Thursday, 6 September 2018

વરસાદ : આવી રીતે આવતો વરસાદ તમે ક્યારેય જોયો છે?

વરસાદની શરૂઆત કેવી રીતે થાય છે? આ પ્રશ્નના જવાબમાં આપણે એવું કહી શકીએ કે મોઢાં એટલી વાતો. 


તમને એવું લાગે છે કે તમે હવે વરસાદ માણી શકતા નથી? તમારો જવાબ જે હોય તે પણ તમે આવી રીતે વરસાદ માણ્યો કે નહીં તે જરા આ વાંચીને કહેજો.

આજે આપણે વાત કરવાની છે કે વરસાદ કેવી રીતે આવે છે. હા, પણ ડરશો નહીં ભણવામાં આવતા વિજ્ઞાન જેવું આ નથી... આ વાત છે ગામડામાં આવતા વરસાદની.. તો તૈયાર છો ને.. તો લ્યો તારે કરીએ ચાલુ...ના આક્રમણ કરીએ.. મન જરા મક્કમ કરીને વાંચજો..

તમે જરા અષાઢ મહિનાના પહેલા વરસાદની કલ્પના કરી લો... અને બપોર બાદનો સમય છે એમ સમજી લો...

ઉગમણી (પૂર્વ) દિશામાં ધીરે ધીરે કાળાં ડિબાંગ વાદળો ચડવા લાગે છે. આથમણી (દક્ષિણ) દિશામાં રહેલા સૂરજને જાણે કહેતાં હોય કે તારાં તેજ તે અમારી પાસે લ્યા શું. હમણાં જ તને દાટીને તને પણ અંધકારમાં ના ફેરવી દઈએ તો કહેજે.

વાદળો ધીરે ધીરે ઊચાં ચડે છે, તેમ તેમ આકાશ ગોરંભાતું જાય છે. ખેતર અને ઘરોમાં ચહલપહલ શરૂ થઈ જાય છે. ત્યાં જ દૂરથી વીજળીના ચમકારા દેખાય છે.

ખેતર અને ઘરમાં નજીક આવતા વરસાદને જોઈને દોડાદોડ થઈ જાય છે. ગામના પાદરે બેઠેલા ઘરડાઓ ઘરે જવા ઉપડે છે. ગોવાળ ગાયોને ગામ તરફ લાવવા ઉતાવળ કરવા લાગે છે.

પાદરના કૂવે પાણી ભરવા આવેલી પનીહારીઓ ઘરે જવાની ઉતાળમાં બેડાં એકબીજાને ચડાવવા લાગે છે અને ઘર તરફ જાણે વીજળી વેગે હાલતી થાય છે.

ઘરની વહૂઓ દોડાદોડી કરી મૂકે છે. સૌથી પહેલાં ઉતાવળ બહાર પડેલાં છાણાં ઠેકાણે પાડવાની હોય છે. છાણાંના સૂંડલાને જલદી જ લઈને રસોડામાં મૂકી દેવાય છે.

ઘરની મહિલાઓનો જીવ પહેલાં છાણાંમાં એટલા માટે ચોટેલો હોય છે કારણે કે જો છાણાં પલળી જાય તો ચૂલામાં સાંજે રાંધવાના ફાંફાં પડે.

ત્યાં જ ઠંડો ઠંડો પવન ફૂંકાવા લાગે, પવન જોરથી આવે છે, જાણે વંટોળ ફૂંકાતો હોય એ રીતે, પરંતુ આ સીધા પવનો હોય છે. પવન સાથે સૂકાં પાદડાં અને રજ ઉડતી આવે છે.

વરંગણી પર ટીંગાતા કપડાંને લેવા કોઈ દોડે છે, કોઈ ઓસરીમાં પાણિયારા પાસે પડેલી હેલને વાછટથી બચાવવા માટે દોડે છે. કોઈ તગારાં શોધવા લાગે છે, કોઈ ફળિયામાં સુકાતાં ઠામણાંને ઝટ ભેગાં કરવા લાગે છે.

ફળિયામાં પડેલા ખાટલાઓને ઘરમાં કે ઓસરીમાં લેતાં નાના છોકરાથી જરા ખાટલાનો પાયો બારસાખને અડી જાય તો દાદીમાં બૂમ મારીને કહે છે ભાંગી નાખજે ખાટલો તું, એક ખાટલો સરખો ઓસરીમાં લેતા આવડતો નથી.

ઉગમણી બાજુ રહેલા ગોખલાઓમાં (જે હવે નાશંવત પ્રજાતિમાંની એક છે.) કોથળા ભરાવવા દોડે છે. નાનાં છોકરાંઓ રડારડ કરી મૂકે છે. ઘરનાં ઘરડાંઓ ઓસરીના ખૂણે છોકરાંઓને રાખતાં રાખતાં વહુઓ અને દીકરાઓને જરા ટપારતાં સૂચનાઓ આપવા લાગે છે.

આ બાજુ ઘરધણીને બળદ અને નીરણની ચિંતા સતાવવા લાગે છે, ઢોરને  ઝટ એકઢાળિયા કે ઓથમાં બાંધવાની મથામણ શરૂ થાય છે.


આમ તો નીરણ એટલે પરાળ, ડૂચો, ડાંડર આ બધું જ વરસાદ પહેલાં ભરાઈ ગયું હોય કે ઢંકાઈ ગયું હોય છે. પરંતુ થોડું દરરોજ નીરવા માટે રાખેલું હોય તેને પણ સગેવગે(હકારાત્મક અર્થમાં વાંચવું) કરવા માટે હડતબડીયો થાય છે.

એટલામાં કોક વળી પવન સાથે ઉડી જતા કોથળીયાને કે ખોભાયાને પકડવા માટે હડી કાઢે છે. કોઈ રાડ પાડીને ખેતરમાં રહેલા ઘરધણીને ચેતવતાં કહે છે, 'આવતાર્યો હવે 'મે'(વરસાદ) હાવ નજીક આવી ગ્યો સે.'

સામે વાદળાંએ મૂકેલા દોરિયા દેખાવા લાગે છે, ત્યાં કોક ઓસરીમાંથી પૂછે છે કે વરસાદ ક્યાં પૂગ્યો?

જો ગામમાં હોય તો જવાબ મળે આ સામી સીમ સુધી આવી ગ્યો, વાડીએ હોય તો જવાબ મળે કે આર્યો હાવ નજીક જ છે, ફલાણા ભાઈના ખેતરના શેઢા હૂધી પૂગી ગ્યો ઝટ કરજો.

વરસાદ આવી પહોંચે તે પહેલાં કોઈ ઓસરી કે કોઈ ઓસરીના ખૂણામાં ભરાઈ જાય છે.

આમાં મુશ્કેલી નવી આવેલી વહુને હોય છે. દોડાદોડ કરીને બધું ભેગું કરવાનું, સાસુનાં સૂચનો ધ્યાને રાખવાનાં અને ભૂલના થાય તે જરા જોવાનું. જોકે, મુશ્કેલી એ છે કે નણંદબાને વરસાદમાં પલળતાં જોઈને સમસમી જવાય છે.

વરસાદ પહેલાં આવતો પવન એક પ્રકારની ખાસ ખુશ્બુ સાથે નવા જ સ્પર્શનો આનંદ કરાવે છે. જાણે કે કોઈ કોમળ ફૂલની પાંખંડી સ્પર્શે, કોઈ બાળકનો ઋજુ હાથ ધીરે રહીને અડકે.. ના સાવ આવું પણ નહીં.. એ જાતે જ અનુભવવો પડે.

