Tuesday, 14 April 2020

15. તમે શું રે કરશો મોલ : લૉક-ડાઉનનાં પ્રણયગીતો



અધુરી આશમાં ઊઘડેલી આંખો
ને એમાંથી મંડાતી મીટ
વર્ષોની અતૃપ્ત જાગેલી ઝંખનામાં
બચેલાં સપનાંના 
તમે શું રે કરશો મોલ?

ઉંબરની વચ્ચે અટવાયેલી ને 
ધરબાયેલી તૃષ્ણાઓ 
ઘરના ખૂણે સંભળાતા રૂદનમાં 
ક્યાંક કોળતી લીલાશના 
તમે શું રે કરશો મોલ? 

હૈયું વલોવતી યાદોની અંદર 
વખવખતી રાતો 
વહેલી સવારે ઊગેલા ઓરતામાં 
દેખાતી સોનેરી સાંજના 
તમે શું રે કરશો મોલ? 

અકળ મનમાં છુપાયેલી 
આછેરી ભોળપ 
પાંજરે બંધ પંખીની પીડામાં
તૂટી રહેલાં બંધનોના 
તમે શું રે કરશો મોલ? 

અબોલ વાણીમાં વહેતી
હર્ષની ધારાઓ 
ઘસાતી હાથની રેખામાં 
બચી ગયેલા ભાગ્યના 
તમે શું રે કરશો મોલ? 

Monday, 13 April 2020

14. કંથ : લૉક-ડાઉનનાં પ્રણયગીતો

શરમાતી બેઠી હું તો ઓરડે 
અંદરથી આડાં કર્યાં કમાડ જો 
કંથ આવ્યા છે મારે આંગણે રે લોલ

અંગે સજ્યા મેં તો શણગાર 
માથે પટોળું પાટણ ભાતનું જો 
કંથ આવ્યા છે મારે આંગણે રે લોલ

પડસાળે પાર્થયા મેં તો ઢોલિયા
માથે પથરાણાં ભાતીગળ ગોદડાં જો
કંથ આવ્યા છે મારે આંગણે રે લોલ

ભાત તે ભાતનાં રંધાયાં ભોજન 
લાપસીની મૂકાયાં છે આંધણ જો 
કંથ આવ્યા છે મારે આંગણે રે લોલ

પ્રેમે તે પીરસી મેં તો લાપસી 
અણધારી અથડાતી એની નજરું જો 
કંથ આવ્યા છે મારે આંગણે રે લોલ

હૈયું મારું થાય હાલક ડોલકને 
મનડામાં છલકાતો ઉમંગ જો 
કંથ આવ્યા છે મારે આંગણે રે લોલ

આંખો શોધે છે એ શ્યામને 
બેઠા એતો હિંડોળા ખાટ જો 
કંથ આવ્યા છે મારે આંગણે રે લોલ
*********************

Friday, 10 April 2020

13. પનઘટની વાટે : લૉક-ડાઉનનાં પ્રણયગીતો




હળવેકથી લીધું મેં બેડલું ને
માથે મેલી ઇંઢોણી રે લોલ 
મારે પનઘટ જાવું 


માથે છે હાંડો, કાખમાં છે ગાગર
સિંચણીયાનો ભાર મારા ખભે રે લોલ 
મારે પનઘટ જાવું 


ડેલીમાંથી ડોક્યાં રે કરતી
ક્યારે દેખાય સહેલીઓનો સાથ રે લોલ
મારે પનઘટ જાવું 


બેડાં રણકે ને ઝાંઝર ઝણકે 
હાથે ચૂડતા ખનકતા રે લોલ 
મારે પનઘટ જાવું 


માથે છે હેલને સામે રે નટખટ 
કેડેથી ચાલ લચકતી રે લોલ 
મારે પનઘટ જાવું 


કૂવાને કાંઠે પનિહારીઓની સાથે 
જોબન સિંચાતાં જાય રે લોલ
મારે પનઘટ જાવું 
***************************************

12. સાયબાને મળવા : લૉક-ડાઉનનાં પ્રણયગીતો



ઓઢી લાલ ચુંદડી, ખનકતે ચૂડલે 
ઘાઘરાની ભાત મારી ઝીણી 
મારે સાયબાને મળવાને જાવું 

જાગીને ઝટપટ, સજી ધજી હું 
દર્પણમાં દીઠું ન દીઠું મેં મુખડું 
મારે સાયબાને મળવાને જાવું 

