયાને પકડવા માટે હડી કાઢે છે. કોઈ રાડ પાડીને ખેતરમાં રહેલા ઘરધણીને ચેતવતાં કહે છે, 'આવતાર્યો હવે 'મે'(વરસાદ) હાવ નજીક આવી ગ્યો સે.'

સામે વાદળાંએ મૂકેલા દોરિયા દેખાવા લાગે છે, ત્યાં કોક ઓસરીમાંથી પૂછે છે કે વરસાદ ક્યાં પૂગ્યો?

જો ગામમાં હોય તો જવાબ મળે આ સામી સીમ સુધી આવી ગ્યો, વાડીએ હોય તો જવાબ મળે કે આર્યો હાવ નજીક જ છે, ફલાણા ભાઈના ખેતરના શેઢા હૂધી પૂગી ગ્યો ઝટ કરજો.

વરસાદ આવી પહોંચે તે પહેલાં કોઈ ઓસરી કે કોઈ ઓસરીના ખૂણામાં ભરાઈ જાય છે.

આમાં મુશ્કેલી નવી આવેલી વહુને હોય છે. દોડાદોડ કરીને બધું ભેગું કરવાનું, સાસુનાં સૂચનો ધ્યાને રાખવાનાં અને ભૂલના થાય તે જરા જોવાનું. જોકે, મુશ્કેલી એ છે કે નણંદબાને વરસાદમાં પલળતાં જોઈને સમસમી જવાય છે.

વરસાદ પહેલાં આવતો પવન એક પ્રકારની ખાસ ખુશ્બુ સાથે નવા જ સ્પર્શનો આનંદ કરાવે છે. જાણે કે કોઈ કોમળ ફૂલની પાંખંડી સ્પર્શે, કોઈ બાળકનો ઋજુ હાથ ધીરે રહીને અડકે.. ના સાવ આવું પણ નહીં.. એ જાતે જ અનુભવવો પડે.

તમે એકવાર વરસાદ પહેલાંની એટલે કે વરસાદે તાણી લાવતી ખુશ્બુને જરા સુંઘી લેજો. ખૂબ મજા આવશે. પ્રયત્ન કરવા જેવો ખરો.. ખોટ નહીં જાય.

આવી રીતે આવે છે વરસાદ, ઘરની બારી ખોલોને ત્યારે ખબર પડે કે વરસાદ આવે એવું ના હોય, આક્રમણખોરની જેમ આવતો વરસાદ અને આક્રમણ સામે બાથ ભીડવા યુદ્ધની જેમ થતી આ તૈયારીઓ તમે કોઈપણ ગામડાની આજથી 20 વર્ષ પહેલાંની કલ્પી શકો.

હજી પણ ખેડૂતોનાં જીવનમાં આમાંથી માત્ર વીસેક ટકા ગયું છે અને બાકી જલદી જતું રહેશે એવી તમને અને મને આશા ના હોય પણ હવે... શું કરી શકાય...

વરસાદ આવ્યા પછી શું થાય છે, તે હવે બીજા ભાગમાં જોઈશું. પણ તમે જતાં પહેલાં રમેશ પારેખની આ કવિતાનો આસ્વાદ માણતા જાવ.

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે

ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે

નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે

ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે

પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે

થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.

કેટલાક શબ્દોના અર્થ 

વરંગણી-કપડાં સૂકવવા બાંધવામાં આવતી દોરી, ઠામણાં-વાસણો, ખાસ કરીને જમવાનાં વાસણોના અર્થમાં, એકઢાળીયું-એક ઢાળવાળું મકાન, હડતબડીયો-ઉતાવળમાં થતી દોડાદોડ, કોથળીયો-ભેંસને ખાણ આપવા માટે વપરાતી એક ખાસ પ્રકારની થેલી જેવી ચીજ, ખોભાયું-ખેતરમાં નીંદણ કે ખાતર ભરવા અને અન્ય રીતે વપરાતું થેલી જેવું, દોરિયા-વાદળાંમાંથી પડતો વરસાદ જે કાળા લિસાટા જેવો દૂરથી દેખાય છે. 


Wednesday, 3 January 2018

શિયાળો એટલે સ્વાસ્થ્ય કરતાં વધારે મહેનતની ઋતુ

Courtesy: ht.com

શિયાળે શિતળ વા વાય પાન ખરે ઘઉં પેદા થાય;
પાકે ગોળ કપાસ કઠોળ, તેલ ધરે ચાવે તંબોળ.
ધરે શરીરે ડગલી શાલ, ફાટે ગરીબ તણા પગ ગાલ;
ઘટે દિવસ ઘણી મોટી રાત, તનમાં જોર મળે ભલી ભાત.

કવિ દલપતરામની કવિતાની આ ચાર પંક્તિઓ શિયાળાનું જાણે આબેહૂબ વર્ણન કરી જાય છે. હાલ શિયાળો ચાલી રહ્યો છે ઠંડી ઠીક ઠીક વધી રહી છે. 

ઠંડીનો પારો કેટલો નીચે ઊતર્યો તેના વિશે વિવિધ માધ્યમો દ્વારા સતત માહિતી અપાઈ રહી છે. ઉપરાંત વિવિધ વેબસાઇટ્સ અને છાપાં તથા મેગેઝિનોમાં સ્વાસ્થ્યપ્રદ માહિતીનો ભંડાર આ દિવસોમાં ખડકાય છે. 

