Thursday, 29 October 2015

માણવા ને મ્હાલવાની મૌસમ, શિયાળો મારી પ્રેમની મૌસમ

સાંજ પડતાંની સાથે જાણે ફુલગુલાબી હવા શરૂ થઈ. અચાનક આવેલા આ ઠંડા પવને મને ઋતુચક્રનું ક્યાંક ભાન કરાવ્યું. એસી ઓફિસમાં બેસીને અનુકૂળતા મુજબ વાતાનુકુલિત થતો હું કુદરતી ઋતુ ચક્રને જાણે ભૂલી ગયો. ઓફિસની બહાર આવતાંની સાથે મારા પ્રિય શિયાળાએ આવી રહ્યાનો જાણે સાદ કર્યો.

શરીરમાં જાણે રોમાંચ પ્રસરી ગયો. થયું સ્વેટર ફરી બહાર કાઢવાનો સમય આવી ગયો. ના, પણ હજી મને ઠરવા દો, થોડી હજી ઠંડી ગુલાબી હવાને આવવા દો. કેમ, આ ઠંડી ગુલાબી લાગે છે? ગુલાબ સાથે પણ આવો અહેસાસ થાય છે? ખબર નહીં.

ધીરે ધીરે શરીરને સ્પર્શીને જતી આ હવા કોઈના આવવાનો સાદ છે. જાણે કોઈ સાદ પાડી પાડીને બોલાવી રહ્યું છે. ફરી ઘરમાં સંઘરી રાખેલાં સ્વેટર્સ, ટોપી, મોજાં, બ્લેન્કેટ બહાર આવશે. ફરી સવારે ઊઠવાની આળસ થશે. ફરી મને સાંજે મેદાનમાં ફરવા જવાનું થશે. રાત્રે ઘરમાં પૂરાઈ રહેવાનું અને તાપણાં પાસે બેસી રહેવાનું, કેવી મજા પડશે. આ વિચારો જ મને રોમાંચિત કરી દે છે. તો તારો અહેસાસ તો કેવો હશે?

મંદ મંદ હવાનો માસૂમ સ્પર્શ, કડકડતી ઠંડીનો ચમકારો, સૂકા ઠંડા પવનોનો સિસકારો, બપોરની ગરમી અને સાંજની નમી, દિવસ ટૂંકો ને રાત લાંબી, ઘસઘસાટ ઊંઘ, આળસની મજા.. આવ તું મારા પ્રેમની મૌસમ, આવકારમાં આપીશ હું તસતસતું આલિંગન. 

Tuesday, 15 September 2015

લુપ્ત થતું ગામ-3: પરાવલંબી ગામડાઓ, અંતના આરે આવીને ઊભું રહેલું ગામડાઓનું સહજીવન.

ગાંધીજીના સ્વાવલંબી ગામડાની પરિકલ્પાનાથી આપણે સાવ જૂદી દીશામાં જઈ રહ્યાં છીએ. આઝાદી બાદ ગામડાંઓ ખરેખર સ્વાવલંબી બનીને સમૃદ્ધ બનવા જોઈતા હતા. તેના બદલે અત્યારે અવળી ગંગા વહી રહી છે.


ગામડું શબ્દ સાંભળતાની સાથે જ આપણા વિચારોમાં વાર્તાઓમાં આવતું ગામ તરી આવે છે. લોકો એકબીજા જોડે હળીમળીને રહેતા હોય. ગામમાં દરેક જ્ઞાતિના લોકો હોય, એકબીજા સાથે સહજીવન વિતાવતા હોય, દરેક પોતાનો વ્યવસાય કરતો હોય, લુહાર, સુથાર, બ્રાહ્મણ, ખેડૂત, કુંભાર દરેક લોકો પોતાના વ્યવસાયમાં વ્યસ્ત હોય. વાર્તાઓ પણ આપણા માનવજીવન પરથી કે લોકોને બોધપાઠ આપવાના ઉદ્દેશથી જ બની હશે. પરંતું અત્યારે ગામડાઓની વાસ્તવિકતા કંઈક જૂદી છે.

ગાંધીજીના સ્વાવલંબી ગામડાની પરિકલ્પાનાથી આપણે સાવ જૂદી દીશામાં જઈ રહ્યાં છીએ. આઝાદી બાદ ગામડાંઓ ખરેખર સ્વાવલંબી બનીને સમૃદ્ધ બનવા જોઈતા હતા. તેના બદલે અત્યારે અવળી ગંગા વહી રહી છે.  ગામડામાં રહેતા લોકો એક સમયે એકબીજા પર અવલંબીત હતા તેના બદલે હાલ ગામડાંઓ શહેરો પર આધારીત બનતા જાય છે. દેશના અવિકસીત રાજ્યોના ગામડાંઓ કદાચ હજી પણ પોતાની જરુરીયાતો આપમેળે મેળવી લેતા હશે, પરંતુ વાઈબ્રન્ટ અને હવે ગતિશીલ ગુજરાતના ગામડાંઓએ પોતાનું સ્વાવલંબીપણું ગુમાવી દીધું છે

એક સમય એવો હતો કે ગામમાં ખેડૂત અનાજ પકવે. પોતાના પૂરતું પોતે રાખે બાકી ગામમાં વસતા અન્ય લોકોને આપે. એ પણ બાર્ટર સિસ્ટમથી જેમાં નાણાંનું મહત્વ નહિવત્ હતું. લુહાર ખેડૂતો માટે ઓજારો બનાવી આપે, દરજી કપડાં સીવે, કુંભાર જરુરી બધા માટીના વાસણો પૂરાં પાડે, બ્રાહ્મણ ધાર્મિક ક્રિયાઓ કરી આપે, વાણંદ પણ વર્ષ માટે બાંધેલો જ હોય. જેમને દિવાળી પર પાક થયા બાદ નક્કી કરેલું અનાજ આપવામાં આવતું. ગામનો દરેક ખેડૂત થોડું થોડું અનાજ આપે જેથી ખેડૂત પર પણ બોજ ન વધે. બીજી બાજુ ગામના દરેક ખેડૂત પાસેથી અનાજ મળતું હોવાના કારણે સામેવાળાને લગભગ સમગ્ર વર્ષનું પૂરતા પ્રમાણમાં અનાજ મળી રહે. બીજી તરફ ખેડૂતો એકબીજાને ત્યાં કામ પર જાય. એક ખેડૂતને જરુર હોય ત્યારે તેના પાડોશી ત્યાં ખેતીમાં મદદ કરવા આવે અને એ જ પ્રમાણે તેમને જરુર હોય ત્યારે આ ખેડૂત તેને ત્યાં મદદ કરવા જાય. આમ વગર નાણાંએ અથવા તો બહું નજીવા ખર્ચે ખેતી થતી અને સમગ્ર ગામડાંનું અર્થતંત્ર ધબકતું. જે હવે માત્ર કમાવાના ઉદ્દેશથી અને સરકારની ગામડાંઓ પ્રત્યેની ઉદાસીન નીતિને કારણે પડી ભાગ્યું છે.