તમે એકવાર વરસાદ પહેલાંની એટલે કે વરસાદે તાણી લાવતી ખુશ્બુને જરા સુંઘી લેજો. ખૂબ મજા આવશે. પ્રયત્ન કરવા જેવો ખરો.. ખોટ નહીં જાય.

આવી રીતે આવે છે વરસાદ, ઘરની બારી ખોલોને ત્યારે ખબર પડે કે વરસાદ આવે એવું ના હોય, આક્રમણખોરની જેમ આવતો વરસાદ અને આક્રમણ સામે બાથ ભીડવા યુદ્ધની જેમ થતી આ તૈયારીઓ તમે કોઈપણ ગામડાની આજથી 20 વર્ષ પહેલાંની કલ્પી શકો.

હજી પણ ખેડૂતોનાં જીવનમાં આમાંથી માત્ર વીસેક ટકા ગયું છે અને બાકી જલદી જતું રહેશે એવી તમને અને મને આશા ના હોય પણ હવે... શું કરી શકાય...

વરસાદ આવ્યા પછી શું થાય છે, તે હવે બીજા ભાગમાં જોઈશું. પણ તમે જતાં પહેલાં રમેશ પારેખની આ કવિતાનો આસ્વાદ માણતા જાવ.

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે

ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે

નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે

ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે

પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે

થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.

કેટલાક શબ્દોના અર્થ 

વરંગણી-કપડાં સૂકવવા બાંધવામાં આવતી દોરી, ઠામણાં-વાસણો, ખાસ કરીને જમવાનાં વાસણોના અર્થમાં, એકઢાળીયું-એક ઢાળવાળું મકાન, હડતબડીયો-ઉતાવળમાં થતી દોડાદોડ, કોથળીયો-ભેંસને ખાણ આપવા માટે વપરાતી એક ખાસ પ્રકારની થેલી જેવી ચીજ, ખોભાયું-ખેતરમાં નીંદણ કે ખાતર ભરવા અને અન્ય રીતે વપરાતું થેલી જેવું, દોરિયા-વાદળાંમાંથી પડતો વરસાદ જે કાળા લિસાટા જેવો દૂરથી દેખાય છે. 


Wednesday, 3 January 2018

શિયાળો એટલે સ્વાસ્થ્ય કરતાં વધારે મહેનતની ઋતુ

Courtesy: ht.com

શિયાળે શિતળ વા વાય પાન ખરે ઘઉં પેદા થાય;
પાકે ગોળ કપાસ કઠોળ, તેલ ધરે ચાવે તંબોળ.
ધરે શરીરે ડગલી શાલ, ફાટે ગરીબ તણા પગ ગાલ;
ઘટે દિવસ ઘણી મોટી રાત, તનમાં જોર મળે ભલી ભાત.

કવિ દલપતરામની કવિતાની આ ચાર પંક્તિઓ શિયાળાનું જાણે આબેહૂબ વર્ણન કરી જાય છે. હાલ શિયાળો ચાલી રહ્યો છે ઠંડી ઠીક ઠીક વધી રહી છે. 

ઠંડીનો પારો કેટલો નીચે ઊતર્યો તેના વિશે વિવિધ માધ્યમો દ્વારા સતત માહિતી અપાઈ રહી છે. ઉપરાંત વિવિધ વેબસાઇટ્સ અને છાપાં તથા મેગેઝિનોમાં સ્વાસ્થ્યપ્રદ માહિતીનો ભંડાર આ દિવસોમાં ખડકાય છે. 

વિવિધ પ્રકારની કસરતો, મોર્નિગ વૉક, ઇવનિંગ વૉક તથા કેવી રીતે શિયાળામાં હેલ્ધી બનવું તેના વિશેની માહિતીનો ખડકલો થઈ રહ્યો છે. 

ખાવામાં કચરિયાથી લઈને ચીકી, ઊંધિયું જેવી વાનગીઓ દર વર્ષની જેમ અત્યારે ફરી ચમકવા લાગી છે.. 

પરંતુ આપણે આજે વાત કરવાની છે ગામડાંમાં આવતા શિયાળાની. મજૂરી કે ખેતીમાં કામ કરતા લોકો માટે શિયાળો એટલે શું? 
Courtesy: eyeem.com

ગામડાંના લોકો માટે શિયાળો મોટેભાગે મહેનતની ઋતુ રહી છે. હાલના સમયમાં ગુજરાતનાં ગામડાંની સ્થિતિ દેશની સાપેક્ષે ઠીક ઠીક બદલી રહી છે. ખેતી સાથે અન્ય ઉદ્યોગો અને ધંધાઓનું વર્ચસ્વ વધી રહ્યું છે. 

નવી પેઢી ખેતીથી ધીમેધીમે અળગી થઈ રહી છે. તો પણ ગામડાં હજી ખેતી પર ટકી રહ્યાં છે. ત્યારે દલપતરામની કવિતાની જેમ શિયાળો ગામડાંના લોકો માટે મહેનત લઈને આવે છે. 

વરસાદ સારો હોય એવા સંજોગોમાં ખેડૂતો રવિ પાકની વાવણીમાં શિયાળાની શરૂઆતમાં જ તૈયારી શરૂ કરી દેતા હોય છે. ખરીફ પાકની લણણી અને તેનું કામ પણ શિયાળાના શરૂઆતના દિવસોમાં થાય છે.

ભારતમાં ચોમાસમાં લેવાતા પાકને ખરીફ પાક અને શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહેવામાં આવે છે. 

એટલે ખાવાના શોખીનો, સ્વાસ્થ્યની સંભાળ, હેલ્થ, વસાણા, કચરિયાં જેવી બાબતો અમારે ત્યાં જોવા મળતી નથી. હાલ શિયાળામાં ઠંડીની સાથે સાથે મહેનત કરી પેટ્યું રળી લેવા માટેની દોડધામ હોય છે. 

ખેતી પર નભતાં મજૂરો માટે આ છેલ્લી સિઝન હોય છે જેમાં ચોમાસા સુધીની કમાણી કરી લેવાની હોય છે. ઉનાળામાં બહુ ઓછા વિસ્તારોમાં ખેતીમાં પાક લઈ શકાતા હોય છે. જેથી મજૂરી માટેના આ અંતિમ દિવસો હોય છે. 

દલપતરામે જેમ કહ્યું કે ફાટે ગરીબ તણા પગ ગાલ. જે ગામડાં અને શહેરના બંને લોકોને લાગુ પડે છે. પરંતુ ગામડાંમાંથી આવતો હોઉં ત્યાંની પરિસ્થિતિમે જોઈ છે અને આ પંક્તિને અનુભવી પણ છે. 

આજથી દસેક વર્ષ પહેલાં ગામડાંમાં શિયાળામાં લગાવાતી મોચ્યૂરાઇઝ ક્રિમ્સનો જમાનો આવ્યો ન હતો. શિયાળાની ઠંડી શરૂ થતાની સાથે જ ચામડી સુકાતી જાય અને હોઠ, ગાલ, હાથ તથા પગ ફાટવા લાગે. 

જ્યારે પગ કે હાથમાં પડેલા ચીરામાંથી લોહી નીકળવાની શરૂઆત થાય ત્યારે મેં અનેક લોકોને ઘી લગાવતાં જોયાં છે. ઘી ચામડીને થોડા સમય માટે કૂણી કરે છે. 