વિવિધ પ્રકારની કસરતો, મોર્નિગ વૉક, ઇવનિંગ વૉક તથા કેવી રીતે શિયાળામાં હેલ્ધી બનવું તેના વિશેની માહિતીનો ખડકલો થઈ રહ્યો છે. 

ખાવામાં કચરિયાથી લઈને ચીકી, ઊંધિયું જેવી વાનગીઓ દર વર્ષની જેમ અત્યારે ફરી ચમકવા લાગી છે.. 

પરંતુ આપણે આજે વાત કરવાની છે ગામડાંમાં આવતા શિયાળાની. મજૂરી કે ખેતીમાં કામ કરતા લોકો માટે શિયાળો એટલે શું? 
Courtesy: eyeem.com

ગામડાંના લોકો માટે શિયાળો મોટેભાગે મહેનતની ઋતુ રહી છે. હાલના સમયમાં ગુજરાતનાં ગામડાંની સ્થિતિ દેશની સાપેક્ષે ઠીક ઠીક બદલી રહી છે. ખેતી સાથે અન્ય ઉદ્યોગો અને ધંધાઓનું વર્ચસ્વ વધી રહ્યું છે. 

નવી પેઢી ખેતીથી ધીમેધીમે અળગી થઈ રહી છે. તો પણ ગામડાં હજી ખેતી પર ટકી રહ્યાં છે. ત્યારે દલપતરામની કવિતાની જેમ શિયાળો ગામડાંના લોકો માટે મહેનત લઈને આવે છે. 

વરસાદ સારો હોય એવા સંજોગોમાં ખેડૂતો રવિ પાકની વાવણીમાં શિયાળાની શરૂઆતમાં જ તૈયારી શરૂ કરી દેતા હોય છે. ખરીફ પાકની લણણી અને તેનું કામ પણ શિયાળાના શરૂઆતના દિવસોમાં થાય છે.

ભારતમાં ચોમાસમાં લેવાતા પાકને ખરીફ પાક અને શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહેવામાં આવે છે. 

એટલે ખાવાના શોખીનો, સ્વાસ્થ્યની સંભાળ, હેલ્થ, વસાણા, કચરિયાં જેવી બાબતો અમારે ત્યાં જોવા મળતી નથી. હાલ શિયાળામાં ઠંડીની સાથે સાથે મહેનત કરી પેટ્યું રળી લેવા માટેની દોડધામ હોય છે. 

ખેતી પર નભતાં મજૂરો માટે આ છેલ્લી સિઝન હોય છે જેમાં ચોમાસા સુધીની કમાણી કરી લેવાની હોય છે. ઉનાળામાં બહુ ઓછા વિસ્તારોમાં ખેતીમાં પાક લઈ શકાતા હોય છે. જેથી મજૂરી માટેના આ અંતિમ દિવસો હોય છે. 

દલપતરામે જેમ કહ્યું કે ફાટે ગરીબ તણા પગ ગાલ. જે ગામડાં અને શહેરના બંને લોકોને લાગુ પડે છે. પરંતુ ગામડાંમાંથી આવતો હોઉં ત્યાંની પરિસ્થિતિમે જોઈ છે અને આ પંક્તિને અનુભવી પણ છે. 

આજથી દસેક વર્ષ પહેલાં ગામડાંમાં શિયાળામાં લગાવાતી મોચ્યૂરાઇઝ ક્રિમ્સનો જમાનો આવ્યો ન હતો. શિયાળાની ઠંડી શરૂ થતાની સાથે જ ચામડી સુકાતી જાય અને હોઠ, ગાલ, હાથ તથા પગ ફાટવા લાગે. 

જ્યારે પગ કે હાથમાં પડેલા ચીરામાંથી લોહી નીકળવાની શરૂઆત થાય ત્યારે મેં અનેક લોકોને ઘી લગાવતાં જોયાં છે. ઘી ચામડીને થોડા સમય માટે કૂણી કરે છે. 

મોટેભાગે નાનાં છોકરાંના નાક અને ગાલ તરડી જાય છે. હાલમાં જુદી જુદી ક્રિમ અને નવા નવા લોશનને કારણે થોડી બદલી હશે. પરંતુ સામાન્ય ગણાતા અને સ્માર્ટ દુનિયામાં હજી પણ ન પ્રવેશી શકેલા લોકો માટે દલપતરામની પંક્તિઓ યથાર્થ છે. 

શિયાળામાં મેં આરોગ્યને લઈને ભાગ્યે જ ગામડાંમાં લોકોને વિચારતા જોયાં હશે. હા એટલું ખરું કે શિયાળામાં ભૂખ બહુ લાગે એવી વાતો નાનપણમાં સાંભળી. ગામડાંમાં રહેતા લોકો માટે હાલનો સમય તાજા શાકભાજીનો હોય છે. રીંગણ, ટામેટાં, મૂળા, ગાજર, વટાણા જેવાં તાજાં શાકભાજી મળી રહે. 

બાકી આરોગ્યપ્રદ શિયાળો તો મેં પણ શહેરમાં જ આવીને જોયો. તમને પણ શિયાળાની સ્વાસ્થ્યપ્રદ શુભકામનાઓ.

15. તમે શું રે કરશો મોલ : લૉક-ડાઉનનાં પ્રણયગીતો

અધુરી આશમાં ઊઘડેલી આંખો ને એમાંથી મંડાતી મીટ વર્ષોની અતૃપ્ત જાગેલી ઝંખનામાં બચેલાં સપનાંના  તમે શું રે કરશો મોલ? ઉંબરની વચ્ચ...