હવે વાત ગામમાં જે સૌથી અગત્યનું કામ કરે કરે છે, તેમને આજીવિકાતો આપી પણ સાથે ન રાખ્યા તેમની વાતઆ વાત પણ અહીં સ્પષ્ટ અને ખુલ્લા મને કરી લેવી જ જોઈએ. ગામના દલીતોને પણ વર્ષ આખું ચાલે એટલું અનાજ મળી રહેતું, પરંતુ તેમને સામાજીક સ્થાન તો હજીપણ નથી મળ્યું.  દલીતોનું મુખ્ય કાર્ય ખેડૂતો કે પશુપાલકોને ત્યાં મરી ગયેલા ઢોરનો નિકાલ કરવો, ગામમાં ખુલ્લા જાજરુનો નિકાલ કરવો, લગ્ન પ્રસંગે ઢોલ વગાડવા, ક્યાંય અતિશય ગંદકી હોય તો પણ તેઓ સાફ કરે. આ કાર્યો જો આપણાં ગામડાંઓમાં વર્ષોથી આ લોકો ન કરતા હોત તો આપણાં ગંદા ગામડાંઓ ક્યારનાએ રોગચાળામાં સપડાઈ પડ્યાં હોત. આટલા મહત્વના કાર્યો બદલ તેમને અનાજ તો મળી રહેતુ (કદાચ દરેક ગામડાંઓમાં તેમને ન પણ મળતું હોય, અનેક ગામડાંઓમાં તેમના પર મફતમાં કામ કરાવી લેવાની ઘટનાઓ, અત્યાચારોની ઘટનાઓ પણ સામે આવી છે, પરંતુ આપણે આ આદર્શ સહજીવનની વાત કરીએ છીએ.) પરંતુ તેમને સામાજીક સમાનતા આપવામાં આવી ન હતી. જે ગામડાના સહજીવનની મહત્વની ખામી હતી.

બીજી તરફ ગામડાંઓ એકબીજા ગામ પાસેથી વધારાની જરુરીયાતો પૂરી કરી લેતાં. જો કે આ સહજીવનમાં સાવ નાણાંનું મહત્વ ન હતું એવું નથી. ચલણ તો હતું પણ તેની અગત્યતા આજના જેટલી ન હતી. વિકાસની ઉલટી અસરો ગામડાંઓ પર પડી, પશ્વિમના ઔદ્યોગીકરણના રસ્તે આપણે ઝડપી વિકાસની લાયમાં દોટ મુકી. જેમાં ગામડાંઓ રહી ગયાં, આઝાદી બાદ આવેલી સરકારોએ ઉદ્યોગો પર ધ્યાન કેન્દ્રીત કર્યું, ખેતી અને ગામડાંઓમાં ચાલતા ઉદ્યોગો તેમના મને વિકાસના સાધનો ન હતાં. ખેતી અને ગામડાંના નાના ઉદ્યોગો એક સમયે ભારતની 60 ટકા પ્રજાને રોજગારી પૂરી પાડતા જે હાલની આ ઔદ્યોગીક વસાહતોની તાકાત નથી.
કઈ રીતે ગામડાંઓ ધીમે ધીમે પરાવલંબી થયા તેની વાત પછી ક્યારેક. 


Sunday, 13 September 2015

લુપ્ત થતું ગામ-2: વિસરાતી જતી વિરાસત, ભજન અને કિર્તન મંડળીઓ

આવનારા વર્ષોમાં કદાચ ભજન અને કિર્તન મંડળીઓથી લઈને રામામંડળો, હુડા, રાસ અને પ્રાદેશીક નૃત્યો ઈતિહાસ બનીને રહી જાય તો નવાઈ નહિં.



શંકરના મંદિરે પહોંચ્યાં બાદ મંદિરના પ્રાંગણમાં કિર્તનની રમઝટ
લોકકળાઓ, લોકનૃત્યો, લોકગીતો, લોકવાર્તાઓની વિસરાવાની વાતો આપણે સાંભળવા મળે છે. નવી આવનારી પેઢી ધીમે ધીમે તેનાથી વિમુખ થતી જઈ રહી છે. એકદમ ઝડપથી આગળ વધતા યુગમાં જેમને પણ ટેક્નોલોજીનો સહારો નથી મળ્યો તે ધીમે ધીમે આવનારી પેઢીથી અળગાં થઈ રહ્યાં છે. ભવાઈના નામથી બધા જ પરીચીત હશે. ખાસ કરીને ગુજરાતમાં ભવાઈને બચાવવાના પ્રયત્નો હાથ ધરાયા, ભવાઈ વિસરાવાનું દુઃખ ચોકક્સ જ હોય પરંતુ તેની સાથે સાથે એટલી જ મહત્વની અન્ય મંડળીઓ કે મંડળો નામશેષ થઈ ચુક્યાં છે તેની મોટાભાગના લોકોને ખબર જ નથી તેનું વિશેષ દુઃખ છે.