મોટેભાગે નાનાં છોકરાંના નાક અને ગાલ તરડી જાય છે. હાલમાં જુદી જુદી ક્રિમ અને નવા નવા લોશનને કારણે થોડી બદલી હશે. પરંતુ સામાન્ય ગણાતા અને સ્માર્ટ દુનિયામાં હજી પણ ન પ્રવેશી શકેલા લોકો માટે દલપતરામની પંક્તિઓ યથાર્થ છે. 

શિયાળામાં મેં આરોગ્યને લઈને ભાગ્યે જ ગામડાંમાં લોકોને વિચારતા જોયાં હશે. હા એટલું ખરું કે શિયાળામાં ભૂખ બહુ લાગે એવી વાતો નાનપણમાં સાંભળી. ગામડાંમાં રહેતા લોકો માટે હાલનો સમય તાજા શાકભાજીનો હોય છે. રીંગણ, ટામેટાં, મૂળા, ગાજર, વટાણા જેવાં તાજાં શાકભાજી મળી રહે. 

બાકી આરોગ્યપ્રદ શિયાળો તો મેં પણ શહેરમાં જ આવીને જોયો. તમને પણ શિયાળાની સ્વાસ્થ્યપ્રદ શુભકામનાઓ.

Sunday, 15 October 2017

જાત્રા : પાકટતાની વય વટાવીને પ્રૌઢાવસ્થાએ પહોંચતા વડીલોનો પ્રવાસ



સૌજન્ય : panoramio.com


હાલ સ્કૂલો-કોલેજોમાં દિવાળીનું વેકેશન શરૂ થઈ રહ્યું છે. પરિવાર કે મિત્રો સાથે આ વખતે વેકેશનમાં ક્યાં જવું તેના આયોજનમાં લોકો લાગી ગયા હશે. કેટલાક લોકોએ તો આ આયોજન અગાઉ જ કરી લીધું હશે.


પ્રવાસ, પર્યટન, સહેલ, સહેલગાહ, મુસાફરી, સફર, વિહાર, યાત્રા, જાત્રા, ખેપ, મજલ, અટણ, ભ્રમણ અને દેશાટન જેવા શબ્દો ગુજરાતીમાં આપણી પાસે છે. આ દરેક શબ્દનો સાદો અર્થ ફરવું એવો કરી શકાય. (ફરવું પણ આ જ હરોળનો શબ્દ છે.) આ ઉપરાંત કામ વગરનું ફરવું તે માટે આપણી પાસે રખડપાટ જેવો શબ્દ છે. ગામમાં ઘણા છોકરાઓ પર લાગેલા રખડુંના લેબલ પાછળ આ શબ્દ છે.

પ્રવાસ અને જાત્રા આ બે શબ્દોનો પરિચય મને નાનપણથી થયો. કયો શબ્દ પહેલાં જાણવા મળ્યો તે શોધવું અઘરું છે પરંતુ પ્રવાસ શબ્દ પ્રાથમિક શાળામાં જાણવા મળ્યો. શાળા તરફથી બાજુંના ગામના મહાદેવના મંદિર લઈ જવામાં આવે તો પણ અમે તેને પ્રવાસ કહેતા અને ઘરે આવીને અમે આ પ્રવાસની વાતો કરતા.  

અત્યારના જેવી આયોજનપૂર્વક દેશ-વિદેશમાં થતી ટૂરનો ખ્યાલ તો કોલેજ સુધી ન હતો. ટુર, ટુરિઝમ, ટ્રિપ, ટ્રાવેલ, પિકનિક, જર્ની, સાઇટિંગ, વિઝિટીંગ, એક્પ્લોરિંગ જેવા અંગ્રેજી શબ્દો અને તે સાથે થતી ભવ્ય ટુર તો હજી પણ મારા ભાગે આવી નથી.

હાઇસ્કૂલમાંથી 10 કિલોમીટર દૂર આવેલી નર્સરી અને ડેમની મુલાકાત પણ અમારા માટે પ્રવાસ હતો. જો કે આજે વાત જાત્રાની કરવાની છે.
સૌજન્ય : panoramio.com

જાત્રા એટલે ધાર્મિક સ્થળોએ કરવામાં આવતો પ્રવાસ. ગામડામાં દિવાળી અને હોળીના આસપાસના સમયને જાત્રા માટે અનુકૂળ ગણવામાં આવે છે.

જાત્રામાં મોટેભાગે વડીલોએ જવાનું હોય છે. યુવાનોનો તેમાં ભાગ્યે જ સમાવેશ થાય છે. પહેલાંના સમયથી ચાલી આવતી પરંપરા મુજબ વડીલો જાત્રા કરવા જાય છે. આ પાછળ એવો ઉદ્દેશ હશે કે જિંદગી આખી તનતોડ મહેનત કરી હોય, ગામની બહાર ભાગ્યે જ પગ મૂક્યો હોય, છોકરાંઓને મોટાં કરવામાં અને તેમને પરણાવવામાં જીવન પસાર કર્યું હોય, ત્યારબાદ પ્રૌઢાવસ્થામાં નિવૃતીના ગાળે એક વખતે તો જાત્રાએ જવું જોઈએ. એટલે કે જિંદગી આખી મહેનત કર્યા બાદ એક વખત શાંતિથી દેશ ફરવો જોઈએ.

આ જાત્રા નાની અને મોટી એમ બે પ્રકારની હોય છે. મોટી જાત્રા એટલે અમારા માટે ચારધામની જાત્રા. આ ચાર ધામ એટલે જગન્નાથપુરી, રામેશ્વર, દ્વારકા અને બદરી-કેદાર. નાની જાત્રા એટલે અંબાજી, બહુચરાજી, ચોટીલા કે પાવાગઢ જેવા ધાર્મિક સ્થાળોની મુલાકાત. (નાની મોટી જાત્રા અમારા પ્રદેશમાં થતી ગણના પ્રમાણે વર્ણવી છે. અન્ય પ્રદેશમાં તેના અર્થ જુદા સ્થળોને સાંકળીને થતા હોઈ શકે.)

અમારે ત્યાં ચારધામની યાત્રા બહુ ઓછા લોકોએ કરી હશે. મોટાભાગના લોકો હરિદ્વાર, મથુરા, કાશી, પ્રયાગ, અયોધ્યા પશુપતિનાથ(કાઠમંડુ) જેવા સ્થળો એટલે કે ઉત્તર ભારતમાં જતા. જેમાં રામેશ્વર બાકી રહી જતું.
સૌજન્ય : panoramio.com

દ્વારકા અમારે માત્રા જાત્રા માટેનું સ્થળ નથી કેમ કે તે ખૂબ જ નજીક છે. પરંતુ જાત્રાએથી પરત આવ્યા બાદ ગોમતીમાં એક વખત સ્નાન કરવા જવાની પરંપરા છે. ગોમતી નદી છે અને તે દ્વારકામાં દરિયાને મળે છે. આ નદીના કાંઠે ભગવાન કૃષ્ણનું મંદિર આવેલું છે. જો કે એવા પણ ઘણા વડીલો હતા જેમણે પોતાના જીવનકાળ દરમિયાન દ્વારકા પણ જોયું ન હતું.  

જાત્રાનો માહોલ કોઈ પ્રસંગ જેવો બની જાય છે. જાત્રાએ જનાર માટે તો હશે જ પરંતુ અમારા માટે પણ મજાનો માહોલ હતો. ગામમાંથી જે વડીલો જાત્રાએ જવાના હોય તેમના ઘરે જાત્રાના જવાના થોડા દિવસો પહેલાં જ લોકો આવવાના શરૂ થઈ જાય.

