Thursday, 11 June 2015

લુપ્ત થતું ગામ-1: ગામડાંની રમતો, સહજીવન, સામાજીક એકતાના પાઠથી નામશેષ થવાના માર્ગ તરફ

લુપ્ત થતી જઈ રહેલી ગ્રામિણ રમતો, ગામડાંની રહેણીકરણીમાં આવી રહેલા  અતિ ઝડપી બદલાવનું પ્રતિક બની રહી છે.  





ભારત અત્યારે ગાંધીજીના સ્વાવલંબી ગામડાની પરીકલ્પનાથી વિરુદ્ધ દિશામાં જઈ રહ્યો છે. ધીમે ધીમે ગામડાં ભાંગતા જાય છે. શહેરીકરણ અતિ ઝડપે વધી રહ્યું છે. મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં રોજ હજારો માણસો ઠલવાય છે. જેણે અર્બન પ્લાનિંગ જેવી રૂપાળી દિશાઓ ખોલી આપી છે. ગામડાંને સ્વાવલંબી નહિ, ત્યાં માત્ર રોજગારીની તકો ઊભી કરી શકીએ તો પણ ઘણું છે. એક ગામ ધીમે ધીમે ઉજ્જડ બને એટલે માત્ર લોકો જ નથી જતાં. એક સંસ્કૃતિ, ઇકોનોમીની એક સિસ્ટમ, પરંપરાઓ, સબંધો, વર્ષોથી ચાલતો સહવસવાટ આ બધું લુપ્ત થાય છે.

આજે આપણે ગામડામાં રમાતી અને હવે ભાગ્યે જ જોવા મળતી રમતો વિશે જરા વાત કરીશું. આ રમતો ગામડાંના યુવાનો, કિશોરો અને બાળકોને શારીરિક રીતે સક્ષમ બનાવાનું કામ કરતી. સૌથી પહેલાં સાંભળે આંબલી પીપળી અને કબડ્ડી. આ બંને રમતો અંગે મોટા ભાગના લોકો જાણતા હશે. કિશોરાવસ્થામાં આ બંને મારી અતિ પસંદ રમતો. ગામ કે ખેતરમાં આવેલા મોટા વૃક્ષો પર ઝપાટાભેર ચડવાનું, ઊંચી ડાળ પરથી નીચે કુદકો મારવાનો, એક ડાળ પરથી બીજી ડાળ પર વાંદરાની જેમ લટકતા જવાની મજા હવે ક્રિકેટ કે લોન ટેનિસમાં પણ નથી આવતી. કબડ્ડીએ તો હવે ગ્લોબલ અને ગ્લેમરસ બંને સ્વરૂપ ધારણ કર્યા હોવાથી એના વિશે લખવાની કોઈ જરૂર નથી રહેતી. સ્કુલ, કોલેજ, કબડ્ડી સ્પર્ધાઓમાં અને હોળી પર કબડ્ડી ખુબ રમ્યો છું.

ગામડે અમે નાનપણમાં ઘરગોખલેથી રમતો રમવાની શરૂઆત કરતા, સમજણ પણ જ્યારે ના આવી હોય એવા સમયે એટલે કે પાંચેક વર્ષની ઉંમરે અમે અમારી કલ્પનાના ઘર બનાવતાં. ખેતર, ઝરણાં, ગામની ભાગોળ કે ફળીયામાં અમે ઘર ઘર(ઘર ગોખલે) રમતાં. ત્યારે કરોડાના બંગલા કે લાખોના ફ્લેટ્સની ચિંતાઓ ન હતી. માત્ર ધૂળમાં પાળીઓ બનાવીને નાની એવી જગ્યામાં ઘર બનાવી એમા ઢીંગલાં-ઢીંગલીં મુકી રમતા. એમા લગ્નોથી લઈ મેળા અને તહેવારોની ઉજવણી પણ કરી લેતાં. 

થોડા મોટા થયાં બાદ આવતી ચકરડાંની રમત. ધૂળમાં મસ્ત ચકરડાં હાથેથી દોરવાનાં, ધૂળ ખસેડી સુંદર લાગે તેવો ગોળ આકાર આપવાનો. એમાં એક દાણ હોય એટલે કે નાનો પથ્થર હોય. એ દાણને વારાફરતી ચકરડાંઓમાં નાખી, એક પગે એટલે કે લંગડી કરીને ચકરડાં પસાર કરવાનાં દાણ વાળું ચકરડું કુદી જવાનું. સાવ સાદી આ રમત અમે એકધારી કલાકો સુધી રમતાં. મને આ રમતનું માત્ર અમારા વિસ્તારમાં જ બોલાતું નામ ખબર છે, અન્ય વિસ્તારોમાં અલગ પણ કહેવાતું હશે.  