મોટેભાગે સૌરાષ્ટ્રના ગામોમાં આજથી પચાસેક વર્ષ પહેલાં લગભગ મોટાભાગના ગામોમાં ભજન મંડળીઓ કે કિર્તન મંડળીઓ હતી. જે સંગઠીત ન હતી, ગામમાં જે લોકોને ભજન કે કિર્તન ગાતા આવડે અથવા કોઈ વાદ્ય વગાડતાં આવડે તે મંડળીમાં યોગદાન આપી શકે. બાકીના ગામના બધા જ લોકો મંડળીની સાથે હોય. જેમાં વાર-તહેવારે બધા ભેગા થઈને ભજન કે કિર્તન કરે.જેમાં વાર-તહેવારે બધા ભેગા થઈને ભજન કે કિર્તન કરે. કિર્તનમાં મોટે ભાગે ભગવાન કૃષ્ણના જીવન, તેમના સંદેશ અને તેમની રાસલીલા અંગેની વાતોને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે.ભજનો અંગે મોટા ભાગના લોકો પરિચીત જ છે. જન્માષ્ટમી, દિવાળી, શિવરાત્રી, હોળી-ધૂળેટી, રામનવમી જેવા પ્રસંગો કે ગામડાઓમાં અન્ય ધાર્મિક પ્રસંગોપાત આ મંડળીઓ દ્વારા કિર્તન કે ભજનો કરવામાં આવતાં. આ મંડળીઓ નાટક ગૃપ્સની જેમ પ્રોફેશનલ નહોતી, અન્ય ગામમાં પણ જો ગાવા જવાનું થાય તો પણ તેના માટે કોઈ ફિ લેવામાં આવતી ન હતી. સૌરાષ્ટ્રમાં કોઈ વ્યક્તિ મોટી ઉંમરે મૃત્યુ પામે (આશરે 85ની આસપાસ) તેની પાછળ પણ ભજનો ગવડાવવાની પરંપરા છે. લાંબુ જીવીને મૃત્યુ પામનારના મોતને ઉત્સવના રૂપે જોવામાં આવે છે. આવા પ્રસંગોમાં પણ આ મંડળીઓ ભજનો કે કિર્તનો કરતી. કોઈ ધાર્મિક પ્રસંગે આવી મંડળીઓ દ્વારા કાર્યક્રમ થાય તો તેમાં આવતા રૂપિયા ગૌશાળા કે કોઈ સામાજીક કાર્ય માટે ઉપયોગમાં લેવામાં આવે છે. મંડળીમાં રહેલા સભ્યોને કોઈ મહેનતાણું ચૂકવાતું નથી.

હાલ મોટાભાગના ગામમાં આ મંડળીઓ મૃતઃપ્રાય અવસ્થામાં છે તો અમુક ગામોમાં તે હવે નામશેષ થઈ ચૂકી છે. ઘણા ભજનો કે કિર્તનોમાં ઇતિહાસથી લઈને સમાજજીવન અંગેની વાતોને પણ સાવ આસાનીથી કહી દેવામાં આવતી. કિર્તન કે ભજનને બહાને આખું ગામ ભેગું થતું, તહેવારો ઉત્સાહથી ઉજવાતા અને એકબીજા પ્રત્યેના નાના ભેદભાવો મટી જતા આ લખનારે પણ જોયા છે. ભજન-કિર્તન મંડળીઓના બહાને ગામની
ગામના ચોરેથી શંકરના મંદિરે જતી કિર્તન મંડળી
આવનારી પેઢી પરંપરાગત વાજીંત્રો, લોકનૃત્યો, લોકગીતો, લોકવાર્તાઓ અને સામજીક જીવનના પાઠ શીખતી.

હાલના સમયમાં આ બધું હવે આઉટડેટેડ ગણાવા લાગ્યું છે. ભજન અને કિર્તન મંડળીઓનું સ્થાન હવે ગણપતિ મંડળો અને ક્રિકેટ ટીમોએ લઈ લીધું છે. હાલ મધ્યાહને તપી રહેલા ગણપતિ ઉત્સવે ગામે ગામેમાં મોટાઘોંઘાટો સાથે સ્થાન લીધું છે અને તેની કમાન હવે આજની નવી પેઢીના હાથમાં છે. કર્ણપ્રિય અને ઘોંઘાટ રહિત લાઉડસ્પિકરો વિના વગાડી શકાતા વાજીંત્રોનો અવાજ હવે આજના ઉત્સવોમાં ક્યાંક ક્યાંક જાણે બૂઝાતા દીવાની જેમ સંભળાઈ રહ્યો છે. ટેક્નિકલ ભાષામાં કહો તે ફેડઆઉટ થઈ રહ્યો છે.

આ સિવાય, ગામમાં નાટક કરતાં મંડળો, રામદેવ પીરના જીવનને દર્શાવતા રામામંડળો, પરંપરાગત રાસ(આજના રાસ અને ગરબા નહિં), હુડો અને કૃષ્ણના જીવન પર આધારીત મંડળીઓ(જેમાં કૃષ્ણ અને ગોપીઓના પોશાકમાં સજ્જ થઈને નૃત્યો સાથે કિર્તન દ્વારા ભગવાન કૃષ્ણના સમગ્ર જીવનને દર્શાવવામાં આવે છે. જેને ઊભી મંડળીઓ કહે છે. જ્યારે બેઠી મંડળીઓમાં બેસીને કિર્તન ગવાય છે તેમાં પોશાક ધારણ કરવાના હોતા નથી.) લગભગ વિસરાઈ ચૂક્યાં છે.

નોંધઃ સૌરાષ્ટ્રમાં હજી જામનગર પંથકમાં ઊભી રાસમંડળીઓ જોવા મળે છે. પરંતુ તે તેના મૂળરૂપમાં રહી નથી.






Thursday, 11 June 2015

લુપ્ત થતું ગામ-1: ગામડાંની રમતો, સહજીવન, સામાજીક એકતાના પાઠથી નામશેષ થવાના માર્ગ તરફ

લુપ્ત થતી જઈ રહેલી ગ્રામિણ રમતો, ગામડાંની રહેણીકરણીમાં આવી રહેલા  અતિ ઝડપી બદલાવનું પ્રતિક બની રહી છે.  





ભારત અત્યારે ગાંધીજીના સ્વાવલંબી ગામડાની પરીકલ્પનાથી વિરુદ્ધ દિશામાં જઈ રહ્યો છે. ધીમે ધીમે ગામડાં ભાંગતા જાય છે. શહેરીકરણ અતિ ઝડપે વધી રહ્યું છે. મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં રોજ હજારો માણસો ઠલવાય છે. જેણે અર્બન પ્લાનિંગ જેવી રૂપાળી દિશાઓ ખોલી આપી છે. ગામડાંને સ્વાવલંબી નહિ, ત્યાં માત્ર રોજગારીની તકો ઊભી કરી શકીએ તો પણ ઘણું છે. એક ગામ ધીમે ધીમે ઉજ્જડ બને એટલે માત્ર લોકો જ નથી જતાં. એક સંસ્કૃતિ, ઇકોનોમીની એક સિસ્ટમ, પરંપરાઓ, સબંધો, વર્ષોથી ચાલતો સહવસવાટ આ બધું લુપ્ત થાય છે.