જાત્રા જનારના ઘરે ગામમાંથી લોકો પળા આપવા આવે છે. પળા એટલે એક પ્રકારનું પડીકું જેની અંદર સાકર હોય છે. આ પળા આપવાની શરૂઆત ક્યારથી થઈ અને લોકો શા માટે પળા આપવા આવે છે તે અંગે નક્કર કશું જાણવા મળતું નથી. પરંતુ બહાર જનારા લોકોનું મોં મીઠું કરાવવામાં આવે છે એવો ઉદ્દેશ આ પળા પાછળ રહેલો હોવો જોઈએ.

મોટે ભાગે અમારે ત્યાંથી જાત્રા માટે બસ જતી હોય છે. જેમાં મોટે ભાગે 60 કે 65 લોકો જઈ શકે. એક જ ગામમાંથી આટલા લોકો જઈ ના શકે એટલે એક બસમાં વિવિધ ગામના લોકો સાથે જાય છે. પરત ફરે ત્યાં સુધીમાં તેમાંના ઘણાં લોકો વચ્ચે પરિવાર જેવા સંબંધો બંધાઈ જતા મેં જોયા છે.  
સૌજન્ય : panoramio.com
જાત્રા જવાના દિવસે ગ્રામજનો પણ જાત્રા જનારા વડીલોને વળાવવા માટે એકઠાં થાય છે. રંગેચંગે તેમને વળાવવામાં આવે છે. તેમના ગયા બાદ પાછળથી ઘરનો માહોલ પણ ધાર્મિક બની જાય છે.
જે ઘરેથી વડીલો જાત્રાએ ગયા હોય ત્યાં કિર્તનનો માહોલ હોય છે. જાત્રાથી પરત ના ફરે ત્યાં સુધી તેમનાં ઘરે લોકો સાંજે એકઠાં થાય અને કિર્તન કરે. માન્યતા એવી છે કે જાત્રાએ ન જનાર લોકો પણ આવી રીતે કિર્તન કરીને પુણ્ય મેળવી શકે છે.

ઘર કેવું ખમે એવું છે તે પ્રમાણે પાછળથી કિર્તનનું આયોજન કરાય છે. ખમે એવું એટલે કે ઘરની-પરિવારની આર્થિક સ્થિતિ કેવી છે. જો પૈસાદાર હોય તો કિર્તન મંડળી બોલાવીને પણ કિર્તન કરવામાં આવે છે.

ગામનાં દરેક લોકો આવી જાત્રાએ જઈ શકતા ન હતા. કેમ કે જાત્રા ખર્ચાળ હોય છે. બે વ્યક્તિની જાત્રામાં આશરે 50 થી 60 હજાર રૂપિયાનો ખર્ચ કેટલાંક વર્ષો પહેલાં થઈ જતો. ત્યારબાદ જાત્રાએથી પરત આવ્યા બાદ પણ ઘણો ખર્ચ થતો હોય છે.

જાત્રાથી વડીલો જે દિવસે પરત આવવાના હોય તે દિવસે પરિવારજનો માટે ઉત્સવ જેવો માહોલ હોય છે. જાત્રાથી પરત આવનાર લોકોના સામૈંયા કરવામાં આવે છે. ગ્રામજનો ગામના પાદરથી કિર્તન ગાતાં ગાતાં ઘર સુધી લઈ જાય છે. અબીલ ગુલાલ પણ ઉડાડવામાં આવે, સાથે ઢોલ કે તબલાં હોય છે. વાદ્યો સાથે જાણે ઉત્સવ જેવા માહોલ સર્જાય છે. ગામમાં નાનો પ્રસંગ હોય તેવું લાગે.

ત્યારબાદના શરૂ થાય છે મળવા આવવાના દિવસો. ગામના લોકો અને સંબંધીઓ જાત્રા કરી આવેલા જાત્રાળુઓને મળવા આવે છે. મળવા આવનારને કંઠીથી લઈને ગંગાજળ ભરેલી પાણીની લોટીઓ આપવામાં આવે છે. ગંગાજળ ભરેલી લોટીઓ અંગત સંબંધીઓને જ મળે છે. કારણ કે મોટેભાગે ગંગાજળ ભરેલી લોટીઓ ઓછી સંખ્યામાં લાવવામાં આવી હોય છે. આ ત્રાંબાની લોટીઓ પ્રમાણમાં મોંઘી હોય છે.
સૌજન્ય : panoramio.com
મળવા આવવાની પ્રથા પાછળનું એક કારણ એવું પણ હોઈ શકે કે દરેક લોકો પહેલાંના સમયમાં જાત્રા પર જઈ શકતા ન હતાં. જેથી જાત્રા પર ગયેલા લોકો પાસેથી તે પ્રદેશ, લોકો, ધાર્મિક સ્થળો, રિતરિવાજો, ખાણીપીણી વગેરે અંગેની જાણકારી મેળવી શકાય. જો કે તેમાં મુખ્ય હોય છે ધાર્મિક સ્થળોની વાતો. દરેક ધાર્મિક સ્થળ વિશે વિસ્તૃત વાતો થાય છે.  

જાત્રા બાદ મનોરથ અને લોટી ઉત્સવ જેવા કાર્યક્રમ પણ થાય છે. જે આર્થિક સ્થિતિ પર આધારિત છે. આવા કાર્યક્રમ અતિ ખર્ચાળ હોય છે. અહીં તેનો લંબાણપૂર્વકનો ઉલ્લેખ ટાળું છું.
જો કે હવે આ જાત્રાનું મહત્વ ધીમે ધીમે ઘટી રહ્યું છે. ઝડપી પરિવહન, વાહન વ્યવહારની ઉત્તમ સગવડો, ટેલિવિઝન દ્વારા દરેક સ્થળોની જાણકારી, મોબાઇલ અને ઇન્ટરનેટ ક્રાંતિ આ માટે જવાબદાર છે.
નાનપણમાં જોયેલું જાત્રાનું મહત્વ અને ત્યારે થતો આનંદ તો હવે નથી રહ્યો. પરંતુ જાત્રા અંગેના સ્મરણો પણ મારા માટે રોમાંચક બની રહે છે.
સૌજન્ય : panoramio.com

જાત્રા સાથે જોડાયેલા બીજા બે શબ્દો પણ છે એક છે જાત્રાવેરો અને બીજો છે જાત્રારેખા. જાત્રાવેરો એટલે કે જાત્રાએ જનારા પાસેથી ધાર્મિક સ્થળો પર ઉઘરાવવામાં આવતો કર. હાલ આવો કોઈ કર નથી પરંતુ અનેક ધાર્મિક સ્થળોએ પરોક્ષ રીતે ફરજીયાત રૂપિયા ઉઘરાવાય છે.

બીજો શબ્દ છે જાત્રારેખા એટલે કે હાથમાં રહેલી જાત્રા જવાની રેખા. વર્ષો પહેલાં જાત્રા એ સ્વપ્નવત હશે. એટલે લોકો જ્યોતિષ પાસે જીવનમાં જાત્રાનો જોગ છે કે નહીં તે બતાવવા જતા હશે. જેના પરથી આ શબ્દ આવ્યો હોવો જોઈએ તેવું મારું માનવું છે.


જાત્રાની મજા હવે તો પહેલાં જેવી ક્યારેય આવવાની નથી. શહેર અને તેમાં પણ ખાસ કરીને મેટ્રો સિટીમાં આવ્યા બાદ સ્ટ્રેસ ફૂલ જીવનમાં જાત્રાનું સ્થાન વિક એન્ડે લઈ લીધું છે. બદલાતા સમય સાથે ઘણું બધું વહી જતું હોય છે અને ઘણું નવું ઉમેરાતું હોય છે. આધુનિક થવાની ઉતાવળમાં ગામડાંઓ કેટલુંક મેળવવાની સાથે ઘણું ગુમાવી રહ્યાં છે.  