સંતાકુકડી અને પડક દાવ અમે શાળાની રીસેસમાં લગભગ દરોરજ રમતાં. ગામની ગૌશાળાની પાળીઓ પકડ દાવ માટે અનુકુળ હતી, તો સંતાકુકડી માટે ગામની અનેક જગ્યાઓ હતી, જેમાં કોઈના ઘરથી માંડીને મંદિરો આ રમતના આશ્રય સ્થાનો હતાં. સંતાકુકડીનું અમારું દેશી નામ થપ્પો દા હતું. આ થપ્પો દાની જરા સુધરેલી આવૃતિ એટલે ડબલું ડુલ, જેમાં એક પતરાંનું નાનું ડબલું (અમુલ ઘીના એક કિલોના ડબ્બા જેવું ડિટ્ટો) રાખતા, જેનો ઘા કરવાનો, દાવ આપનાર એ ડબલું લઈને આવે ત્યાં સુધીમાં બધાં સંતાઈ જાય. દાવ આપનાર જે જે લોકોને જુએ એના નામનું ડબલું ડુલ કરતો જાય. દા.ત. રમેશનું ડબલું ડુલ, રમેશ પેલી પાળી પાછળ છે, બહાર નિકળ. મને ડબલા ડુલ જેવી સુધરેલી આવૃતિમાં જ મજા આવતી.  

ફુસલી અને છુટ અથવા માર દડે આ બંને રમતોમાં ચિથરાંમાંથી બનેલો દડો અથવા રબ્બરનો દડો વાપરી શકાતા. ત્યારે ટેનિસનો બોલ હજી અમારા પૂરતો આવિષ્કાર થયો ન હતો. લોન ટેનિસ વિશે ગામમાં પણ કોઈ જાણતું ન હતું. ફુસલી એટલે નારગૉલ. જેમાં સાત પથ્થરો રાખીને તેને પાડવાની. ફુસલી નામ જ જુદું છે, બાકી નારગૉલ વિશે લગભગ લોકોને ખયાલ હશે જ. માર દડો નામ જ કોઈને મારવાની વાત કહે છે. આ રમતમાં એક નિયંત્રિત કરેલા વિસ્તારમાં છુટો મારેલો દડો ખમી શકે અને ઘરે જઈને મમ્મીને ફરીયાદ ના કરે એવા છોકરાને જ રમાડવાના. આપણાંમાં તાકાત હોય એટલા જોરથી દડો મારવાનો. જ્યારે રબ્બરના દડાનો ઉપયોગ થાય ત્યારે રણજીના બધા ખેલાડીને આંતરરાષ્ટ્રીય ટીમમાં સ્થાન ન મળે, એમ ચિંથરાના દડાથી રમતા ખેલાડીઓની પણ પસંદગી કરવામાં આવતી. મોટેભાગે અમે ગૌશાળાની અંદર રમતા જેથી બહાર ભાગીને જઈ શકાય નહીં. એટલે માર ખાવાનો જ. 

ગિલ્લી દંડો અને ગોટીઓની રમતો, માત્ર બે કે ત્રણ લોકો હોય તો પણ રમી શકાતી. ગિલ્લી દંડાને અમે મોઈ દાંડિયો અને ગોટીઓને અમે ઠેરીએ રમવાનું નામકરણ કરેલું. ચોમાસું આવવાના થોડાં દિવસોની વાર હોય તે દિવસોમાં અમે ભરમડે રમતા. જેને અમે તળપદી અમારી બોલીમાં ગરીયે રમીએ એમ કહેતા. જાળી વિંટાળીને એક બીજાના સાથે ભરમરડા ફેરવવાની કળા પણ શીખવા જેવી છે.

મલ કુસ્તી અને બથ કબડ્ડી, આમ તો બંને કુસ્તીને મળતા જ આવે છે. પરંતુ તેમાં નિયમો કુસ્તીથી અલગ હોય છે. આ બંને યુવાનોની રમતો છે. જે વાર તહેવારે ભરાતા મેળામાં કે ઘણા ગામો સાથે મળીને કોઈ પ્રસંગ ઉજવે ત્યાં રમાય છે. ગામડાંના લોકો વચ્ચે બે બળીયા બાથે વળગે છે. કુસ્તીમાં પીઠ જમીનને અડકી જાય તે સ્પર્ધક હારી જાય. જેમાં રેફરી જેવું હોતું નથી. મોટેભાગે ત્યાં હાજર રહેલા લોકોમાંથી પીઢ લોકો જ નિર્ણય લઈ લે છે અથવા હારેલો ઉમેદવાર સ્વંય સ્વીકારી લે છે. કુસ્તીમાં જેમ નંબર વન જેવી સ્કીમ હોય છે તેમ ગામડે ગામડે બથ લેનારા પંકાયેલા હોય છે. વર્ષો પહેલા એવા પણ કિસ્સા હતા કે મેળામાં બથ કબડ્ડી કે મલ કુસ્તીમાં ગામનું નામ રોશન કરે એવા સંભવિત ઉમેદવારોને ખાસ ખોરાક અને ટ્રેનિંગની સુવિધા પણ કરી આપવામાં આવતી. જેથી અનેક ગામો વચ્ચે થતી બાથ્થંબથ્થીમાં ગામનું નાક ના કપાય જાય. 