આજે આપણે ગામડામાં રમાતી અને હવે ભાગ્યે જ જોવા મળતી રમતો વિશે જરા વાત કરીશું. આ રમતો ગામડાંના યુવાનો, કિશોરો અને બાળકોને શારીરિક રીતે સક્ષમ બનાવાનું કામ કરતી. સૌથી પહેલાં સાંભળે આંબલી પીપળી અને કબડ્ડી. આ બંને રમતો અંગે મોટા ભાગના લોકો જાણતા હશે. કિશોરાવસ્થામાં આ બંને મારી અતિ પસંદ રમતો. ગામ કે ખેતરમાં આવેલા મોટા વૃક્ષો પર ઝપાટાભેર ચડવાનું, ઊંચી ડાળ પરથી નીચે કુદકો મારવાનો, એક ડાળ પરથી બીજી ડાળ પર વાંદરાની જેમ લટકતા જવાની મજા હવે ક્રિકેટ કે લોન ટેનિસમાં પણ નથી આવતી. કબડ્ડીએ તો હવે ગ્લોબલ અને ગ્લેમરસ બંને સ્વરૂપ ધારણ કર્યા હોવાથી એના વિશે લખવાની કોઈ જરૂર નથી રહેતી. સ્કુલ, કોલેજ, કબડ્ડી સ્પર્ધાઓમાં અને હોળી પર કબડ્ડી ખુબ રમ્યો છું.

ગામડે અમે નાનપણમાં ઘરગોખલેથી રમતો રમવાની શરૂઆત કરતા, સમજણ પણ જ્યારે ના આવી હોય એવા સમયે એટલે કે પાંચેક વર્ષની ઉંમરે અમે અમારી કલ્પનાના ઘર બનાવતાં. ખેતર, ઝરણાં, ગામની ભાગોળ કે ફળીયામાં અમે ઘર ઘર(ઘર ગોખલે) રમતાં. ત્યારે કરોડાના બંગલા કે લાખોના ફ્લેટ્સની ચિંતાઓ ન હતી. માત્ર ધૂળમાં પાળીઓ બનાવીને નાની એવી જગ્યામાં ઘર બનાવી એમા ઢીંગલાં-ઢીંગલીં મુકી રમતા. એમા લગ્નોથી લઈ મેળા અને તહેવારોની ઉજવણી પણ કરી લેતાં. 

થોડા મોટા થયાં બાદ આવતી ચકરડાંની રમત. ધૂળમાં મસ્ત ચકરડાં હાથેથી દોરવાનાં, ધૂળ ખસેડી સુંદર લાગે તેવો ગોળ આકાર આપવાનો. એમાં એક દાણ હોય એટલે કે નાનો પથ્થર હોય. એ દાણને વારાફરતી ચકરડાંઓમાં નાખી, એક પગે એટલે કે લંગડી કરીને ચકરડાં પસાર કરવાનાં દાણ વાળું ચકરડું કુદી જવાનું. સાવ સાદી આ રમત અમે એકધારી કલાકો સુધી રમતાં. મને આ રમતનું માત્ર અમારા વિસ્તારમાં જ બોલાતું નામ ખબર છે, અન્ય વિસ્તારોમાં અલગ પણ કહેવાતું હશે.  

સંતાકુકડી અને પડક દાવ અમે શાળાની રીસેસમાં લગભગ દરોરજ રમતાં. ગામની ગૌશાળાની પાળીઓ પકડ દાવ માટે અનુકુળ હતી, તો સંતાકુકડી માટે ગામની અનેક જગ્યાઓ હતી, જેમાં કોઈના ઘરથી માંડીને મંદિરો આ રમતના આશ્રય સ્થાનો હતાં. સંતાકુકડીનું અમારું દેશી નામ થપ્પો દા હતું. આ થપ્પો દાની જરા સુધરેલી આવૃતિ એટલે ડબલું ડુલ, જેમાં એક પતરાંનું નાનું ડબલું (અમુલ ઘીના એક કિલોના ડબ્બા જેવું ડિટ્ટો) રાખતા, જેનો ઘા કરવાનો, દાવ આપનાર એ ડબલું લઈને આવે ત્યાં સુધીમાં બધાં સંતાઈ જાય. દાવ આપનાર જે જે લોકોને જુએ એના નામનું ડબલું ડુલ કરતો જાય. દા.ત. રમેશનું ડબલું ડુલ, રમેશ પેલી પાળી પાછળ છે, બહાર નિકળ. મને ડબલા ડુલ જેવી સુધરેલી આવૃતિમાં જ મજા આવતી.  

ફુસલી અને છુટ અથવા માર દડે આ બંને રમતોમાં ચિથરાંમાંથી બનેલો દડો અથવા રબ્બરનો દડો વાપરી શકાતા. ત્યારે ટેનિસનો બોલ હજી અમારા પૂરતો આવિષ્કાર થયો ન હતો. લોન ટેનિસ વિશે ગામમાં પણ કોઈ જાણતું ન હતું. ફુસલી એટલે નારગૉલ. જેમાં સાત પથ્થરો રાખીને તેને પાડવાની. ફુસલી નામ જ જુદું છે, બાકી નારગૉલ વિશે લગભગ લોકોને ખયાલ હશે જ. માર દડો નામ જ કોઈને મારવાની વાત કહે છે. આ રમતમાં એક નિયંત્રિત કરેલા વિસ્તારમાં છુટો મારેલો દડો ખમી શકે અને ઘરે જઈને મમ્મીને ફરીયાદ ના કરે એવા છોકરાને જ રમાડવાના. આપણાંમાં તાકાત હોય એટલા જોરથી દડો મારવાનો. જ્યારે રબ્બરના દડાનો ઉપયોગ થાય ત્યારે રણજીના બધા ખેલાડીને આંતરરાષ્ટ્રીય ટીમમાં સ્થાન ન મળે, એમ ચિંથરાના દડાથી રમતા ખેલાડીઓની પણ પસંદગી કરવામાં આવતી. મોટેભાગે અમે ગૌશાળાની અંદર રમતા જેથી બહાર ભાગીને જઈ શકાય નહીં. એટલે માર ખાવાનો જ. 