વાળી અંબોડો ને વેણી મેં ગૂંથી
લલાટે લાલ મૂકી ટીલડી
મારે સાયબાને મળવાને જાવું

હોઠ ગુલાબી ને આંખે કાજળ કીધું 
હળવા તે હાથેથી છાંટી મેં જરી
મારે સાયબાને મળવાને જાવું 

નાકે નથડી, કાને વળગાડી કડી
પગની કાંબીયું જોઈ મેં વળી વળી 
મારે સાયબાને મળવાને જાવું

મુખડું મલકતું ને મનડું થડકતું 
તનમાં છલકતો જાતો તરવરાટ
મારે સાયબાને મળવાને જાવું

વાટુ તે જોતો એ ઊભો તળાવ પાળ 
અધિરી થાતી હું ઓળંગી ફળિયાની વાડ
મારે સાયબાને મળવાને જાવું

***********************************

Thursday, 9 April 2020

11. આપણી પ્રીત : લૉક-ડાઉનનાં પ્રણયગીતો



નદીની ભાગોળે પાંગરેલી આપણી પ્રિતડી
હવે મારગના વળાંકે મળે તો કેવું સારું?

હાથમાં હાથ નાખી સીમાડે બેસતાં
ખુલ્લે પગે ધૂળમાં પગલાં પાડતાં

ભરબપોરે વાતોની ગોફણો છૂટતી
સંતાતી, છુપાતી સાંજ આવતી લપાતી. 

ખાલીખમ હાથોના સ્પર્શે દીધેલી આણો 
હવે મેંદીના રંગે સાચી પડે તો કેવું સારું?

ઝાંઝરના અવાજે  હૈયાં ઝણઝણતાં
ડેલી ખોલીને  પછી દલડાં ડોકાતાં

ફળિયેથી એવી તે નજરું લંબાતી 
અંતરને વછોવીને કાળજે કંડરાતી

પરભવમાં પામવાના દીધેલા કોલ 
આ ભવે જ સાચા પડે તો કેવું સારું?
**************************************

10. અમે પાછાં વળ્યાં : લૉક-ડાઉનનાં પ્રણયગીતો


યૌવનના છલકાતા વૈભવે આપણે મળ્યાં,
પહોંચી વસંતની પાસે, અમે પાછાં વળ્યાં.

ફાગણની ફોરમની જેમ જોબન ઉછળ્યાં,
વૈશાખી વાયરે  હૈયાં દઝાડી, અમે પાછાં વળ્યાં

સંતાતી રાતોમાં અમે એકમેકને જડ્યાં 
ઉગતા પ્રભાતે પહોંચી, અમે પાછાં વળ્યાં 

ખળખળતી નદીના કાંઠે  યૌવન ઉગ્યાં, 
તરસ્યા સીમાડાઓની સંગે, અમે પાછાં વળ્યાં 

ઊભા તા ઓરડા સાવ ખાલીખમ એકલા 
મારગનો સાથ લઈ, અમે પાછાં વળ્યાં 

***************************************

Wednesday, 8 April 2020

9. વેચાતું સપનું : લૉક-ડાઉનનાં પ્રણયગીતો



સાંજ વેચીને મેં સપનાં રે લીધાં
બંધ આંખોએ મેં ઉજાગરા  કીધા

ઘોર અંધારે સૂસવાટા દીઠા ને
દબાતે પગલે અમે કેડા કીધા 

પછીતે પહોંચીને જ્યાં છોગું રે જોયું
ને વંડી પકડીને અમે ડોક્યું કીધું. 

ઝાંપે જાં મેલું હાથ તાં થરથર ધ્રુજતી 
સાંકળની કડીને અછડતું હું અડતી 

ધીરે રે રહીને જ્યાં ધક્કો રે વાગ્યો
કીચડુક અવાજ ને ડેલો જાગ્યો

ઓચિંત ફાળ ને ઝબક હું જાગી
વેંચાતા સપને હું ક્યાં ક્યાં ભાગી?