Friday, 21 October 2016

લાઈટ જાય તો શું થાય? અંધકાર કે ઉજાસ?

લાઈટ થોડા મોટા વિસ્તારમાં ગઈ હશે કારણ કે મને પૂર્વ દિશામાં થોડા તારાઓએ દર્શન આપ્યાં. સામેના મકાનોનો રંગ અંધારામાં ઝાંખો પડી ગયો હતો. બહાર ઊભેલા માણસો ઓળા જેવા દેખાતા હતા. સોસાયટી જાણે અંધકાર સાથે ભળી ગઈ હતી.

file photo
આમ તો લાઈટ જાય તો શું થાય એ વાતનો પ્રશ્ન ઉઠવો કે ઉઠાવવો બહુ સ્વાભાવિક ના લાગે. કારણે કે ગામડાંઓમાં છાશવારે લાઈટ જતી હોય છે અને મેટ્રો શહેરમાં વીજળી ગુલ થવાના પ્રશ્નો ઓછા છે. આપણે જરા મેટ્રો શહેરને ધ્યાનમાં રાખીને વાત કરીએ. હવે જરા આગળ વધીએ કોઈ તમને પૂછે કે રાત્રે લાઈટ જાય તો શું થાય? તો પ્રથમ દૃષ્ટિએ તમારો જવાબ લગભગ આવો હોય કે ઘરમાં બુમાશોર થઈ જાય. મોટાભાગના ઘરોમાં વૈકલ્પિક વ્યવસ્થાના પ્રશ્નો ઉઠે. ઘરના લોકો પક્ષ વિપક્ષની ભૂમિકામાં આવી આક્ષેપ પ્રતિ આક્ષેપોનો મારો ચલાવે. જે ઘરમાં નાના છોકરાં હોય ત્યાં થોડો શોરબકોર વધી જાય. સોસાયટીમાં ઘણા લોકો તો બહાર નિકળીને મર્યાદા પુરુષોત્તમમાંથી થોડી છુટ લઈને  વીજળી વિભાગને જરા અમથી ચોપડાવે પણ ખરા. હવે જરા વાતને અલગ રીતે જોઈએ.

આવી સામાન્ય ગણાતી પણ જરા અસામાન્ય વાત એટલા માટે યાદ આવી કે આજે સાંજે અમારે ત્યાં સોસાયટીમાં લાઈટ જતી રહી. પછી શું.. પણ ઉપર લખ્યું એવું ના થયું. કારણે કે સોસાયટી જરા શહેરના શોરગુલથી દુર છે. આજુબાજુ ખેતરો છે. પરંતુ અમદાવાદ જેવા શહેરમાં રહેતા હોઈએ અને લાઈટ જાય એજ ઈગો હટ કરી નાખે એવી વાત છે. હવે મૂળ વાત પર આવીએ, લાઈટ ગયા બાદ જરા ઘરની બહાર નિકળીને જોયું, સાંભળ્યું અને અનુભવવાનો પ્રયત્ન કર્યો. સામે અંધારું હતું, આછા આછા વૃક્ષો દેખાતા હતા, તમરાંનો અવાજ આટલો સરસ તીણો અને કર્ણપ્રિય હોય એવું અનેક વર્ષો બાદ અનુભવ્યું. દિવસે લીલા દેખાતા વૃક્ષો જાણે અંધકાર ઓઢીને બેઠાં હતા. ધીમે ધીમે આવતો પવન પાંદડાઓમાંથી પસાર થતાની સાથે હળવો અમથો સૂર જાણે વાતાવરણમાં પૂરાવતો હતો. બાજુના ઘરમાં સતત વાગતું હોમ થિયેટર અચાનક જ મૂંગું થઈ ગયું. જાણે પહેલીવાર બાજુના ઘરનો ઘોંઘાટ બંધ થયો. મારા ઘરનું ટીવી પણ બંધ થયું. રસોડામાંથી લસણ ખાંડવાનો અવાજ આવતો હતો. સોસાયટી જાણે જીવંત બની રહી હતી. માત્ર વીજળી જ નહીં જાણે કૃત્રિમતા પણ સાથે જતી રહી હતી.

હવે વારો હતો આકાશ જોવાનો. લાઈટ થોડા મોટા વિસ્તારમાં ગઈ હશે કારણ કે મને પૂર્વ દિશામાં થોડા તારાઓએ દર્શન આપ્યાં. સામેના મકાનોનો રંગ અંધારામાં ઝાંખો પડી ગયો હતો. બહાર ઊભેલા માણસો ઓળા જેવા દેખાતા હતા. સોસાયટી જાણે અંધકાર સાથે ભળી ગઈ હતી. કુદરત રાતને પણ સુંદર જ બનાવે છે આપણે જરા નાહક ના ડરી જઈએ છીએ. મને જરા અંધકાર ગમે ખરો અને વધારે પ્રકાશ પસંદ નથી. ક્યારેક સ્ટ્રીટ લાઈટ વિનાના ટ્રાફિક વગરના રસ્તે બાઈક લઈને આવતો હોવ તો પણ હું બાઈકની હેડ લાઈટ બંધ કરી દઉં છું. ઘરમાં પણ કારણ વગરનો વીજળીનો ગોળો મને ચાલુ રાખવો ગમતો નથી. આ બાબતો વ્યક્તિગત છે, જેને સર્વસામાન્ય ન ગણી શકાય. પરંતુ એ વાત તો સત્ય છે કે શહેરમાં રહીને આપણે અલગ દૃષ્ટિથી જોવાનું ભુલી ગયાં છીએ. આપણે હંમેશા દરેક વસ્તુને એક જ નજરે જોઈએ છીએ. સવારથી ઉઠીને રાત્રે પથારીમાં સુવા જઈ ત્યાં સુધી આપણે અનેક ક્રિયાઓ કરીએ છીએ. પરંતુ તે એક ઘરેડ થઈ ગઈ છે. ઘરેથી નિકળતા બની શકે કે તમે દરરોજ કોઈ સરસ ગાર્ડન પાસેથી પસાર થતા હશો. ક્યાંક તમે વૃક્ષોથી આચ્છાદિત રસ્તા વચ્ચેથી પસાર થતા હશો, રાત્રે ઘરે પરત ફરતી વખતે શક્ય છે કે તમે અંધારી ગલીમાંથી પસાર થતા હોવ, પરંતુ આમા કંઈ નવાઈ લાગવા જેવું નથી. 