ગિલ્લી દંડો અને ગોટીઓની રમતો, માત્ર બે કે ત્રણ લોકો હોય તો પણ રમી શકાતી. ગિલ્લી દંડાને અમે મોઈ દાંડિયો અને ગોટીઓને અમે ઠેરીએ રમવાનું નામકરણ કરેલું. ચોમાસું આવવાના થોડાં દિવસોની વાર હોય તે દિવસોમાં અમે ભરમડે રમતા. જેને અમે તળપદી અમારી બોલીમાં ગરીયે રમીએ એમ કહેતા. જાળી વિંટાળીને એક બીજાના સાથે ભરમરડા ફેરવવાની કળા પણ શીખવા જેવી છે.

મલ કુસ્તી અને બથ કબડ્ડી, આમ તો બંને કુસ્તીને મળતા જ આવે છે. પરંતુ તેમાં નિયમો કુસ્તીથી અલગ હોય છે. આ બંને યુવાનોની રમતો છે. જે વાર તહેવારે ભરાતા મેળામાં કે ઘણા ગામો સાથે મળીને કોઈ પ્રસંગ ઉજવે ત્યાં રમાય છે. ગામડાંના લોકો વચ્ચે બે બળીયા બાથે વળગે છે. કુસ્તીમાં પીઠ જમીનને અડકી જાય તે સ્પર્ધક હારી જાય. જેમાં રેફરી જેવું હોતું નથી. મોટેભાગે ત્યાં હાજર રહેલા લોકોમાંથી પીઢ લોકો જ નિર્ણય લઈ લે છે અથવા હારેલો ઉમેદવાર સ્વંય સ્વીકારી લે છે. કુસ્તીમાં જેમ નંબર વન જેવી સ્કીમ હોય છે તેમ ગામડે ગામડે બથ લેનારા પંકાયેલા હોય છે. વર્ષો પહેલા એવા પણ કિસ્સા હતા કે મેળામાં બથ કબડ્ડી કે મલ કુસ્તીમાં ગામનું નામ રોશન કરે એવા સંભવિત ઉમેદવારોને ખાસ ખોરાક અને ટ્રેનિંગની સુવિધા પણ કરી આપવામાં આવતી. જેથી અનેક ગામો વચ્ચે થતી બાથ્થંબથ્થીમાં ગામનું નાક ના કપાય જાય. 

આવી અનેક રમતો છે કે જે ગામડાંમાં બાળકો, કિશોરો અને યુવાનોમાં શારીરિક સૌષ્ઠવ ખિલવતી. શારીરિક રીતે સક્ષમ કરવાની સાથે આ રમતો નાનપણથી જ એક પ્રકારનું સહજીવન અને સામાજીક એકતાના ગુણ શિખવતી. જો કે હવે ટી.વી. આવ્યા બાદ ગામડાંમાં સીધી જ ક્રિકેટની રમત આવી. ક્રિકેટે એકસાથે આ બધી રમતોને રિપ્લેસ કરી દીધી. માત્ર બેસીને નવરાશના સમયમાં રમી શકાય એવી રમતો વિશે હવે પછી વાત. 

નોંધઃ દરેક પ્રદેશ અને વિસ્તાર પ્રમાણે અલગ અલગ રમતો હોય છે. મારા વિસ્તારમાં રમાતી અને મને જાણમાં છે એટલી જ રમતોનું મે વર્ણન કર્યું છે. 

Tuesday, 21 April 2015

આકાશવાણી યુગ : ક્રિકેટ થી લઈને સમાચાર સુધીની સફર

'એક ઝાડ માથે ઝુમખ્ખડુંઝુમખ્ખડે રાતા ફુલ રેભમ્મર રે રંગ ડોલરીયોહોય કે 'હાલોને કીડીબાઈની જાનમાંજેવા લોકગીતોનો રસાસ્વાદ એ સમયે માત્ર આકાશવાણીએ કરાવ્યો હવે ક્રિકેટ જોવાનો કંટાળો આવે છે ત્યારે ક્રિકેટ સાંભળની મજા આવતી.



નાનપણમાં જ સૌરાષ્ટ્ર અને કચ્છની સંસ્કૃતિનો પરિચય કરાવાનું અને તેના પ્રત્યે ખાસ લગાવ ઊભો કરવાનું શ્રેય રેડિયોના ફાળે જાય છે. લોકગીતો, લગ્નગીતો, બાળગીતો, જોડકણાં, વાર્તાઓ, પ્રાદેશીક માહિતી, પહેરવેશ, બોલી, પ્રાદેશીક સંગીત અને ભજનો આ બધાનો ઊંડાણથી તો નહીં પરંતુ ઠીકઠીક પ્રમાણમાં પરિચય આકાશવાણીએ બાળપણમાં જ કરાવી દીધો હતો. જ્યારે હું ઝવેરચંદ મેઘાણી વિશે તેમના નામ સિવાય કશુ જ જાણતો પણ ન હતો ત્યારે મે રેડિયો પર તેમની નવલકથા 'વેવિશાળ' સાંભળી લીધી હતી. કચ્છની સંસ્કૃતિ અને તેમના પ્રાદેશિક સંગીત વિશે અને કચ્છી બોલી પ્રત્યે આકર્ષણ ઊભું કરાવનાર આકાશવાણી ભૂજને યાદ કરવું જ રહ્યું. ભૂજ સ્ટેશન પરથી પ્રસારિત થતો કાર્યક્રમ 'કુંજલ પાંજે કચ્છ જી' મારો ફેવરીટ હતો. કેમ કે તેમાં ત્યાંના સ્થાનિક કલાકારોના ગીતો, સંગીતો અને વાતો રજૂ કરવામાં આવતી હતી. સમગ્ર કાર્યક્રમમાં કચ્છી બોલીની મિઠાસ છલકાઈ આવતી. ખાસ સ્મૃતિમાં નથી, પરંતુ કદાચ આ કાર્યક્રમ કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા તૈયાર કરવામાં આવતો હતો. કચ્છી બોલી વધારે સમજાતી નહોતી પણ મીઠી લાગતી હતી. હજી પણ મને કચ્છી બોલી જેટલી એકપણ બોલી મીઠી નથી લાગતી. કચ્છ અને મેઘાણી પ્રત્યે વિશેષ લાગણી કંઈક અંશે આકાશવાણીને આભારી છે.