************************************

8. જાવું રે મેળે : લૉક-ડાઉનનાં પ્રણયગીતો




આજ મારે જાવું રે મેળે 


સહેલી સંગાથે સજ્યા શણગારો 
ને મેં થરથરતાં પગલાં માંડ્યાં 


ઘાઘરાની ઘેર એડીએ ભરાતી
ને પટોળું માંડ માથે રે તું, 


આજ મારે જાવું રે મેળે 


સખીની ચાલ મને ધીમી તે લાગતી
ને મારગ થઈ ગયા લાંબા 


ઉછળતા ઉમંગે  હૈયાનો હરખ 
ને મનડામાં માણીગર મારો 


આજ મારે જાવું રે મેળે 


કેળે કંદોરો, અંગે અંગરખું 
ઊંચી કાઠી ને વળી બાંધો એકવડિયો 


દળાતા દલડાંમાં ડોક્યું કરતો 
ને મનખાની માંય કેવો રે ઊભો 


મિલનની વેળા જાય વછૂટી
ને મારા મનડામાં હરખના માતો 


સાયબા, આજ હું આવું રે મેળે…. 

**********************************

Tuesday, 7 April 2020

7. આવે જો વાલમ : લૉક-ડાઉનનાં પ્રણયગીતો




સૂનો રે વગડો ને સૂની  છે વગડાની વાટ
સાવ રે સૂની મનની વનરાઈયું રે લોલ. 

આંબલાની લચકતી ડાળીએ કોયલ સૂની 
ને સાવ રે સૂની છે મનની મંજરી રે લોલ

અંતરે ઘોળાતા અટવાતા સૂના છે મનરંગો 
કેમ કરી બોલું હું, સૂનો થયો છે હવે સણકો રે લોલ

સૂનાં રે થયાં હવે સ્મૃતિનાં સંભારણાં
ને સૂની થઈ આંગણાની માટી રે લોલ

ઉંબરે ઊભી જા જોવ તાં ઓતર પણ સૂનું
ને હવે સૂની છે દખ્ખણની દિશા રે લોલ

આવો જો વાલમ તો હજીયે કોળતું આ કાળજું
ને લીલો થતો પાલવનો છેડલો રે લોલ


************************************

6. મારા અંતર માહે : લૉક-ડાઉનનાં પ્રણયગીતો



હે સખી, મારા અંતરની માહે, 
પ્રીતમના પગલાંનો અહેસાસ, 
કે લોચનને થતો ભ્રમણાનો ભાસ?

હે સખી, મારા અંતર માહે,
પ્રીતમના દલડાનો વાસ, 
કે જોબનનો આ જુઠ્ઠો ફફળાટ?

હે સખી, મારા અંતર માહે,
પ્રીતમની યાદોથી ભીંજાતો વૈશાખ,
કે સૂકાભઠ્ઠ વગડાનો ખાલી ખખળાટ?

હે સખી, મારા અંતર માહે, 
પ્રીતમની કલ્પનાએ સજ્યો સોળે શણગાર 
કે કોરાં સ્મરણોની ખાલી વણજાર?

હે સખી, હવે તમે જ કહો મને,
મારા અંતર માહે
પ્રીતમ કે પ્રીતમની ખાલી કોરી ખાતી યાદ? 


***********************************************

Monday, 6 April 2020

5. રાધાના સંગે : લૉક-ડાઉનનાં પ્રણયગીતો




રંગે રમ્યા અમે રાધાના સંગે ને હૈયાની કરી હોળી 
મળે જો શ્યામ તો પૂછજો કે રાધાને ક્યાં ક્યાં ખોળી?


ગાયા તાં ગીતડાં રાધાના સંગે ને સૂરની કરી સરવાણી
મળે જો શ્યામ તો પૂછજો કે વાંસળીમાં  વેદના કેમ દેખાણી?


વ્રજગલી ભમ્યા અમે રાધાના સંગે ને મિલનની કરી દીધી ઉજાણી
મળે જો શ્યામ તો પૂછજો કે પીડાઓ ક્યાં ક્યાં સંતાણી?


વનરાવનમાં ઘૂમ્યા અમે રાધાના સંગેને રાસની કરી દીધી રાસલીલા
મળે જો શ્યામ તો પૂછજો કે કામણની ક્યાં ગઈ કલા?


રાધાનો સંગ અમને એવો તે લાગ્યો ને વૃંદાવન બની ગયું ગીત 
મળે જો શ્યામ તો પૂછજો કે રાધાને તમે કરી તી પ્રીત?

*********************************************************

15. તમે શું રે કરશો મોલ : લૉક-ડાઉનનાં પ્રણયગીતો

અધુરી આશમાં ઊઘડેલી આંખો ને એમાંથી મંડાતી મીટ વર્ષોની અતૃપ્ત જાગેલી ઝંખનામાં બચેલાં સપનાંના  તમે શું રે કરશો મોલ? ઉંબરની વચ્ચ...