આવી અનેક રમતો છે કે જે ગામડાંમાં બાળકો, કિશોરો અને યુવાનોમાં શારીરિક સૌષ્ઠવ ખિલવતી. શારીરિક રીતે સક્ષમ કરવાની સાથે આ રમતો નાનપણથી જ એક પ્રકારનું સહજીવન અને સામાજીક એકતાના ગુણ શિખવતી. જો કે હવે ટી.વી. આવ્યા બાદ ગામડાંમાં સીધી જ ક્રિકેટની રમત આવી. ક્રિકેટે એકસાથે આ બધી રમતોને રિપ્લેસ કરી દીધી. માત્ર બેસીને નવરાશના સમયમાં રમી શકાય એવી રમતો વિશે હવે પછી વાત. 

નોંધઃ દરેક પ્રદેશ અને વિસ્તાર પ્રમાણે અલગ અલગ રમતો હોય છે. મારા વિસ્તારમાં રમાતી અને મને જાણમાં છે એટલી જ રમતોનું મે વર્ણન કર્યું છે. 

Tuesday, 21 April 2015

આકાશવાણી યુગ : ક્રિકેટ થી લઈને સમાચાર સુધીની સફર

'એક ઝાડ માથે ઝુમખ્ખડુંઝુમખ્ખડે રાતા ફુલ રેભમ્મર રે રંગ ડોલરીયોહોય કે 'હાલોને કીડીબાઈની જાનમાંજેવા લોકગીતોનો રસાસ્વાદ એ સમયે માત્ર આકાશવાણીએ કરાવ્યો હવે ક્રિકેટ જોવાનો કંટાળો આવે છે ત્યારે ક્રિકેટ સાંભળની મજા આવતી.



નાનપણમાં જ સૌરાષ્ટ્ર અને કચ્છની સંસ્કૃતિનો પરિચય કરાવાનું અને તેના પ્રત્યે ખાસ લગાવ ઊભો કરવાનું શ્રેય રેડિયોના ફાળે જાય છે. લોકગીતો, લગ્નગીતો, બાળગીતો, જોડકણાં, વાર્તાઓ, પ્રાદેશીક માહિતી, પહેરવેશ, બોલી, પ્રાદેશીક સંગીત અને ભજનો આ બધાનો ઊંડાણથી તો નહીં પરંતુ ઠીકઠીક પ્રમાણમાં પરિચય આકાશવાણીએ બાળપણમાં જ કરાવી દીધો હતો. જ્યારે હું ઝવેરચંદ મેઘાણી વિશે તેમના નામ સિવાય કશુ જ જાણતો પણ ન હતો ત્યારે મે રેડિયો પર તેમની નવલકથા 'વેવિશાળ' સાંભળી લીધી હતી. કચ્છની સંસ્કૃતિ અને તેમના પ્રાદેશિક સંગીત વિશે અને કચ્છી બોલી પ્રત્યે આકર્ષણ ઊભું કરાવનાર આકાશવાણી ભૂજને યાદ કરવું જ રહ્યું. ભૂજ સ્ટેશન પરથી પ્રસારિત થતો કાર્યક્રમ 'કુંજલ પાંજે કચ્છ જી' મારો ફેવરીટ હતો. કેમ કે તેમાં ત્યાંના સ્થાનિક કલાકારોના ગીતો, સંગીતો અને વાતો રજૂ કરવામાં આવતી હતી. સમગ્ર કાર્યક્રમમાં કચ્છી બોલીની મિઠાસ છલકાઈ આવતી. ખાસ સ્મૃતિમાં નથી, પરંતુ કદાચ આ કાર્યક્રમ કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા તૈયાર કરવામાં આવતો હતો. કચ્છી બોલી વધારે સમજાતી નહોતી પણ મીઠી લાગતી હતી. હજી પણ મને કચ્છી બોલી જેટલી એકપણ બોલી મીઠી નથી લાગતી. કચ્છ અને મેઘાણી પ્રત્યે વિશેષ લાગણી કંઈક અંશે આકાશવાણીને આભારી છે.

'એક ઝાડ માથે ઝુમખ્ખડું, ઝુમખ્ખડે રાતા ફુલ રે, ભમ્મર રે રંગ ડોલરીયો' હોય કે 'હાલોને કીડીબાઈની જાનમાં' જેવા લોકગીતોનો રસાસ્વાદ એ સમયે માત્ર આકાશવાણીએ કરાવ્યો. હાલમાં અનેક માધ્યમો દ્વારા આ લોકગીતો સાંભળી શકાય એમ હોવા છતાં હવે એ લગભગ સંભળાતા બંધ થયા છે. કવિ દુલાભાયા કાગ, હેમુ ગઢવી, ઝવેરચંદ મેઘાણી જેવા મહાનુભાવો પ્રત્યે જાણવાની તાલાવેલી આકાશવાણીના કાર્યક્રમોને કારણે ઊદભવી એવું માનવામાં મને લેશમાત્ર શંકા નથી. લોકવાર્તાઓ, લોકસંગીત, સુગમ સંગીત, લોકગીત, ભજનો અને સાથે હિન્દી ફિલ્મી ગીતોની કોકટેઈલ આકાશવાણીએ અવાજ દ્વારા પીવડાવી.