'એક ઝાડ માથે ઝુમખ્ખડું, ઝુમખ્ખડે રાતા ફુલ રે, ભમ્મર રે રંગ ડોલરીયો' હોય કે 'હાલોને કીડીબાઈની જાનમાં' જેવા લોકગીતોનો રસાસ્વાદ એ સમયે માત્ર આકાશવાણીએ કરાવ્યો. હાલમાં અનેક માધ્યમો દ્વારા આ લોકગીતો સાંભળી શકાય એમ હોવા છતાં હવે એ લગભગ સંભળાતા બંધ થયા છે. કવિ દુલાભાયા કાગ, હેમુ ગઢવી, ઝવેરચંદ મેઘાણી જેવા મહાનુભાવો પ્રત્યે જાણવાની તાલાવેલી આકાશવાણીના કાર્યક્રમોને કારણે ઊદભવી એવું માનવામાં મને લેશમાત્ર શંકા નથી. લોકવાર્તાઓ, લોકસંગીત, સુગમ સંગીત, લોકગીત, ભજનો અને સાથે હિન્દી ફિલ્મી ગીતોની કોકટેઈલ આકાશવાણીએ અવાજ દ્વારા પીવડાવી.

હવે થોડી વાત ક્રિકેટના આંખે દેખ્યા અહેવાલની એટલે કે ક્રિકેટની રેડિયો કોમેન્ટ્રીની. 1982 બાદ દેશમાં કલર ટેલિવિઝનની શરૂઆત ઈન્દિરા ગાંધીના શાસનકાળમાં થઈ. જો કે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવીને પણ અમારે ત્યાં ગામડાંમાં પહોંચતા એશિયાડ પછી પણ 15થી વધુ વર્ષનો સમય લાગ્યો. ગામમાં કોઈ એક શ્રીમંત વ્યક્તિના ઘરે એન્ટેના વાળું ટીવી આવ્યું હોય તે અમારા માટે માત્ર વાત કરવા સિવાય કોઈ કામમાં આવે તેમ હતું નહિં. હાલ આપણે ક્રિકેટની મેચ કલર ટીવી, એલઈડી કે સિનેમા ઘરમાં જોઈએ છીએ. 1996 બાદ મે રેડિયો પર ક્રિકેટ કોમેન્ટ્રી સાંભળવાની શરૂઆત કરી. ભારત અને પાકિસ્તાન વચ્ચે શારજાહમાં રમાતી મેચ હોય કે ઈંગ્લેન્ડ સામેની લોર્ડસમાં રમાતી મેચ હોય માત્ર કોમેન્ટ્રી દ્વારા તેની મજા માણવાનો લ્હાવો કંઈક અલગ હતો. સિક્સ હોય કે ફોર અમે તેની તિવ્રતા માત્ર અવાજના આધારે કલ્પી છે. 'ઔર એ લગા ડાબર ચ્વનપ્રાસ ચૌકા' ડાબર વાળા એ સમયે રેડિયો કોમેન્ટ્રીમાં આ રીતે જાહેરાત કરતા. 'શ્રીનાથ બોલિંગ કે લીયે તૈયાર, સામને ઈન્ઝમામ-ઉલ-હક, શ્રીનાથ બોલિંગ કે લીયે જા રહે હૈ, એ શોર્ટ પીચ બોલ, હકને સન્માનજનક રીત સે આગે આકે સીધા ખેલા, બોલ સીધી ગઈ શ્રીનાથ કે હાથ મે, કોઈ રન નથી.' ભારતની જીત હોય કે હાર કોમેન્ટ્રી સાંભળવાની મજા આવતી. હવે ક્રિકેટ જોવાનો કંટાળો આવે છે ત્યારે ક્રિકેટ સાંભળની મજા આવતી. જ્યારે ક્રિકેટની કોમેન્ટ્રી આવવાની હોય ત્યારે મેચના સમય દરમિયાનના આકાશવાણી પરના બીજા બધા કાર્યક્રમો રદ્દ થઈ જતા. ઘણી વાર મનપસંદ કાર્યક્રમ અઠવાડિયામાં એકવાર આવવાનો હોય અને એ પણ ક્રિકેટને કારણે રદ્દ થાય તો રેડિયો સ્ટેશન પર બહુ જ ગુસ્સો આવતો.

હવે થોડી વાત ઑલ ઈન્ડિયા રેડિયો પરથી પ્રસારીત થતા સમાચારો અંગે. દરરોજ સાંજે વાળુ (ડિનર) કરતી વખતે દિલ્હીથી પ્રસારીત થતા ગુજરાતીમાં સમાચાર સાંભળવાનો જાણે નિત્યક્રમ થઈ ગયો હતો. આકાશવાણી દિલ્હીથી પ્રસારીત થતા સમાચારો સાથે આજે પણ નાતો જળવાઈ રહ્યો છે. હવે રેડિયો સેટ તો નથી પણ ઈન્ટરનેટ પર AIR NEWSની વેબ પરથી સાંભળું છું. જો કે હવે તેનું સાતત્ય જળવાતું નથી. સૌથી શુદ્ધ ઉચ્ચારણો અને સરળ રીતે સમગ્ર ઘટના અંગે માહિતી આપવાની સચોટતા માત્ર ઓલ ઈન્ડિયા રેડિયો પાસે જ છે. આશુતોષ જૈન, નિલિમા, ક્લેયર નાગ, આશા નિવેદિ હોય કે બીજા સમાચાર વાચક, માત્ર તેમના અવાજ પરથી જ નામની ખબર પડી જતી. 'પ્રસ્તુત હૈ સમાચાર પ્રભાત'ની ટેગલાઈનથી શરૂ થતા સમાચારો આપણે દેશ-દુનિયાની ઘટમાળ અંગે ટુંકમાં સચોટ માહિતી આપે છે. આ બધામાં ઓલ ટાઈમ ફેવરીચ સરીતા બરારા. આજે તેમની ઉંમર કેટલી હશે તેની ખબર નથી, પરંતુ મારી કિશોરાવસ્થામાં તેમના અવાજે મારા પર રીતસરનો કબ્જો જમાવ્યો હતો. અનેક એવી સવારો હતી જેમાં માત્ર તેમના રિપોર્ટસ સાંભળવા માટે જ હું સમાચારો સાંભળતો.