File Photo
મોર્નિંગ વોકમાં પણ આપણે ઈયરપ્લગ કાનમાં ખોસીને ચાલીએ છીએ. સવારના વાતાવરણમાં ક્યારેય મહાલવાનો પ્રયત્ન કર્યો છે ખરો? સાંજે ચાલવા નિકળો ત્યારે સાથે કોઈ હોય એના સાથે વાત કરવાને બદલે મુંગા રહી ચારેતરફથી આવતા અવાજને સાંભળવાનો પ્રસંગ બનવા દીધો છે ખરો? અવાજના પણ લેયર્સ હોય છે. એકસામટા આવતા અવાજને જો ધ્યાનથી સાંભળો તો તેમાંથી દરેકને અલગ તારવી શકાય છે. પરંતુ  મોટાભાગના આપણે ગર્વિત મેટ્રોવાસી FMના RJની સાથે મોર્નિંગ વોક કરવા ટેવાયેલા છીએ. યા તો દરરોજ એક એકના એક ગીત સાંભળતા સાંભળતા પેટ પર જામેલી ચરબીના થર ઉતારવા મથીએ છીએ. ટ્રાફિકના ઘોંઘાટના પણ અનેક સ્વર હોય છે. ધ્યાનથી સાંભળજો ક્યારેક સંભળાશે. વાત વીજળી જાય કે ન જાય એની નથી પરંતુ સ્માર્ટફોન, ટીવી, કમ્પ્યૂટર, વ્હિકલ આ બધા વચ્ચે જિંદગી એક ચીલો  થઈ ગઈ છે. ધીમે ધીમે આપણે સોશિયલ મીડિયા પર પ્રકૃતિના મેસેજ વાંચી આનંદ લઈ રહ્યાં છીએ. નેચરના સારા લેન્ડસ્કેપ કે લીફના ક્લોઝઅપને આપણે શેર કરતા થયાં છીએ. પરંતુ કુદરત આપણી સાથે જે શેર કરે છે તેને લાઈક કરતા ભુલી ગયાં છીએ. આ યાર લાઈટ છે જ એવી એ જાયને એટલે બબાલ થાય જ. જો મે કરીને તમારી સાથે બબાલ. કંઈ નહીં સારું હવે લાઈટ જાય ત્યારે જરા ફ્લેટ કે ઘરની બારી ઉઘાડજો અને જરા ડોકિયું કરી લેજો. દરરજો કરતા બહુ અલગ દેખાશે. પણ જોવાની કોશિશ કરશો તો.

Tuesday, 26 July 2016

ઈરોમ શર્મિલાઃ એકલપંડે જંગ જીતવા નિકળેલી એક કવિયત્રી

“If it’s true, that I made an attempt to commit suicide, or if I really wanted to die, there is an electric bulb available. I would have used that! I have plenty of clothes I would have hung myself! It’s not a matter of death!”

-Irom Chanu Sharmila


ઈરોમ શર્મિલા 16 વર્ષ બાદ ભૂખ હડતાલ પૂર્ણ કરશે. આફસ્પા માટે લડતી ઈરોમ હવે પોતાની રણનીતિ બદલે છે. પત્રકારો સાથેની વાતમાં ઈરોમે કહ્યું કે ''કોઈપણ રાજકિય પક્ષે તેમના લોકોની આફસ્પા હટાવવાની માગને સંસદ કે વિધાનસભામાં ઉઠાવી નહીં. માટે મેં આ વિરોધ પૂર્ણ કરવા અને 2017ની ચૂંટણીઓની તૈયારી કરવા રાજનીતિમાં આવવાનો નિર્ણય કર્યો છે. હું 9 ઓગસ્ટે કોર્ટમાં હાજર થઈશ ત્યારે ભૂખ હડતાલ પૂર્ણ કરી દઈશ"

વિશ્વની સૌથી મોટી ભૂખ હડતાલ જેમણે કરી તે ઈરોમ એક સારા કવિયત્રી પણ છે. આ પહેલા ડોક્ટર બનવા માગતા હતાં. પરંતુ ભણવામાં બહુ હોશીયાર નહીં એવા ઈરોમે ડોક્ટર બનવાનું સ્વપ્ન છોડી, પત્રકારત્વ અને સ્ટેનોગ્રાફીનો કોર્સ કર્યો. ત્યારબાદ તેમણે કવિતાઓ પણ લખી. ઈરોમ એક સારા કવિયત્રી તરીકે પણ જાણીતા છે. 9 ભાઈ બહેનોમાં સૌથી નાના ઈરોમ તેમના કઝિન્સ સાથે 19 લોકોના પરિવારમાં રહેતાં. 

નાનપણની વાતો વાગોળતા તેઓ કહે છે, તેમના પિતા તેમને રમતો રમવા માટે ના પાડતા, તે કહેતા કે તમે તેના આદી થઈ જાવ માટે સતત રમતો ન રમવી. 2 કિલોમીટર ચાલી સ્કૂલે જનારા ઈરોમ નાનપણમાં પિતાની સાયકલ પાછળ બેસતા તે સ્મરણોને હજી નથી ભૂલ્યાં. સાયકલ પર તેમના પિતા ક્યારેક સ્કૂલે લઈ જતા ત્યારે તેમને સ્ટોરી સંભળાવતા તે હજી તેમના કાનમાં ગૂંજી રહી છે. પરિવાર ખેતી સાથે સંકળાયેલો અને પિતા સરકારી નોકરી કરતા હતા. આફસ્પાએ ઈમ્ફાલને ઘમરોળી નાખ્યું અને માલમ હત્યાકાંડ બાદ તેઓ ઉપવાસ પર ઉતરે છે. 

તેમને એક નાના ઓરડામાં રાખીને પરાણે પ્રવાહી ખોરાક અપાતો. દર વર્ષે મુક્ત કરાતા અને મુક્ત કરાયાના થોડા જ સમયમાં તેમની ધરપકડ કરાતી. ઉપવાસની વાત કરતા તેમણે કહ્યું હતું કે, ' મને એકલતા સતાવતી નહીં કારણ કે હું મારા મગજને સતત વિચારોમાં કાર્યરત રાખતી.' આટલા વર્ષોમાં અનેક લોકો તેમની સાથે જોડાયાં, અનેક સાથ છોડી ગયાં પરંતુ ઈરોમ અડગ રહ્યાં. અનેક એવોર્ડ તેમને મળ્યા, દેશભરમાં અનેકવાર તેમની ચળવળની ચર્ચાઓ થઈ. પરંતુ કોઈપણ રાજકીય પક્ષે આફસ્પા ન હટાવ્યો. હવે એજ આફસ્પા માટે તેઓ રાજકીય પક્ષો સામે અપક્ષ ઉમેદવાર તરીકે જનતાના સમર્થન સાથે નવી રણનીતિથી સામે પડશે. 
ઓલ ધી બેસ્ટ ઈરોમ શર્મિલા. 




હવે વાંચો તેમની આ કવિતા 

When life comes to its end
You, please transport
My lifeless body
Place it on the soil of Father Koubru
To reduce my dead body
To cinders amidst the flames
Chopping it with axe and spade
Fills my mind with revulsion
The outer cover is sure to dry out
Let it rot under the ground
Let it be of some use to future generations
Let it transform into ore in the mine
I’ll spread the fragrance of peace
From Kanglei, my birthplace
In the ages to come
It will spread all over the world.
Irom Sharmila

Saturday, 23 July 2016

'માઝી' ભાષાના છેલ્લા જાણકારના નિધન સાથે આપણે વધુ એક ભાષા ગુમાવી

દેશનાં સમાચાર માધ્યમોમાં કારણ વગરના મુદ્દે કાગારોળ મચી છે, ગ્રાઉન્ડ ઝીરોની બોલબાલા છે, સૌથી પહેલાં અને એક્સક્લુઝિવનો મારો ચાલી રહ્યો છે, સમાચારની દોડમાં આગળ રહેવાની હોડ જામી છે, ત્યારે દેશની એક આખી ભાષા લુપ્ત થઈ જવાના સમાચાર એક મહિના બાદ મળે છે. વાંચો લુપ્ત થયેલી ભાષા અને તેના છેલ્લા જાણકાર વિશે. 