હવે થોડી વાત ક્રિકેટના આંખે દેખ્યા અહેવાલની એટલે કે ક્રિકેટની રેડિયો કોમેન્ટ્રીની. 1982 બાદ દેશમાં કલર ટેલિવિઝનની શરૂઆત ઈન્દિરા ગાંધીના શાસનકાળમાં થઈ. જો કે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવીને પણ અમારે ત્યાં ગામડાંમાં પહોંચતા એશિયાડ પછી પણ 15થી વધુ વર્ષનો સમય લાગ્યો. ગામમાં કોઈ એક શ્રીમંત વ્યક્તિના ઘરે એન્ટેના વાળું ટીવી આવ્યું હોય તે અમારા માટે માત્ર વાત કરવા સિવાય કોઈ કામમાં આવે તેમ હતું નહિં. હાલ આપણે ક્રિકેટની મેચ કલર ટીવી, એલઈડી કે સિનેમા ઘરમાં જોઈએ છીએ. 1996 બાદ મે રેડિયો પર ક્રિકેટ કોમેન્ટ્રી સાંભળવાની શરૂઆત કરી. ભારત અને પાકિસ્તાન વચ્ચે શારજાહમાં રમાતી મેચ હોય કે ઈંગ્લેન્ડ સામેની લોર્ડસમાં રમાતી મેચ હોય માત્ર કોમેન્ટ્રી દ્વારા તેની મજા માણવાનો લ્હાવો કંઈક અલગ હતો. સિક્સ હોય કે ફોર અમે તેની તિવ્રતા માત્ર અવાજના આધારે કલ્પી છે. 'ઔર એ લગા ડાબર ચ્વનપ્રાસ ચૌકા' ડાબર વાળા એ સમયે રેડિયો કોમેન્ટ્રીમાં આ રીતે જાહેરાત કરતા. 'શ્રીનાથ બોલિંગ કે લીયે તૈયાર, સામને ઈન્ઝમામ-ઉલ-હક, શ્રીનાથ બોલિંગ કે લીયે જા રહે હૈ, એ શોર્ટ પીચ બોલ, હકને સન્માનજનક રીત સે આગે આકે સીધા ખેલા, બોલ સીધી ગઈ શ્રીનાથ કે હાથ મે, કોઈ રન નથી.' ભારતની જીત હોય કે હાર કોમેન્ટ્રી સાંભળવાની મજા આવતી. હવે ક્રિકેટ જોવાનો કંટાળો આવે છે ત્યારે ક્રિકેટ સાંભળની મજા આવતી. જ્યારે ક્રિકેટની કોમેન્ટ્રી આવવાની હોય ત્યારે મેચના સમય દરમિયાનના આકાશવાણી પરના બીજા બધા કાર્યક્રમો રદ્દ થઈ જતા. ઘણી વાર મનપસંદ કાર્યક્રમ અઠવાડિયામાં એકવાર આવવાનો હોય અને એ પણ ક્રિકેટને કારણે રદ્દ થાય તો રેડિયો સ્ટેશન પર બહુ જ ગુસ્સો આવતો.

હવે થોડી વાત ઑલ ઈન્ડિયા રેડિયો પરથી પ્રસારીત થતા સમાચારો અંગે. દરરોજ સાંજે વાળુ (ડિનર) કરતી વખતે દિલ્હીથી પ્રસારીત થતા ગુજરાતીમાં સમાચાર સાંભળવાનો જાણે નિત્યક્રમ થઈ ગયો હતો. આકાશવાણી દિલ્હીથી પ્રસારીત થતા સમાચારો સાથે આજે પણ નાતો જળવાઈ રહ્યો છે. હવે રેડિયો સેટ તો નથી પણ ઈન્ટરનેટ પર AIR NEWSની વેબ પરથી સાંભળું છું. જો કે હવે તેનું સાતત્ય જળવાતું નથી. સૌથી શુદ્ધ ઉચ્ચારણો અને સરળ રીતે સમગ્ર ઘટના અંગે માહિતી આપવાની સચોટતા માત્ર ઓલ ઈન્ડિયા રેડિયો પાસે જ છે. આશુતોષ જૈન, નિલિમા, ક્લેયર નાગ, આશા નિવેદિ હોય કે બીજા સમાચાર વાચક, માત્ર તેમના અવાજ પરથી જ નામની ખબર પડી જતી. 'પ્રસ્તુત હૈ સમાચાર પ્રભાત'ની ટેગલાઈનથી શરૂ થતા સમાચારો આપણે દેશ-દુનિયાની ઘટમાળ અંગે ટુંકમાં સચોટ માહિતી આપે છે. આ બધામાં ઓલ ટાઈમ ફેવરીચ સરીતા બરારા. આજે તેમની ઉંમર કેટલી હશે તેની ખબર નથી, પરંતુ મારી કિશોરાવસ્થામાં તેમના અવાજે મારા પર રીતસરનો કબ્જો જમાવ્યો હતો. અનેક એવી સવારો હતી જેમાં માત્ર તેમના રિપોર્ટસ સાંભળવા માટે જ હું સમાચારો સાંભળતો.