અમારા માટે ગામડાંમાં રેડિયો મનોરંજન અને માહિતી માટેની બેવડી ભૂમિેકા ભજવતો. રેડિયો જાણે અમારી સાથે ઘરમાં જ વસતો, તેના વિના ચાલે નહિં. રેડિયો બગડે તો જાણે દિવસ બગડે. હાલના એફએમ પર આવતા આર.જે.ના અવાજો હવે આકર્ષિત કરી શકતા નથી. આર. જે.ના અવાજ મને માત્ર મનોરંજન માટે વગાડાતા બોલિવૂડના ઘોંઘાટીયાં સંગીત જેવા લાગે છે. જો કે હવે એ યુગમાં પરત ફરી શકાય એમ નથી. આકાશવાણી હવે ફરી તેના સુવર્ણયુગમાં પરત ફરે એવી કોઈ શક્યતા હાલમાં તો દેખાતી નથી. બસ હવે એ દિવસોને યાદ કરીને આકાશવાણીની આ સભાને અહિં જ વિરામ આપીયે

Saturday, 18 April 2015

આકાશવાણી યુગ : મારા બાળપણનાં રેડિયો સાથેના સંસ્મરણો.

નાનપણમાં આકાશવાણી સાથે જોડાયેલાં કેટલાંક સ્મરણો કે જે ક્યારેય પણ ભૂલી શકાશે નહિં, રેડિયોએ ભજવેલી માહિતી અને મનોરંજનની બેવડી ભૂમિકાની કેટલીક યાદગાર વાતો. 


આકાશવાણીનું નામ સાંભળતા જે રોમાંચ થાય છે, તે હવે એફ. એમ. રેડિયો કે ટેલિવિઝનનું નામ સાંભળતા નથી થતો. આકાશવાણી શબ્દ હજી પણ ક્યાંક નાનપણનાં સ્મરણોમાં ખેંચી જાય છે. સામે જાણે સરકી ગયેલો સમય આવીને ફરીથી ઊભો રહે તેવો અહેસાસ થાય છે. ટેલિવિઝન, ઈન્ટરનેટ અને સ્માર્ટફોનના યુગમાં જન્મેલી પેઢીને કદાચ આકાશવાણીની જાહોજલાલી અને લોકો સાથેનો તેનો કેવો નાતો હતો તે નહીં સમજાય. મેં રેડિયોનો મધ્યાંતર તો નહીં પરંતું તેનો ઉતરાર્ધ યુગ જીવ્યો છે. દરજીની દુકાનથી લઈને ગૃહિણીના કિચન સુધી, શાળામાં શિક્ષક પાસે મેચની કોમેન્ટ્રીથી લઈને ખેતરના શેઢે ભજન સાંભળતા ખેડુત સુધી આકાશવાણી પહોંચેલું હતું. બાળકોના કાર્યક્મો, સમાચાર, ખેતી વિશેની માહિતી હોય કે બોલિવૂડના ગીતો, યુવાનો હોય કે વડીલો દરેક માટેના કાર્યક્રમો આકાશવાણી પ્રસારિત કરતું. હવે સ્માર્ટફોનના યુગમાં રેડિયોનો એ યુગ ફરી જોવા મળવાનો નથી.

સૌરાષ્ટ્રનાં ગામડાંમાંથી આવતો હોવાથી મે આકાશવાણી રાજકોટ, આકાશવાણી ભૂજ અને વિવિધ ભારતી રેડિયો સ્ટેશનોનાં કાર્યક્રમોને ભરપૂર માણ્યાં છે. સવારે આકાશવાણી રાજકોટ પર આવતા ભજનોથી અમારા ગામડાંની સવાર પડતી. હેમંત ચૌહાણ, દિવાળીબેન ભીલ હોય કે પ્રફુલ્લ દવેને (બીજા પણ ઘણાં કલાકારો)માત્ર તેમના અવાજથી અમે ઓળખી લેતા. આ બધા કલાકારોને જોવાનો મોકો તો તે બાદ ઘણા સમયે જુદી જુદી જગ્યાઓએ યોજાયેલા ડાયરાઓમાં મળ્યો. જો કે પહેલા જ આકાશવાણીએ અમને તેમના ચાહકો બનાવી દીધેલાં. રેડિયોની સભા શરૂ થાય તે પહેલા ટુંટુંટું.... ના અવાજ બાદ વાગતી ઓપનિંગ મ્યુઝિક ટ્રેક પણ સાંભળવાની મજા હતી. સવારે નવ વાગ્યે વિવિધ ભારતી પર આવતાં નવા ફિલ્મી ગીતો વેકેશનની સવાર જાણે સુમધુર કરી દેતાં. મારો એ મનપસંદ કાર્યક્રમ હતો. સાથે સાથે જ આકાશવાણી ભૂજ પર સૌપ્રથમ શરૂ થયેલો કાર્યક્રમ 'ફોનઈન આપની પસંદ' સુપરહિટ સાબિત થયો. અનેક લોકોનો આ મનપસંદ કાર્યક્રમ હતો. રવિવારે પ્રસારિત થતા આ કાર્યક્મમાં ગુરૂવારે નિર્ધારીત થયેલા સમયે ફોન કરીને આપણે સાંભળવું હોય એ ગીતનું નામ કહેવાનું અને આપણા નામના સાથે મિત્રોના નામ પણ કહેવાનાં. મહિનાઓ સુધી ફોન લાગવાની રાહ જોઈ છે આ કાર્યક્રમ માટે, રવિવારે આ કાર્યક્રમ ફોન પર રેડિયો ઉદઘોષક સાથે થયેલી વાતચીત સાથે પ્રસારીત કરવામાં આવતો. જેમાં આપણે કરેલી વાતચીત અને આપણું મનગમતું ગીત સાંભળવા મળતું. હાલ સ્માર્ટફોન કે ટેલિવિઝન પર વાગતાં ગીતોમાં મને આકાશવાણી પર આવતાં ગીતો જેટલી મધુરતાનો અહેસાસ થતો નથી. વિવિધ ભારતીનો 'સખી સહેલી' કાર્યક્રમ હોય કે આકાશવાણી રાજકોટ પરથી પ્રસારીત થતો રવિવાર અથવા ગુરૂવારનો મહિલાઓ માટેનો કાર્યકર્મ હોય, મે ગામડાંઓમાં અનેક અભણ મહિલાઓને આ સાંભળતી જોઈ છે. આ કાર્યક્રમોએ ગામડા્ની મહિલાઓને પત્ર લખતી કરી, તેના દ્વારા તેની વાત કે સમસ્યાઓ અંગે બોલતી કર્યાના દાખલા પણ જોયા છે. એટલે કે ખરા અર્થમાં મહિલા સશક્તિકરણ.