થાક બહાદુર માજી, પુત્રી દેવમાયા અને દૌહિત્રી રેજિના સાથે, ફોટો સૌજન્ય. independent.co.uk

ભારત જેમ સાંસ્કૃતિક વૈવિધ્ય ધરાવે છે, તેમ ભાષાઓનું વૈવિધ્ય ધરાવતો દેશ પણ છે. દેશમાં એક સમયે 900 જેટલી ભાષાઓ બોલાતી હતી. ધીમે ધીમે કેટલીક ભાષાઓ લુપ્ત થતી ગઈ. 2013માં આવેલા 'પીપલ લિંગ્વિસ્ટિક સર્વે ઓફ ઈન્ડિયા'એ ફરી દેશનું ધ્યાન ભાષાના વૈવિધ્ય તરફ ખેંચ્યું હતું. આ પહેલા 2001ની વસ્તી ગણતરીમાં સરકારે ભાષાઓ અંગેના આંકડા જાહેર કર્યા હતાં. 2013માં ઠીક ઠીક પ્રમાણમાં કહી શકાય એ રીતે માધ્યમોએ ભાષા અંગેના સર્વેની નોંધ લીધી. ભાષા રિસર્ચ અને પબ્લિકેશન સેન્ટરે 3000 કાર્યકર્તાઓને સાંકળીને 35000 પેજનો જમ્બો સર્વે કર્યો હતો. સર્વે મુજબ ભારત દેશ 780 ભાષા બોલે છે અને છેલ્લાં 50 વર્ષમાં 220 ભાષા લુપ્ત થઈ ગઈ છે. 

હાલ ચાલી રહેલા દેશના અન્ય મહત્ત્વના મુદ્દાઓમાં માધ્યમોએ જેની નોંધ નથી લીધી તેવી 'માઝી' ભાષાનો સૂર્ય ભારતમાંથી અસ્ત થઈ ગયો છે. દુઃખના સમાચાર એ છે કે સિક્કિમ અને નેપાળની સરહદે આવેલા જોરથોંગ જિલ્લાના માઝી નામના ગામમાં રહેતા થાક બહાદુર માઝીનું નિધન થયું છે. જેની સાથે 'માઝી' ભાષા બોલનાર કે જાણનાર હવે કોઈ રહ્યું નથી. 80 વર્ષીય થાકબહાદુર માઝી એકલા જ 'માઝી' ભાષાના છેલ્લા જાણકાર હતા. જેમના નિધન સાથે ભારતમાંથી એક ભાષાની વિદાય થઈ છે. નેપાળમાં હજી ગણ્યા ગાંઠ્યા લોકો 'માઝી' ભાષાના જાણકાર છે. જોકે ભારતે તેની છેલ્લી આશ ગુમાવી દીધી છે. થાક બહાદુરનો પરિવાર નેપાળમાંથી સિક્કિમમાં વર્ષો પહેલાં રહેવા આવ્યો હતો. ભાષા રિસર્ચ અને પબ્લિકેશન સેન્ટરે જ્યારે ભારતમાં બોલાતી ભાષાઓનો સર્વે હાથ ધર્યો ત્યારે થાક બહાદુર માઝીની અને લુપ્તતાના આરે આવીને ઊભેલી 'માઝી' ભાષાની દેશને જાણ થઈ. ત્યારે જોરથોંગમાં 'માઝી' ભાષાના 4 જાણકારો હતા. ત્યાર બાદ સમય વિતતા ત્રણનાં મોત થયાં અને થાક બહાદુર એકલા રહ્યા. 
થાક બહાદુર માઝી જ્યાં રહેતા તે જોરથોંગ વેલી અને રંગીત નદી, ફોટો સૌજન્ય. independent.co.uk

મહત્ત્વની વાત એમ છે કે દેશને આ લુપ્ત થયેલી ભાષાની જાણ પણ તેના લુપ્ત થયાના મહિના બાદ મળી. 'પીપલ લિંગ્વિસ્ટિક સર્વે ઓફ ઈન્ડિયા'નું સિક્કિમનું વોલ્યૂમ તૈયાર કરનાર ટીમના બલરામ પાંડે જ્યારે થાક બહાદુર માઝીને ફરી મળવા ગયા ત્યારે તેમના નિધનની જાણ દેશને થઈ. આ પહેલા બલરામ થાક બહાદુર માઝીને 2013માં સર્વે દરમિયાન મળ્યા હતા. માઝી જાતિ નેપાળ અને સિક્કિમમાં જુદી જુદી જગ્યાએ વિસ્તરેલી છે. પરંતુ અલગઅલગ જગ્યાએ વસવાટ કરતા હોવાથી ધીમે ધીમે 'માઝી' ભાષા બોલવાનું બંધ થયું. માઝી જાતિના લોકો પર નેપાળી ભાષાએ પ્રભુત્વ જમાવ્યું. 'માઝી' ભાષાનો ઉદય ક્યારે થયો તે અંગે ખાસ કોઈ પુરાવા મળતા નથી. પરંતુ ભાષા હજારો વર્ષ જૂની હોવાનું મનાય છે. માઝી જાતિના લોકોનો ઘનિષ્ટ સંબંધ નદી સાથે રહેલો છે. વર્ષો પહેલાં માઝી લોકોને નદી પાર કરાવવાનું કામ કરતા. વર્ષો થયે ધીમે ધીમે સ્થળાંતર થયેલાં અનેક માઝીઓ ખેતી સાથે સંકળાયા. 

'માઝી' ભાષાની વાત તો જવા દો પણ માઝી જાતિ અંગે પણ બહુ ઓછા લોકો જાણે છે. થાક બહાદુરની પુત્રી દેવમાયા કહે છે કે ભારતમાં લોકો અમને પૂછે કે માઝી એટલે શું? તો તેમને સમજાવવા જતાં એટલી બધી મહેનત કરવી પડે છે કે અંતે અમારે નેપાળી છીએ એવો સાદો જવાબ આપવાનું શરૂ કરવું પડ્યું. નેપાળી ભાષાનું પ્રભુત્વ વધતા 'માઝી' ભાષા જન્મ, લગ્ન અને મરણ જેવી વિધિઓ પૂરતી જ સીમિત રહી ગઈ. છેલ્લે તો મરણના પ્રસંગમાં જ તેના કેટલાક શબ્દોનો ઉપયોગ થતો. આ જાતિના કેટલાક લોકો 'માઝી' ભાષાના અમુક શબ્દો જાણે છે. પરંતુ તે શબ્દો માત્ર છે, તેનાથી એક વાક્ય પણ બની શકતું નથી. 

જ્યારે વિશ્વ લુપ્ત થતી ભાષાઓ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યું છે, ત્યારે આપણે લુપ્ત થઈ ગયેલી ભાષા અંગે મહિના બાદ જાણ થાય છે. જાણકારોના મતે પ્રાદેશિક ભાષાઓ અને અંગ્રેજીના વધતા પ્રભુત્વને કારણે ઘણી ભાષાઓ પર ખતરો ઊભો થઈ રહ્યો છે. અનેક એવી ભાષાઓ છે જેના 10 હજાર કરતાં પણ ઓછા બોલનાર લોકો રહ્યાં છે. આપણે આપણા વારસા વિશે કેટલાં જાગરૂક છીએ તેનું પ્રમાણ થાક બહાદુરનો ફોટો શોધતા મળ્યું. યુ.કે.ના એક અખબારમાંથી માંડ તેમનો ફોટો મળ્યો. ત્યારે આપણે આવા મહત્ત્વના મામલે ધ્યાન આપવાને બદલે તથ્ય વગરના મુદ્દાઓ પર ચર્ચાઓ કરી રહ્યા છીએ.