અમારા માટે ગામડાંમાં રેડિયો મનોરંજન અને માહિતી માટેની બેવડી ભૂમિેકા ભજવતો. રેડિયો જાણે અમારી સાથે ઘરમાં જ વસતો, તેના વિના ચાલે નહિં. રેડિયો બગડે તો જાણે દિવસ બગડે. હાલના એફએમ પર આવતા આર.જે.ના અવાજો હવે આકર્ષિત કરી શકતા નથી. આર. જે.ના અવાજ મને માત્ર મનોરંજન માટે વગાડાતા બોલિવૂડના ઘોંઘાટીયાં સંગીત જેવા લાગે છે. જો કે હવે એ યુગમાં પરત ફરી શકાય એમ નથી. આકાશવાણી હવે ફરી તેના સુવર્ણયુગમાં પરત ફરે એવી કોઈ શક્યતા હાલમાં તો દેખાતી નથી. બસ હવે એ દિવસોને યાદ કરીને આકાશવાણીની આ સભાને અહિં જ વિરામ આપીયે

Saturday, 18 April 2015

આકાશવાણી યુગ : મારા બાળપણનાં રેડિયો સાથેના સંસ્મરણો.

નાનપણમાં આકાશવાણી સાથે જોડાયેલાં કેટલાંક સ્મરણો કે જે ક્યારેય પણ ભૂલી શકાશે નહિં, રેડિયોએ ભજવેલી માહિતી અને મનોરંજનની બેવડી ભૂમિકાની કેટલીક યાદગાર વાતો. 


આકાશવાણીનું નામ સાંભળતા જે રોમાંચ થાય છે, તે હવે એફ. એમ. રેડિયો કે ટેલિવિઝનનું નામ સાંભળતા નથી થતો. આકાશવાણી શબ્દ હજી પણ ક્યાંક નાનપણનાં સ્મરણોમાં ખેંચી જાય છે. સામે જાણે સરકી ગયેલો સમય આવીને ફરીથી ઊભો રહે તેવો અહેસાસ થાય છે. ટેલિવિઝન, ઈન્ટરનેટ અને સ્માર્ટફોનના યુગમાં જન્મેલી પેઢીને કદાચ આકાશવાણીની જાહોજલાલી અને લોકો સાથેનો તેનો કેવો નાતો હતો તે નહીં સમજાય. મેં રેડિયોનો મધ્યાંતર તો નહીં પરંતું તેનો ઉતરાર્ધ યુગ જીવ્યો છે. દરજીની દુકાનથી લઈને ગૃહિણીના કિચન સુધી, શાળામાં શિક્ષક પાસે મેચની કોમેન્ટ્રીથી લઈને ખેતરના શેઢે ભજન સાંભળતા ખેડુત સુધી આકાશવાણી પહોંચેલું હતું. બાળકોના કાર્યક્મો, સમાચાર, ખેતી વિશેની માહિતી હોય કે બોલિવૂડના ગીતો, યુવાનો હોય કે વડીલો દરેક માટેના કાર્યક્રમો આકાશવાણી પ્રસારિત કરતું. હવે સ્માર્ટફોનના યુગમાં રેડિયોનો એ યુગ ફરી જોવા મળવાનો નથી.

સૌરાષ્ટ્રનાં ગામડાંમાંથી આવતો હોવાથી મે આકાશવાણી રાજકોટ, આકાશવાણી ભૂજ અને વિવિધ ભારતી રેડિયો સ્ટેશનોનાં કાર્યક્રમોને ભરપૂર માણ્યાં છે. સવારે આકાશવાણી રાજકોટ પર આવતા ભજનોથી અમારા ગામડાંની સવાર પડતી. હેમંત ચૌહાણ, દિવાળીબેન ભીલ હોય કે પ્રફુલ્લ દવેને (બીજા પણ ઘણાં કલાકારો)માત્ર તેમના અવાજથી અમે ઓળખી લેતા. આ બધા કલાકારોને જોવાનો મોકો તો તે બાદ ઘણા સમયે જુદી જુદી જગ્યાઓએ યોજાયેલા ડાયરાઓમાં મળ્યો. જો કે પહેલા જ આકાશવાણીએ અમને તેમના ચાહકો બનાવી દીધેલાં. રેડિયોની સભા શરૂ થાય તે પહેલા ટુંટુંટું.... ના અવાજ બાદ વાગતી ઓપનિંગ મ્યુઝિક ટ્રેક પણ સાંભળવાની મજા હતી. સવારે નવ વાગ્યે વિવિધ ભારતી પર આવતાં નવા ફિલ્મી ગીતો વેકેશનની સવાર જાણે સુમધુર કરી દેતાં. મારો એ મનપસંદ કાર્યક્રમ હતો. સાથે સાથે જ આકાશવાણી ભૂજ પર સૌપ્રથમ શરૂ થયેલો કાર્યક્રમ 'ફોનઈન આપની પસંદ' સુપરહિટ સાબિત થયો. અનેક લોકોનો આ મનપસંદ કાર્યક્રમ હતો. રવિવારે પ્રસારિત થતા આ કાર્યક્મમાં ગુરૂવારે નિર્ધારીત થયેલા સમયે ફોન કરીને આપણે સાંભળવું હોય એ ગીતનું નામ કહેવાનું અને આપણા નામના સાથે મિત્રોના નામ પણ કહેવાનાં. મહિનાઓ સુધી ફોન લાગવાની રાહ જોઈ છે આ કાર્યક્રમ માટે, રવિવારે આ કાર્યક્રમ ફોન પર રેડિયો ઉદઘોષક સાથે થયેલી વાતચીત સાથે પ્રસારીત કરવામાં આવતો. જેમાં આપણે કરેલી વાતચીત અને આપણું મનગમતું ગીત સાંભળવા મળતું. હાલ સ્માર્ટફોન કે ટેલિવિઝન પર વાગતાં ગીતોમાં મને આકાશવાણી પર આવતાં ગીતો જેટલી મધુરતાનો અહેસાસ થતો નથી. વિવિધ ભારતીનો 'સખી સહેલી' કાર્યક્રમ હોય કે આકાશવાણી રાજકોટ પરથી પ્રસારીત થતો રવિવાર અથવા ગુરૂવારનો મહિલાઓ માટેનો કાર્યકર્મ હોય, મે ગામડાંઓમાં અનેક અભણ મહિલાઓને આ સાંભળતી જોઈ છે. આ કાર્યક્રમોએ ગામડા્ની મહિલાઓને પત્ર લખતી કરી, તેના દ્વારા તેની વાત કે સમસ્યાઓ અંગે બોલતી કર્યાના દાખલા પણ જોયા છે. એટલે કે ખરા અર્થમાં મહિલા સશક્તિકરણ.