રેડિયો સાથે ખાસ લગાવ છે એટલે કે કેમ, તે તો ખબર નહિ પરંતુ રેડિયો પર પ્રસારીત થતી ખાસ વ્યક્તિ સાથેની મુલાકાતો (ઇન્ટરવ્યૂ)માં જે ડેપ્થ હતી એ હાલના ટી.વી. પર આવાતા ઇન્ટરવ્યૂમાં જોવા મળતી નથી. જૂના ફિલ્મો અને તેના ગીતોનો પહેલો પરિચય મને બપોરે જવાનો માટે પ્રસારિત થતા કાર્યક્રમ 'જયભારતી'એ કરાવ્યો. હાલ પણ એ સમયે રેડિયો પર સાંભળેલું અને મારી કલ્પનાશક્તિ મુજબ કોરિયોગ્રાફ કરેલું કોઈ 50 કે 60ના દશકાનું ગીત ટીવી પર જોવા મળે છે ત્યારે ક્યારેક નિરાશા થાય છે. રેડિયો પર એ સમયે સાંભળતી વખતે સંગીતની સુમધુરતા માણવા મળતી એ જ ગીત ટીવી પર ફિક્કુ પડી જતું લાગે છે. રેડિયોએ લોકોની કલ્પનાશક્તિ ખિલવવામાં બહુમુલ્ય ફાળો આપ્યો છે. યુવાનો માટેનો કાર્યક્રમ યુવવાણી હોય કે મોટેરા માટેનો કાર્યક્રમ ઝાલરટાણું હોય ઘરના દરેક સભ્યો માણી શકે તેવી તેની રૂપરેખા હતી. આકાશવાણીના કેટલાક કાર્યક્રમનાં ઓપનિંગ્સ હજી પણ યાદ છે. જેમ કે આકાશવાણી રાજકોટ પરથી પ્રસારીત થતા કાર્યક્રમ ઝાલરટાણાની શરૂઆતમાં બોલવામાં આવતું કે 'પ્રોઢાવસ્થા વટાવીને પાકટતાની વયે પગ મુકનારા મુરબ્બીઓ માટેનો કાર્યક્રમ એટલે ઝાલરટાણું ' અને ત્યારબાદ તેની ઝીંગલ વાગતી 'થઈ ગયું ઝાલરટાણું રે મનવા ઝાલર ટાણું'. ગામનો ચોરો કાર્યક્રમ અમારે ત્યાં ગામડામાં ખુબ જ લોકપ્રિય હતો. તેમાં ખેતી અંગેની ઋતુ અનુસાર અગત્યની માહિતી આપવામાં આવતી હતી. ગામમાં મોટાભાગના ઘરે આ કાર્યક્રમ સાંભળવામાં આવતો. આ કાર્યક્રમનું સંચાલન કરનાર વ્યક્તિનું નામ ભુલી ગયો છું, પરંતું તેની શરૂઆત હજી યાદ છે. આપણે જાણે ગામના ચોરા પર બેઠા હોઈએ અને કોઈ આવીને આપણે કહે એવી રીતે રેડિયો ઉદઘોષક બોલતા 'એ રામ....રામ.... ગીગા,નાજા,હરખા અને સૌ ખેડૂતભાઈઓને મારા રામરામ....રામરામ..' આ લખતી વખતે પણ હજી એ અવાજ અને લહેકો મારા કાનમાં ગૂંજી રહ્યાં છે. ક્યો પાક વાવવાથી લઈને પાકના રક્ષણ અંગેના ઉપાયો, ખેતી નિષ્ણાંતોના ઇન્ટરવ્યુ કે વાર્તાલાપો, ખાતર અને દવા તેમજ પિયત અંગેની સંપૂર્ણ માહિતી ગામના ચોરા કાર્યક્રમમાં આપવામાં આવતી. ગુજરાતના હજારો ખેડૂતો માટે આ કાર્યક્રમ આશિર્વાદરૂપ સાબિત થયો છે. 

બાળકો માટેનો 'અડકો દડકો' કાર્યક્રમનાં સંચાલક રેણુ આંટી જાણે અમારી બાજુમાં જ રહેતા હોય અને જાણે અમને વાર્તા કહેવા કે બાળગીત સંભળાવવા આવવાના હોય એ રીતે અમે તેની રાહ જોતાં. કાર્યક્રમના બીજા દિવસે શાળામાં આ કાર્યક્રમનું ઝીણવટભર્યું વિશ્લેષણ અમે કરતાંસૌથી વધારે ચર્ચા અમે આકાશવાણી રાજકોટ પરથી પ્રસારીત થતી 'જીથરાભાભા'ની વાર્તાની કરી છે. વાર્તા જે દિવસે આવવાની હોય ત્યારે દિવસમાં અનેકવાર તેની વાતો અનાયાસે થઈ જતી. વાર્તા ઘણી વાર સાંભળી હોવા છતાં ક્યારેય કંટાળો આવ્યો ન હતો. ખબર નથી કે એ વાર્તામાં શું હતું પણ વડિલોને પણ મે એ વાર્તા સાંભળતા અનેકવાર જોયા છે. જીથરોભાભો અમારી વચ્ચે રહેતી કોઈ વ્યક્તિ હોય એવી રીતે તેની સાથે લગાવ થઈ ગયો હતો. આ હતો આકાશવાણીના અવાજનો જાદુ.
કેવી રીતે રેડિયોએ સૌરાષ્ટ્ર તથા કચ્છની સંસ્કૃતિ જોડે પરિચય કરાવ્યો તથા સમાચારો અને્ ક્રિકેટ કોમેન્ટ્રી અંગેની વાતો હવે પછીની બ્લોગ પોસ્ટમાં.

15. તમે શું રે કરશો મોલ : લૉક-ડાઉનનાં પ્રણયગીતો

અધુરી આશમાં ઊઘડેલી આંખો ને એમાંથી મંડાતી મીટ વર્ષોની અતૃપ્ત જાગેલી ઝંખનામાં બચેલાં સપનાંના  તમે શું રે કરશો મોલ? ઉંબરની વચ્ચ...