Monday, 4 January 2016

સેલ્ફીઃ પ્રવાસની ક્ષણો સાચવી રાખવાની ઘેલછા


સેલ્ફી ક્રેઝીઓ માટે ભવિષ્યમાં સેલ્ફી ડોક્ટર્સ, સેલ્ફી લેખકો, સેલ્ફી નિષ્ણાંતો, સેલ્ફી વિવેચકો, સેલ્ફી કાર્ટુનિસ કે સેલ્ફી પેઈન્ટર્સ આવે એ જમાનો હવે દુર નથી. 


પ્રવાસ એટલે મુસાફરી, યાત્રા, પંથ કરવો, રટણ, ભ્રમણ, સહેલગાહ, દેશાટન, સફર. નવું નવું જાણવા, અભ્યાસ કરવા, વણજોયેલા સ્થળો જોવા માટે પ્રવાસ થતો. ત્યારબાદ લોકો વેકેશનની મજા માણવા કે મનોરંજન ખાતર પ્રવાસ કરતા થયાં. રજાના દિવસોમાં ઘરથી બહાર એવા સ્થળે જ્યાં જઈ માત્ર આનંદ કરી શકાય, મિત્રો કે પરિવારજનો સાથે સમય ગાળી શકાય તે માટે પ્રવાસનું આપણે ખાસ આયોજન કરતા થયાં. જો કે હવે પ્રવાસની વ્યાખ્યા બદલાવા લાગી છે. માત્ર અભ્યાસ મનોરંજન ખાતર લોકો પ્રવાસ કરે છે એવું નથી, હવે એવું લાગે છે કે લોકો માત્ર સેલ્ફી માટે પ્રવાસ કરી રહ્યાં છે. 

વિશ્વમાં હાલ સેલ્ફી ક્રેઝ ચાલી રહ્યો છે, પરંતું ભારતીયોમાં એ જરા સવિશેષ છે એવું અમુક પ્રવાસો દરમિયાન જાણવા મળ્યું. વિશ્વના અન્યદેશોમાંથી આવતા પ્રવાસીઓમાં અભ્યાસ પ્રથમ હોવાનું જોવા મળ્યું છે, જ્યારે આપણે માત્રને માત્ર સેલ્ફી ખેંચવા માટે પ્રવાસે જઈએ છીએ તેવું લાગી રહ્યું છે. પ્રવાસનો મુળ હેતુ હવે મૃતઃપ્રાય પ્રાણીઓની કેટેગેરીમાં મુકાઈ ગયો છે અને સેલ્ફી સ્ટિકે પ્રવાસના મુળ હેતુને મારવામાં જંતુનાશક દવા જેવું કામ કર્યું છે. સાવ અજાણ્યા સ્થળે ગયા બાદ પણ આપણે ત્યાં જોવામાં કે એક્પ્લોર કરવામાં કાર્યરત રહેવાને બદલે સેલ્ફી લેવામાં વ્યસ્ત રહીએ છીએ. દરિયા વચ્ચે બોટમાં બેસીને બોટિંગનો આનંદ લેવાને બદલે લોકો સેલ્ફી લેવામાં રત રહે છે. જંગલમાં જઈને કુદરતના સાનિધ્યમાં રહેવા કરતા સેલ્ફી સાનિધ્ય પહેલા હોય છે. વહેતી નદીઓને બદલે પડતી સેલ્ફીઓ, મંદમંદ વાતા ઠંડા પવનના અહેસાસને બદલે સેલ્ફી સહેવાસ, પહાડોના ચઢાણને બદલે સેલ્ફીઓના કમઠાણ, વર્લ્ડ હેરિટેજ સાઈટ્સ જોવાને બદલે વર્લ્ડ હેઝિટેઇટ સેલ્ફીને પ્રાધાન્ય મળી રહ્યું છે.  

પ્રવાસ પૂર્ણ થયા બાદ આપણે પરત શું લઈને ફરીએ છીએ.. ઢગલો બધી સેલ્ફી, ઘરે આવીને પણ પ્રવાસ વર્ણન કરવા કે લખવાને બદલે સેલ્ફી સંપાદન અને વિવેચન ચાલતું હોય છે. દુઃખ અને ચિંતાની વાત એ છે કે આપણે આવનારી પેઢીઓને કેવા પ્રવાસો અંગેનું જ્ઞાન આપીશું? કાકાસાહેબ કાલેલકર જેવું પ્રવાસ વર્ણન લખવાને બદલે હવે માત્ર સેલ્ફી વર્ણનો લખાશે. કાકા સાહેબે સેલ્ફીનો આનંદ અને જવાહરલાલ નહેરુએ કદાચ હિંદનું સેલ્ફી દર્શન લખ્યું હોત ? આપણે પર્યટન સ્થળોએ સતત સેલ્ફીની ઘેલછામાં દોડ્યાં કરીએ છીએ. મોબાઈલ કંપનીઓએ પણ બિઝનેસ જોઈને આ પ્રક્રિયામાં મોટો ફાળો આપ્યો છે. મોબાઈલની જાહેરાતોમાં તેના ફિચર્સમાં સૌથી મોખરે હવે સેલ્ફી કેમરા આવી ગયા છે. વેઇટ હજી તો ડ્યુલ સેલ્ફી કેમેરાનો જમાનો આવી રહ્યો છે.

મોબાઈલ કંપનીઓની જેમ ભવિષ્યમાં ટ્રાવેલ કંપનીઓ પણ સેલ્ફી પ્રવાસનું આયોજન કરશે. માત્ર સેલ્ફી ખેંચવા ઈચ્છુક લોકો માટે પ્રવાસ, બેસ્ટ સેલ્ફી ઓફ યોર્સ ઈન વર્લ્ડઝ બેસ્ટ લોકેશન, તમારા પાસે સારો સેલ્ફી કેમેરા નથી? કંપની પોતાનો સેલ્ફી કેમરા આપશે, પ્રવાસમાં 10 વ્યક્તિ દીઠ એક સેલ્ફી નિષ્ણાંત પણ સાથે રહેશે, કયા લોકેશન પર કેવી સેલ્ફી લેવી, કેવી રીતે લેવી તેનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે. આ પ્રવાસ માત્ર સેલ્ફી લવર્સ માટે છે, અભ્યાસુઓએ અરજી કરવી નહીં. જો કે હાલ કેવી રીતે સારી સેલ્ફી લઈ શકાય, વિશ્વમાં બેસ્ટ કયા સ્થળો છે જ્યાં તમે સરસ સેલ્ફી લઈ શકો, કેવા કેમેરા, સેલ્ફી લેતી વખતે ધ્યાનમાં લેવાની બાબતો વગેરે વગેરેની માહિતી ગૂગલ આપી જ રહ્યું છે. 


હવે સેલ્ફી પારાયણને વિરામ આપતા અંતમાં સેલ્ફીની મજામાં ક્યાંક સમગ્ર પ્રવાસની મજા ખોવાય ન જાય તે ધ્યાનમાં રાખવું જરૂરી છે. મુળ ઉત્પાદનને બદલે આડપેદાશ મહત્વની બને ત્યારે આપણા બિઝનેસ વિશે વિચારવું જરૂરી બની જાય છે.

(તસવીરો ગૂગલ પરથી લીધી છે.)

15. તમે શું રે કરશો મોલ : લૉક-ડાઉનનાં પ્રણયગીતો

અધુરી આશમાં ઊઘડેલી આંખો ને એમાંથી મંડાતી મીટ વર્ષોની અતૃપ્ત જાગેલી ઝંખનામાં બચેલાં સપનાંના  તમે શું રે કરશો મોલ? ઉંબરની વચ્ચ...