રેડિયો સાથે ખાસ લગાવ છે એટલે કે કેમ, તે તો ખબર નહિ પરંતુ રેડિયો પર પ્રસારીત થતી ખાસ વ્યક્તિ સાથેની મુલાકાતો (ઇન્ટરવ્યૂ)માં જે ડેપ્થ હતી એ હાલના ટી.વી. પર આવાતા ઇન્ટરવ્યૂમાં જોવા મળતી નથી. જૂના ફિલ્મો અને તેના ગીતોનો પહેલો પરિચય મને બપોરે જવાનો માટે પ્રસારિત થતા કાર્યક્રમ 'જયભારતી'એ કરાવ્યો. હાલ પણ એ સમયે રેડિયો પર સાંભળેલું અને મારી કલ્પનાશક્તિ મુજબ કોરિયોગ્રાફ કરેલું કોઈ 50 કે 60ના દશકાનું ગીત ટીવી પર જોવા મળે છે ત્યારે ક્યારેક નિરાશા થાય છે. રેડિયો પર એ સમયે સાંભળતી વખતે સંગીતની સુમધુરતા માણવા મળતી એ જ ગીત ટીવી પર ફિક્કુ પડી જતું લાગે છે. રેડિયોએ લોકોની કલ્પનાશક્તિ ખિલવવામાં બહુમુલ્ય ફાળો આપ્યો છે. યુવાનો માટેનો કાર્યક્રમ યુવવાણી હોય કે મોટેરા માટેનો કાર્યક્રમ ઝાલરટાણું હોય ઘરના દરેક સભ્યો માણી શકે તેવી તેની રૂપરેખા હતી. આકાશવાણીના કેટલાક કાર્યક્રમનાં ઓપનિંગ્સ હજી પણ યાદ છે. જેમ કે આકાશવાણી રાજકોટ પરથી પ્રસારીત થતા કાર્યક્રમ ઝાલરટાણાની શરૂઆતમાં બોલવામાં આવતું કે 'પ્રોઢાવસ્થા વટાવીને પાકટતાની વયે પગ મુકનારા મુરબ્બીઓ માટેનો કાર્યક્રમ એટલે ઝાલરટાણું ' અને ત્યારબાદ તેની ઝીંગલ વાગતી 'થઈ ગયું ઝાલરટાણું રે મનવા ઝાલર ટાણું'. ગામનો ચોરો કાર્યક્રમ અમારે ત્યાં ગામડામાં ખુબ જ લોકપ્રિય હતો. તેમાં ખેતી અંગેની ઋતુ અનુસાર અગત્યની માહિતી આપવામાં આવતી હતી. ગામમાં મોટાભાગના ઘરે આ કાર્યક્રમ સાંભળવામાં આવતો. આ કાર્યક્રમનું સંચાલન કરનાર વ્યક્તિનું નામ ભુલી ગયો છું, પરંતું તેની શરૂઆત હજી યાદ છે. આપણે જાણે ગામના ચોરા પર બેઠા હોઈએ અને કોઈ આવીને આપણે કહે એવી રીતે રેડિયો ઉદઘોષક બોલતા 'એ રામ....રામ.... ગીગા,નાજા,હરખા અને સૌ ખેડૂતભાઈઓને મારા રામરામ....રામરામ..' આ લખતી વખતે પણ હજી એ અવાજ અને લહેકો મારા કાનમાં ગૂંજી રહ્યાં છે. ક્યો પાક વાવવાથી લઈને પાકના રક્ષણ અંગેના ઉપાયો, ખેતી નિષ્ણાંતોના ઇન્ટરવ્યુ કે વાર્તાલાપો, ખાતર અને દવા તેમજ પિયત અંગેની સંપૂર્ણ માહિતી ગામના ચોરા કાર્યક્રમમાં આપવામાં આવતી. ગુજરાતના હજારો ખેડૂતો માટે આ કાર્યક્રમ આશિર્વાદરૂપ સાબિત થયો છે. 

બાળકો માટેનો 'અડકો દડકો' કાર્યક્રમનાં સંચાલક રેણુ આંટી જાણે અમારી બાજુમાં જ રહેતા હોય અને જાણે અમને વાર્તા કહેવા કે બાળગીત સંભળાવવા આવવાના હોય એ રીતે અમે તેની રાહ જોતાં. કાર્યક્રમના બીજા દિવસે શાળામાં આ કાર્યક્રમનું ઝીણવટભર્યું વિશ્લેષણ અમે કરતાંસૌથી વધારે ચર્ચા અમે આકાશવાણી રાજકોટ પરથી પ્રસારીત થતી 'જીથરાભાભા'ની વાર્તાની કરી છે. વાર્તા જે દિવસે આવવાની હોય ત્યારે દિવસમાં અનેકવાર તેની વાતો અનાયાસે થઈ જતી. વાર્તા ઘણી વાર સાંભળી હોવા છતાં ક્યારેય કંટાળો આવ્યો ન હતો. ખબર નથી કે એ વાર્તામાં શું હતું પણ વડિલોને પણ મે એ વાર્તા સાંભળતા અનેકવાર જોયા છે. જીથરોભાભો અમારી વચ્ચે રહેતી કોઈ વ્યક્તિ હોય એવી રીતે તેની સાથે લગાવ થઈ ગયો હતો. આ હતો આકાશવાણીના અવાજનો જાદુ.
કેવી રીતે રેડિયોએ સૌરાષ્ટ્ર તથા કચ્છની સંસ્કૃતિ જોડે પરિચય કરાવ્યો તથા સમાચારો અને્ ક્રિકેટ કોમેન્ટ્રી અંગેની વાતો હવે પછીની બ્લોગ પોસ્ટમાં.

Wednesday, 4 February 2015

ગાંધીજીનો અક્ષર દેહઃ 60 વર્ષના ગાંધીજીના જીવનને સમાવતું એક ભગીરથ કાર્ય.

COLLECTED WORK OF MAHATMA GANDHIના નામે ગાંધીજીના સમગ્ર જીવનને સંકલિત કરી પ્રકાશિત કરવાનો શ્રેય શ્રી પી. એમ. લાડને જાય છે. મોરારજી દેસાઈના અધ્યક્ષપણા હેઠળ આ ભગીરથ કાર્ય થયું હતું.


ભારતના રાષ્ટ્રપિતા અને દેશની આઝાદીમાં અનન્ય ફાળો આપનારા તેમજ સમગ્ર જીવન દરમિયાન અનેક કાર્યોમાં યોગદાન આપનારા બાપુને આપણે બહુ જ મર્યાદીત ક્ષેત્રમાં જાણીએ છીએ. ગાંધીજીના જીવન વિશે ઊંડાણ પુર્વક અભ્યાસ કરનારા લોકો માટે ગાંધીજી જેટલા આત્મીય અને રસપ્રદ છે એટલા આપણા જેવા સામાન્ય લોકો માટે કદાચ નહિ હોય. અત્યાર સુધી ગાંધીજી પર અનેક પુસ્તકો લખાયા છે અને હજી પણ લખાતા રહેશે. ભારતની મોટાભાગની ભાષાઓ ઉપરાંત વિશ્વની અનેક ભાષાઓમાં ગાંધીજી અંગે પુસ્તકો જોવા મળે છે. જો કે આ બધામાં પુસ્તકોની સાથે સાથે ગાંધીજીના સમગ્ર જીવનને આવરી લેતો એક અનેરો ગ્રંથ તૈયાર કરાયો છે. આ ગ્રંથ એટલે ગાંધીજીનો અક્ષર દેહ. મુળ આ ગ્રંથને અંગ્રેજીમાં COLLECTED WORK OF MAHATMA GANDHI નામે સંકલિત કરવામાં આવ્યો હતો. જેને ગુજરાતીમાં ગાંધીજીનો અક્ષર દેહના નામથી પ્રકાશિત કરવામાં આવ્યો છે. સ્વભાવિક છે કે ગાંધીજીના સમગ્ર જીવનને આવરી લેવાનું હોય તો ગ્રંથ દળદાર જ બને, તેમ આ ગ્રંથ લગભગ 100 જેટલા ભાગમાં પુસ્તક શ્રેણીરૂપે પ્રકાશિત કરાયો છે.

ગાંધીજીના અક્ષર દેહમાં બાપુના લખાણો, પત્રો, અને ભાષણોને સમાવવામાં આવ્યાં છે. ઉપરાંત તેમણે કરેલા કાર્યો અંગે અન્ય દ્વારા લખાયેલા પ્રમાણભૂત લખાણોને પણ સમાવી લેવાયાં છે. તેમના જાહેર જીવનના 1884 થી 1948 સુધીના ગાળાને આ ગ્રંથમાં આવરી લેવાયો છે. ગાંધીજીની આત્મકથા બાદ સૌથી વધારે રસપ્રદ ગાંધીજીનો અક્ષર દેહ છે. ગાંધીજીએ તેમના જાહેર જીવનમાં લખેલા અનેક પત્રો, લખાણો અને ભાષણો વિશ્વમાં અનેક જગ્યાએ અને ખાસ કરીને ભારત, આફ્રિકા અને ઈંગ્લેન્ડમાં વિખરાયેલા પડ્યાં હતાં. આ બધાને એકઠા કરી, તેમને સંકલિત કરીને ગ્રંથ બનાવાનું ભગીરથ કાર્ય ભારત સરકારના તે સમયના માહિતી અને રેડિયો ખાતાએ કર્યું હતું. આ અદભૂત કાર્યનું શ્રેય તે સમયના માહિતી અને રેડિયો ખાતાના મંત્રી શ્રી પી. એમ. લાડને જાય છે.

વર્ષો સુધી ચાલનારા તેમજ આટલા વિશાળ કામને સરળ રીતે પાર પાડી શકાય તે માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. તેના અધ્યક્ષ પદે મોરારજી દેસાઈ હતા. ઉપરાંત કાકાસાહેબ કાલેલકર, દેવદાસ ગાંધી, પ્યારેલાલ નય્યર, મગનભાઈ પ્ર. દેસાઈ, જી. રામચંદ્રન, શ્રીમન્નારાયણ, જીવણજી ડા. દેસાઈ અને પી. એમ. લાડને આ સમિતિના સભ્યો તરીકે નિમવામા આવ્યા હતાં. ગાંધીજીના જીવન તેમ જ કાર્યની સાથે ગાઢ રીતે સંકળાયેલા લોકોની સલાહ અને તેમના અનુભવોનો લાભ મળે તે હેતુથી આ પ્રતિનિધિમંડળની રચના કરવામાં આવી હતી. ભારત સરકારે આ વિશાળ કાર્યને યોજનાનું સ્વરૂપ જ આપી દીધું હતું. તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુના શાસનકાળ દરમિયાન આ યોજના ફેબ્રુઆરી 1956માં શરૂ કરવામાં આવી હતી.

વાંચવામાં સહેલું લાગે એટલું આ કાર્ય સરળ ન હતું. ગાંધીજીના લખાણો ત્રણ ભાષામાં હતા ગુજરાતી, હિંદી અને અંગ્રેજી. આ ત્રણેય ભાષાઓમાંથી અનુવાદ કરવાનો હતો તેમજ લખાણમાં એકધારાપણું જાળવવાનું હતું. આ બાબતને ધ્યાન પર રાખીને અનુવાદ કરવા માટે અનુભવી અનુવાદકોને પસંદ કરવામાં આવ્યા હતાં. લખાણો લેખો, ભાષણો, નોંધો, પત્રો, અરજીઓ, મુસદ્દા સ્વરૂપે હતાં તેમને પુસ્તકના રૂપમાં ઢાળતાં અસલને જાળવી રાખવાનું પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું, બીજી તરફ આ પુસ્તક શ્રેણીને વિશિષ્ટ રીતે તૈયાર કરવામાં આવી છે. ગાંધીજી કોઈ વિષય કે મુદ્દાની ચર્ચા એક જ સમયગાળામાં ક્યાંક કોઈ લેખ કે ભાષણમાં કરતા. ઉપરાંત તેમણે લખેલા પત્રમાં પણ આ વિષયની ચર્ચા જોવા મળતી. તેથી પુસ્તક શ્રેણીમાં કૃત્રિમતા ન આવે એટલે બધી સામગ્રીની ગોઠવણી કાળક્રમને ધ્યાનમાં રાખીને એકસાથે જ કરવામાં આવી છે. કોઈપણ એક તારીખના લેખ, ભાષણ તથા પત્રને એકસાથે રાખવામાં આવ્યાં છે. જુદાજુદા વર્ગની સામગ્રીને અલગ અલગ રીતે ગોઠવીને શ્રેણીબદ્ધ રીતે પ્રગટ કરવામાં આવી નથી. દા.. ગાંધીજીએ આપેલા ભાષણોનું એક પુસ્તક કે તેમણે લખેલા લેખોનું એક પુસ્તક. આ પ્રકારની રીતને અવગણવામાં આવી હતી. જો આ રીતને અનુસરી હોત તો કદાચ ગાંધીજીના જીવનના એક જ સમયગાળાને સમજવો મુશ્કેલ થઈ પડ્યો હોત.

ગાંધીજીનો અક્ષર દેહ ગાંધીજીના 60 વર્ષના જાહેર જીવનને સમાવી લેતો ગ્રંથ છે. વાંચવામાં સમય અને ધીરજ માગી લેતો હોવાછતાં આ ગ્રંથ રસપ્રદ છે. કોઈપણ ભાગથી વાંચવાનું શરૂ કરો તો પણ કંટાળાજનક કે સાતત્ય તૂટતું હોય તેવું લાગતું નથી. ગાંધીજીના જીવનનો સરળ અને ઊંડાણપૂર્વકનો ખ્યાલ મેળવવા માટે આ ગ્રંથ વાંચવો જ રહ્યો. 

15. તમે શું રે કરશો મોલ : લૉક-ડાઉનનાં પ્રણયગીતો

અધુરી આશમાં ઊઘડેલી આંખો ને એમાંથી મંડાતી મીટ વર્ષોની અતૃપ્ત જાગેલી ઝંખનામાં બચેલાં સપનાંના  તમે શું રે કરશો મોલ? ઉંબરની વચ્ચ...